આજે હરિપુરા ગામ સુરત જીલ્લામાં પલસાણા તાલુકામાં આવ્યું છે. પલસાણાની વસ્તી ૧૫૯૩ છે. જેમાંથી ૩૨ ટકા વસ્તી આદિવાસીઓની છે. ૧૯૩૮ માં હરિપુરા બારડોલી તાલુકામાં આવ્યું અને હિંદી રાષ્ટ્રિય મહાસભાના અધિવેશન માટે સરદાર વલ્લભભાઇ પટેલે હરિપુરા ગામ પસંદ કર્યું હતું. એની આસપાસ આદિવાસી વસ્તી હતી. તા. ૧૯-૨૧ ફેબ્રુઆરી ૧૯૩૮ નાં રોજ સુભાષચંદ્ર બોઝનાં પ્રમુખપદ હેઠળ હરિપુરામાં ભરાયેલ અધિવેશન વખતે જયારે ઇન્દુલાલ યાજ્ઞિક અને કિસાનસભાનાં નેતાઓ દસ હજાર તીરકામઠાધારી દૂબળાઓ અને અન્ય આદિવાસીઓની સાથે કૂચ કરી ગયા ત્યારે ભવ્ય રીતે શણગારવામાં આવેલા કોંગ્રેસના મંચમાં હાહાકાર સર્જાઇ ગયો હતો અને મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને ડો. રાજેન્દ્રપ્રસાદ સહિત દેશનાં નેતાઓ ચોંકી ઉઠયા હતા. જાણે દેવોનાં પવિત્ર હવનમાં દાનવોએ હાડકાં નાંખતા!
સરદાર વલ્લભભાઇ પટેલે તો પહેલેથી જ સમાજવાદી વિચારસરણીનાં કટ્ટર વિરોધી હતા, જયારે બીજી તરફ ભારતીય કિસાન સભાનાં એકમ તરીકે રચાયેલી ગુજરાત કિસાન સભા સમાજવાદી વિચારસરણીને વરેલી હતી. આ રીતે સરદાર અને ઇન્દુલાલ ટકરાયા હતા. સરદારે કહ્યું હતું: ‘કિસાનસભા કોંગ્રેસનાં હવનમાં હાડકાં નાંખી રહી છે.’ વળી તે સમયે ગાંધીજી સુભાષચંદ્ર બોઝને અવિશ્વાસુ ગણતા હતા. પણ ગાંધીજી અને સરદારને નાછૂટકે સુભાષચંદ્રને નિભાવવા પડયા હતા. સુભાષચંદ્ર ઉદ્દામવાદી વિચારદર્પણ ધરાવતા હતા અને કિસાન સભાની પ્રવૃતિઓને ટેકો આપતા હતા. હરિપુરા કોંગ્રેસના અધિવેશનમાં માત્ર થોડાક દિવસો પહેલાં સુભાષચંદ્ર બોઝે ચીનમાં ઇન્ડિયન મેડિકલ મિશન મોકલીને જાપાન સામેના યુદ્ધમાં ઘવાયેલા હજારો ચીની સૈનિકોનો જીવ બચાવ્યા હતા અને તેમ કરવામાં ડો. કોટનિસે માત્ર ૩૨મે વર્ષે તેમનો જીવ ગુમાવ્યો હતો. સુભાષબોઝ ખુબ લોકપ્રિય હતા. તેઓ ઝડપી આગેકદમમાં માનતા હતા. એમણે ગાંધીજીની ખાદી અને ચરખા નીતિને અપૂર્ણ ગણીને હરિપુરા કોંગ્રેસ વખતે નેશનલ પ્લાનિંગ કમટી સ્થાપી હતી. તેઓ મોડર્ન ટેકનોલોજીનાં હીમાયતી હતા. આઝાદી બાદ સ્થપાયેલ પ્લાનિંગ કમિશનની તે જનની હતી. આમ હરિપુરા કોંગ્રેસ ઘણી બાબતોમાં વિચારસરણીની દૃષ્ટિએ સ્ફોટક સાબીત થઇ હતી. અત્રે તેનું વર્ણન અને વિશ્લેષણ કરીશું.
હરિપુરા અધિવેશન: કેટલીક ખાસીયતો:-
જેવી રીતે ૧૯૨૦-૨૨ નાં અસહકારના આંદોલન વખતે ખેડા જીલ્લા અને સુરત જીલ્લા વચ્ચે ખેંચતાણ થઇ હતી તેવી જ રીતે હરિપુરા કોંગ્રેસ પહેલાં પણ ખેંચતાણ થઇ હતી. ૧૯૨૨ માં સીવીલ ડીસઓબીડીયન્સનાં કેન્દ્ર તરીકે ખેડા જીલ્લાનાં કાર્યકરોએ આણંદ તાલુકાને પસંદ કર્યો, તો સુરતવાળાઓએ બારડોલી તાલુકો પસંદ કર્યો હતો. છેવટે બારડોલી પસંદ થયું હતું. તેવી જ રીતે ૧૯૨૮ નાં કોંગ્રેસ અધિવેશન વખતે ખેડા જીલ્લાનાં કોંગ્રેસ આગેવાનોએ ચરોતરમાં આવેલ રાસ ગામ પસંદ કર્યું. તો દક્ષિણ ગુજરાતનાં કોંગ્રેસી નેતાઓએ હરિપુરા પસંદ કર્યું અને સરદાર પટેલે તેની ઉપર મહોર મારી. તેમની ગણતરી એવી હતી કે સુરત જીલ્લાનાં મોટા ભાગનાં તાલુકાઓમાં આદિવાસીઓની મોટી વસ્તી હોવાથી જો હરિપુરા ગામ કોંગ્રેસ સંમેલન યોજીશું તો તેમનામાં ઘણી જાગૃતિ આવશે.
સરદાર પટેલની ગીધ જેવી નજરથી હરિપુરા કોંગ્રેસ માટે મહીનાઓથી આયોજન થયું હતું. સ્વાગત સમિતિનાં પ્રમુખ તરીકે દરબાર ગોપાળદાસ દેસાઇ નામનાં જમીનદાર પસંદ થયા હતા અને ઉપપ્રમુખો તરીકે તેમનાં પત્ની ભકિતબા ઉપરાંત મીઠુબહેન પીટીટ, વિજયાગૌરી કાનૂગા તથા મણિલાલ ચતુરભાઇ શાહની પસંદગી થઇ હતી. સ્વાગત મંત્રી તરીકે કનૈયાલાલ નાનાભાઇ દેસાઇ (હિતેન્દ્ર દેસાઇનાં પિતા) અને સંયુકત મંત્રીઓ તરીકે ભોગીલાલ લાલા, જીવણલાલ દીવાન, નરહરી પરીખ, કલ્યાણજી મહેતા, જયોત્સનાબહેન શુકલ અને સન્મુખલાલ શાહ પસંદ થયા હતા. ઉદ્યોગપતિ અંબાલાલ સારાભાઇનાં પુત્રી દુલા સારાભાઇ સ્વયંસેવિકાઓનાં વડા તરીકે ચૂંટાયા હતા.
હરિપુરા અધિવેશનનાં સ્થળને સરદાર વલ્લભભાઇ પટેલનાં સદ્ગતભાઇ વિઠ્ઠલભાઇ પટેલની (૧૮૭૩-૧૯૩૩) સ્મૃતિમાં ‘વિઠ્ઠલનગર’ નામ અપાયું હતું. બેરીસ્ટર વિઠ્ઠલભાઇ પટેલ મોટા ગજાના રાષ્ટ્રીય નેતા હતા. આ વિઠ્ઠલનગરનાં એક દરવાજા સાથે સુરતનાં વિખ્યાત સમાજ સુધારક અને સાહિત્યકાર નર્મદનું નામ જોડવામાં આવ્યું હતું. કોંગ્રેસ મંડપ અનોખો હતો. તેને ગાંધીજીનાં કહેવાથી પ્રખ્યાત ચિત્રકાર નંદલાલ બોઝે શણગાર્યો હતો. આ અધિવેશનમાં સુભાષબાબુનું જે ઉમળકાથી બાદશાહી ઠાઠથી સ્વાગત કરવામાં આવ્યું તે કોંગ્રેસનાં ઇતિહાસમાં અનોખું હતું. એમને ૫૧ બળદોની બગીમાં બેસાડીને ગામમાં ફેરવવામાં આવ્યા ત્યારે અહીં ભેગા થયેલા ખેડૂતો, ખેત મજૂરો અને દુબળા હળપતીઓ સહીત આદિવાસીઓએ ‘સુભાષબાબુ કી જય’નાં નારા લગાવ્યા હતા. સુભાષચંદ્ર બોઝ કિસાનસભાની ઉદ્દામવાદી નીતિ અને સેન્ટ્રલ પ્લાનિંગનાં હીમાયતી હતા. તેઓ ગાંધીવાદી ખેડૂત કાર્યક્રમોને ‘ધીમા સુધારા’ તરીકે ગણતા હતા. તેઓ માનતા હતા કે ખેત મજૂરો, ખેતદારો, હાળીઓ અને આદિવાસીઓનાં ઉત્થાન માટે ખરેખર તો ખાદી અને રેંટીયાથી પણ વધારે મહત્ત્વનું કામ જમીનદારી પ્રથાની નાબૂદી છે. જમીનદારી પ્રથા અને હાળી પ્રથાની કાયદાઓ દ્વારા નાબૂદી થવી જ જોઇએ. જયાં સુધી ખેતમજૂરોનાં હાથમાં જમીન માલીકી ના આવે ત્યાં સુધી થીંગડા મારીને વસ્ત્રે સાંધ્યા કરવું યોગ્ય નથી. પણ જયાં જમીનદારો અને શાહૂકારો ફ્રિડમ મુવમેન્ટનાં મોટા ટેકેદારો હોય ત્યાં રેડીકલ કાયદાઓ કેવી રીતે પસાર થઇ શકે?! પોતાનાં પગ ઉપર જાતે જ કુહાડો મારવાનું કયા જમીનદાર કે શાહુકારને ગમે? સરદાર માનતા હતા કે ‘પહેલા સ્વાતંત્રય અને ત્યાર પછી જ કિસાનસભાનાં નારા. બીજી તરફ કિસાનસભાનું ધ્યેય શોષણ રહીત કૃષિ – વ્યવસ્થા સ્થાપવાનું હતું. ઇન્દુલાલ યાજ્ઞિક, દિનકર મહેતા, નીરૂભાઇ દેસાઇ, નાનુભાઇ દેસાઇ અને કકલભાઇ કોઠારી જેવા ગુજરાત કિસાન સભાનાં ઉદ્દામવાદી નેતાઓએ દક્ષિણ ગુજરાત અને પંચમહાલમાં ફરીવળીને ખેતમજૂરો અને આદિવાસીઓને તેમનાં અધિકારો માટે જાગૃત કર્યા હતા. હરિપુરા કોંગ્રેસ વખતે એકલા સુરત જીલ્લામાં ૫૭૦૦૦ કરતાં વધારી હાળીઓ વંશપરંપરાગત ગુલામી કરતા હતા.
આવા દારૂણ વાતાવરણમાં જયારે બાર હજાર હળપતિઓ, ખેતમજૂરો અને ગણોતિયાઓએ સરઘસ કાઢયુ અને તે કોંગ્રેસ મંડપમાંથી પસાર થયું ત્યારે કોંગ્રેસ મંડપમાં કેવો સન્નાટો ફેલાઇ ગયો હશે તે કલ્પનાનો વિષય છે.
સરદાર પટેલનાં વિરોધ વચ્ચે તેમજ તેમનાં હવનમાં હાડકાં’નાં ઉદ્ગારો વચ્ચે સર્વહારાઓનું સરઘસ પસાર થયું હતું. તે સમયે ઇન્દુલાલ યાજ્ઞિક ઉપરાંત સામ્યવાદી નેતાઓ પોગારદર અને દીનકર મહેતાએ દોરવણી આપી હતી. હાળીઓની આ કૂચનું દ્રશ્ય અભૂતપૂર્વ હતું. તેઓ ‘કિસાનસભા જીંદાબાદ’, ‘જમીનદારી મુર્દાબાદ’ અને ‘મધતાગની પ્રથા’ તથા ‘વેઠ પ્રથા’ નાબૂદ કરોનાં નારા લગાવતા હતા. નરસિંહભાઇ અકાભાઇ ચોધરી નામનાં એક જુવાન આદિવાસી નીચેનું ગીત લલકારતા હતા અને તે હજારો આદિવાસીઓ ઝીલતા હતા. અને જમીનદારો, શાહૂકારો અને પીઠાવાળાઓ નારાજ થતા હતા.
‘કિસાન સભા મેં આવનારા,
કૈઇને કૈઇ હૂઝે,
શાહુકાર ઉંદરે ફોલી ફોલી ખાધા,
કિસાનસભા માનનીર પડકારા’
તેનો સાર આ છે: કિસાનસભામાં તો કંઇ ને કંઇ શીખવાનું મળે, શાહુકારરૂપી ઉંદરોએ ખેડૂતોને ફોલી ખાધા છે; હવે તેમને છોડાવવાને કિસાનસભા રૂપે બિલાડો આવ્યો છે.’
આવતા લેખમાં કિસાનસભાનાં ઉદ્ભવ, વિકાસ, વિચારસરણી, કાર્યપધ્ધતિ અને મર્યાદાઓની ચર્ચા કરીશું.