National

હરિયાણામાં ભગવા યાત્રા દરમ્યાન શરૂ થયેલી હિંસા ગુરુગ્રામ સુધી ફેલાઈ

હરિયાણા: હરિયાણાના (Hariyana) મેવાત અને સોહનામાં સોમવારે બે સમુદાયો વચ્ચે જોરદાર હંગામો થયો હતો. આ હિંસાની (Violence) આગ ફરીદાબાદના ગુરુગ્રામ (Gurugram) સુધી પહોંચી ગઈ હતી. અહીં બંને સમુદાયોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. 90 જેટલા વાહનોમાં તોડફોડ કરી આગ ચાંપી દેવામાં આવી હતી. આ તણાવ નૂહથી શરૂ થયો હતો. જ્યાં બ્રજમંડળ યાત્રા દરમિયાન બે જૂથ વચ્ચે અથડામણ (collision) થઈ હતી.

નૂહમાં થયેલો હોબાળો એટલો વધી ગયો કે પથ્થરોની સાથે ગોળીબાર પણ કરવામાં આવ્યો હતો. હિંસામાં બે હોમગાર્ડ સહિત ત્રણના મોત થયા હતા, જ્યારે 10થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. હિંસાને જોતા નૂહમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો હતો. ત્રણ દિવસ માટે ઈન્ટરનેટ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સિવાય ગુરુગ્રામ, ફરીદાબાદ અને રેવાડીમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ સ્થળોએ શાળા બંધનો આદેશ આપવામાં આપ્યો છે. હરિયાણા સરકારે નૂહ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે કેન્દ્ર પાસેથી એક સપ્તાહ માટે રેપિડ એક્શન ફોર્સની 20 કંપનીઓની માંગ કરી છે. તેઓને જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવશે. આ ઉપરાંત નૂહમાં 2 દિવસનો કર્ફયુ લાદવામાં આવ્યો છે.

શું હતી ઘટના?
નૂહમાં હિન્દુ સંગઠનો દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું કે બ્રજ મંડળ યાત્રા કાઢવામાં આવશે. યોજના અનુસાર મેવાતમાં શિવ મંદિરની સામે બ્રિજ મંડળ યાત્રા કાઢવામાં આવી રહી હતી ત્યારે યાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ બ્રિજ મંડળ યાત્રામાં બજરંગ દળના અનેક કાર્યકરો પહોંચ્યા હતા. મોનુ માનેસરે પહેલા જ વિડિયો શેર કરીને યાત્રામાં વધુને વધુ લોકો સુધી પહોંચવાની અપીલ કરી હતી. એટલું જ નહીં, મોનુ માનેસરે કહ્યું હતું કે તે પોતે પણ આ રેલીમાં ભાગ લેશે. જો કે મોનુ માનેસર યાત્રામાં હાજર રહ્યા ન હતા, પરંતુ બિટ્ટુ બજરંગી નામના કથિત ગૌરક્ષક યાત્રામાં જોડાયા બાદ તણાવ વધી ગયો હતો. નૂહમાં બીજી બાજુના લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને ત્યારે જ આ પથ્થરમારાની ઘટના બની હતી.

મોનુ માનેસર હત્યા કાંડમાં આરોપી છે
મોનુ માનેસર નાસીર-જુનૈદ હત્યા કેસમાં વોન્ટેડ છે. 16 ફેબ્રુઆરીએ હરિયાણાના ભિવાનીમાં લોહારુના બરવાસ ગામ પાસે બળેલી બોલેરોમાં બે હાડપિંજર મળી આવ્યા હતા. મૃતકોની ઓળખ નાસિર (25) અને જુનૈદ (35) તરીકે થઈ છે. આ બંનેની હત્યા બાદ જ મોનુ માનેસર ચર્ચામાં આવ્યો હતો.

Most Popular

To Top