હું ખોટો નહિ હોઉં તો, હર્ષ સંઘવીને ગુજરાત વિધાનસભાની સહુ પ્રથમ વાર ચૂંટણી લડવાની ટિકિટ મળી તેમાં છાંયડાવાળા ભરતભાઈ શાહનાં પત્ની રાગિણીબહેનનો આડકતરો હાથ રહ્યો છે એમ કહી શકાય…વાત એમ હતી કે, તે વખતે ટિકિટ ભાજપ તરફથી ભરતભાઈ શાહ (છાંયડાવાળા)ને મળવાની લગભગ નક્કી જ હતી પરંતુ, એમનાં ધર્મપત્ની રાગિણીબહેનને પોતાના પતિ રાજકારણમાં પ્રવેશે ને રમે તે બિલકુલ માન્ય-સ્વીકાર્ય-મંજૂર નહિ હોવાથી પોતાના પતિને ટિકિટ કોઈ ને કોઈ કારણથી મળે જ નહિ તે સારું રાગિણીબહેને મોટી બાધા-આખડી રાખેલી…ને, એમની એ બાધા-આખડી (સાથે જ, અંતરની અદમ્ય ઈચ્છા પણ ખરીસ્તો !) વળી ફળીય ખરી ! અને, ભાજપની નજર રાગિણીબહેનના પતિ ભરતભાઈ પરથી ઉઠીને ગુજરાતના આપણા હાલના ગૃહમંત્રી હર્ષ સંઘવી પર ગઈ અને ભાજપને હર્ષ સંઘવી ખૂબ જ ગમી ગયા…એટલે, ચૂંટણી લડવાની ટિકિટ એમને મળી ગઈ.
હર્ષ સંઘવી બબ્બે ચૂંટણીઓ જીતી ચૂક્યા છે અને, આ ત્રીજી ચૂંટણી માટે પણ એમને ટિકિટ મળી છે એટલે તેઓ ચૂંટણી લડશે તેમજ જીતશે તે વાત પણ સંદેહ કરવા જેવી નથી. જે ખુરશી પર એક જમાનામાં અમિત શાહ બેસતા હતા તે જ ખુરશી પર હવે, છેલ્લા કેટલાક અરસાથી હર્ષ સંઘવી બેસતા આવ્યા છે. હા, અમિત શાહનો એક રેકોર્ડ આ હર્ષ સંઘવીએ ખુરશી પર બેસતાંવેંત તોડી નાખેલો ! અમિત શાહે ભાજપના સૌથી ઓછી વયના ગુજરાતના ગૃહમંત્રીનો રેકોર્ડ બનાવેલો, માત્ર ૩૭ વર્ષની વયે અમિત શાહ ગુજરાતના ગૃહ મંત્રી બન્યા હતા…અને, આ હર્ષ સંઘવી અમિત શાહ કરતાં એક વર્ષ ઓછી વય (માત્ર ૩૬ વર્ષની વયે !) ગુજરાતના ગૃહમંત્રી બની ગયા હતા ! જો,કે બિનભાજપી નરેશ રાવલ માત્ર ૩૫ વર્ષની વયે ગુજરાતના ગૃહમંત્રી બન્યા હતા અને,કોઈ ભાજપિયા ગૃહમંત્રીએ આ રેકોર્ડ હજુ સુધી તોડી બતાવ્યો નથી !
હર્ષ સંઘવી એસ.એસ.સી. પણ થયેલા નથી ! હું ભૂલતો નહિ હોઉં તો, આઠમું ધોરણ પછી તેઓ આગળ ભણ્યા જ નથી. એમની માતા દેવેન્દ્રાબહેને પુત્ર સારું ભણશે એમ ધારીને એમને તે વખતની સૂરતની પ્રતિષ્ઠિત સ્કૂલ સેન્ટ ઝેવિયર્સમાં મૂકેલા પણ, હર્ષનું દિલ વિદ્યાભ્યાસને બદલે બીજા વિષયોમાં ચોંટતું રહેતું હતું…જો, એમનો વિદ્યાભ્યાસ પૂરો થયો હોત તો કદાચ, ગુજરાતના ગૃહમંત્રીની ખુરશી લગી તેઓ પહોંચી નહિ શક્યા હોત …તેઓ કોઈ બીજી જ લાઈનમાં આગળ નીકળી ગયા હોત !
ભાજપ તરફથી ચૂંટણી લડવા માટે સૌ પ્રથમ વખત ટિકિટ મળવાની “તૈયારીમાં” હતી ત્યારે ભાજપના એમના પ્રતિસ્પર્ધી ટિકિટ-વાંચ્છુઓમાં બે વિરોધી મત પ્રવર્તી રહ્યા હતા…એક મત એવો હતો કે, હર્ષ સંઘવી મહિનામાં બબ્બે-ત્રણ-ત્રણ વાર મુંબઈ જાય છે તો એને ટિકિટ કઈ રીતે મળે ?! તો, વળી બીજો એક મત એવો પણ પ્રવર્તી રહ્યો હતો કે…મુંબઈ જાય છે એટલે જ એને ટિકિટ મળશે ! હર્ષ સંઘવીના નજીકના જીગરીઓને તમે પૂછો તો, તેઓ એમ જ કહેશે કે…હર્ષને એવું કંઈ ઘમંડ છે જ નહિ – એ તો, ગૃહમંત્રી થઇ ગયો છે તો પણ મન થાય ત્યારે મુંબઈ જતો હશે ! હર્ષ સંઘવીના જીગરીઓની વાત ખોટી તો નથી જ, એવું કોણે કહ્યું કે ગૃહમંત્રી થઇ જાય એટલે મુંબઈ જવાનું છોડી દેવાનું ?!
જો, એની હાઈટ ઓછી નહિ હોત તો હર્ષ સંઘવી નામે તમને કોઈ નેતા નહિ મળ્યો હોત પણ…ટીવી-સીરીયલ કે મુવીનો કોઈ ચોકલેટી હીરો મળ્યો હોત ! એનો દેખાવ સરસ ! જુઓ કે, મળો તો બીજાં કામ સાઈડ પર રાખીને એને ભેટી પડવાનું મન થાય ! અંગ્રેજ જેવો ગોરો નહિ તેમ, સાવ કાળો પણ નહિ એવો એની ચામડીનો રંગ. મોટે ભાગે ફેન્સી વેશભૂષામાં જ જોવા મળે. અને, વેશભૂષા એણે ફેન્સી નહિ રાખી હોય તો પણ તેના શરીરે ધારણ કરી હોય એટલે તમને તે ફેન્સી જ લાગે ! હર્ષ સંઘવીને જીવનમાં માંડ એક કે બે વાર મળ્યાં હોય તેવાં છોકરા-છોકરીઓ પણ એને હંમેશા મિસ કરતાં રહે તેમજ ફરી ક્યારે મળવાનું થશે તેનો ઇન્તઝાર કર્યા કરે. સોશિયલ મીડિયા પર સહુથી વધુ સક્રિય વિધાનસભ્ય તરીકેનો પણ પોતાનો રેકોર્ડ !
પોતે ગૃહમંત્રી બન્યા પછી પણ, હું જે ટ્રેનમાં સૂરતથી અમદાવાદ જઈ રહ્યો હોઉં તે ટ્રેનમાં મારી સાથે હર્ષ સંઘવીને મેં અનેક વાર ટ્રેનની મુસાફરી કરી રહેલો જોયો છે…પોતાની આગળ-પાછળ ફરી રહેલા પોલીસો તરફ સાવ જ બેખબર ! આ ઝેડ-પ્લસ ને વાય-પ્લસ સુરક્ષાના યુગમાં પોતે ગૃહમંત્રી થઈને કોઈ કોઈ વાર તો પોલીસોને-સુરક્ષાકર્મીઓને ભગાડી મૂકી પોતાની પ્રિય પત્ની પ્રાચી તેમજ સંતાનો આરુષ-નીરવા જોડે મંદિરોમાં પૂજા કરવા દોડી જાય અથવા રેસ્ટોરન્ટોમાં કે કોઈ અજાણી જગાઓએ મોજ-મઝા કરવા ઉપડી જાય !
હર્ષ એવો હીરો છે કે, તેના પિતા તેને જે સમયે પારખી કાઢવાનો હતો તે સમયે પારખી શકવામાં નિષ્ફળ નીવડ્યા હતા !
“લંડન જઈશ- અમેરિકા જઈશ
ગુજરાતી છું, ગુજરાતી રહીશ !”
એક સરસ મઝાનું ગીત હર્ષના પુત્ર આરુષને મુખેથી સાંભળવાનું મળે તો એ મોકો ચૂકશો નહિ ! એ ગીત સાંભળીને ગોપાલ ઇટાલિયાએ તેને જાહેરમાં પૂછ્યું હતું કે…શાળામાં ભણીશ ખરો કે નહિ, કે બાપા મંત્રી છે એટલે આમ જ મોજમઝા કરતો રહીશ ?!
અને, ગોપાલ ઇટાલિયાએ આ હર્ષ સંઘવીને જાહેરમાં Drugs Sanghvi કહેલા જેને લીધે ગૃહમંત્રીની બદનક્ષી સબબ ઇટાલિયાને પોલીસ પકડવા પણ આવી હતી !
– ડો.કૌશિક કુમાર દીક્ષિત