ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની પહેલી મેચ આજે (6 ફેબ્રુઆરી) નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઈંગ્લેન્ડની શરૂઆત સારી રહી હતી. ઓપનર ફિલિપ સોલ્ટ અને બેન ડ્યુકેટે સારી શરૂઆત અપાવી હતી. જોકે ઓપનર્સના આઉટ થયા બાદ ઈંગ્લેન્ડ મુશ્કેલીમાં મુકાયું હતું. ઈંગ્લેન્ડની આખી ટીમ 248 રન પર ઓલઆઉટ થઈ હતી. ભારતને જીતવા 249 રન બનાવવા પડશે.
હર્ષિતની એક ઓવરમાં સોલ્ટે 26 રન બનાવ્યા
ઓપનર ફિલિપ સોલ્ટે ડેબ્યુટન્ટ બોલર હર્ષિત રાણાને ટાર્ગેટ કર્યો હતો. હર્ષિતની એક ઓવરમાં સોલ્ટે 26 રન લીધા હતા. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા આવેલી ઇંગ્લિશ ટીમની શરૂઆત તોફાની રહી. ઇંગ્લિશ ટીમે માત્ર 6 ઓવરમાં 50 રન પૂરા કર્યા. દરમિયાન, ફિલ સોલ્ટે છઠ્ઠી ઓવરમાં નીતિશ રાણાની બોલિંગમાં 26 રન (6, 4, 6, 4, 0, 6) બનાવ્યા. બીજા ઓપનર બેન ડકેટે પણ શમી સામે કેટલાક ઉત્તમ શોટ રમ્યા.

સોલ્ટ રનઆઉટ થયો અને મેચ પલટાઈ
ભારતને પહેલી સફળતા ફિલ સોલ્ટના રૂપમાં 75 રનના સ્કોર પર મળી, જે શ્રેયસ ઐયરના થ્રો પર રન આઉટ થયો. આ સાથે મેચ પલટાઈ હતી. મેચમાં નાટ્યાત્મક વળાંક આવ્યો હતો. ઈંગ્લેન્ડે 75ના સ્કોર પર પહેલી વિકેટ ગુમાવી ત્યાર બાદ માત્ર 8 બોલમાં બીજી 2 વિકેટ ગુમાવી હતી. 10મી ઓવરમાં ઈંગ્લેન્ડનો સ્કોર 3 વિકેટ ગુમાવી 77 રન થયો હતો.
હર્ષિતનું કમબેકઃ એક જ ઓવરમાં બે વિકેટ લીધી, યશસ્વીનો શાનદાર કેચ
9મી ઓવરમાં સોલ્ટ (43) રન આઉટ થયો ત્યાર બાદ ઈંગ્લેન્ડની ઈનિંગની 10મી ઓવર ફેંકવા આવેલા ડેબ્યુટન્ટ હર્ષિત રાણાએ એક જ ઓવરમાં બેન ડ્યુકેટ (32) અને હેરી બ્રુક(0)ની વિકેટ ઝડપી હતી. ડેબ્યુટન્ટ યશસ્વી જ્યસ્વાલે બેન ડ્યુકેટનો ઊંધા દોડતા શાનદાર કેચ પકડ્યો હતો. ઉપરાછાપરી ત્રણ વિકેટ પડતા ઈંગ્લેન્ડની કમર તુટી ગઈ હતી.

બટલર-બેથલની લડાયક અર્ધસદી
અહીંથી, જો રૂટ અને જોસ બટલરે મળીને ચોથી વિકેટ માટે 34 રનની ભાગીદારી કરી. આ ભાગીદારી રવિન્દ્ર જાડેજાએ તોડી હતી. જાડેજાએ રૂટ (19 રન) ને LBW આઉટ કર્યો. અહીંથી, બટલર અને જેકબ બેથેલે મળીને પાંચમી વિકેટ માટે 59 રનની ભાગીદારી કરી. બટલરે યુવાન બેથલ સાથે ઈનિંગ સંભાળીને સ્કોર 170 પર પહોંચાડ્યો હતો. બટલરે કેપ્ટન ઈનિંગ રમતા 52 રન બનાવ્યા હતા. અક્ષર પટેલે બટલરને શિકાર બનાવ્યો હતો. બેથલે પણ સારી ઈનિંગ રમતા 52 રન બનાવ્યા હતા. તે જાડેજાનો શિકાર બન્યો હતો.

ઈંગ્લેન્ડ પર ઓલઆઉટ, હર્ષિતની 3 વિકેટ
સારી શરૂઆત છતાં ઈંગ્લેન્ડ સ્પર્ધાત્મક સ્કોર બનાવવામાં નિષ્ફળ રહ્યું હતું. ઈંગ્લેન્ડની આખી ટીમ …. સમેટાઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ તરફથી બટલર અને બેથલે અર્ધસદી બનાવી હતી. તે સિવાયના બેટ્સમેનો નિષ્ફળ રહ્યાં હતાં. ભારત તરફથી ડેબ્યુટન્ટ હર્ષિત રાણાએ 3, જાડેજાએ 3, શમી-કુલદીપ-અક્ષરે 1-1-1 વિકેટ લીધી હતી.