Gujarat

હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હવે ‘આપ’માં જોડાય તેવી શક્યતા

ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) આગામી ટૂંક સમયમાં ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસમાં (Congress) મોટી ફાડ પડી છે. છેલ્લા કેટલાક સમયથી પાટીદાર (patidar) નેતા અને કોંગ્રેસ પ્રમુખ હાર્દિક પટેલ (Haradik Patel) પાર્ટીથી નારાજ હતા. હાર્દિક પટેલે આખરે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપ્યા બાદ હાર્દિક પટેલ ટૂંક સમયમાં આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની હાજરીમાં ભવ્ય સમારંભ યોજાશે. જ્યાં હાર્દિકની સાથે બીજા પાટીદાર યુવા નેતાઓ પણ જોડાશે. હાલમાં હાર્દિક પટેલ તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

હાર્દિક પટેલે રાજીનામાની વાત ટ્વીટર પર એક પોસ્ટ મૂકી કરી હતી. હાર્દિક પટેલે ટ્વીટર ઉપર સોનિયા ગાંધીને સંબોધીને પત્ર લખ્યો છે અને પાર્ટીના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્ય પદેથી પણ રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે.

ભાજપનો કાર્યકર મૌન છે માયકાંગલો નથી: વરુણ પટેલ
હાર્દિક પટેલ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પાર્ટીથી નારાજ હતા. હવે આખરે તેમણે કોંગ્રેસના પ્રમુખ પદ સહિત તમામ પદો પરથી રાજીનામાની જાહેરાત કરી રાજીનામું આપ્યું છે. હાર્દિક પટેલના રાજીનામા બાદ તે ભાજપમાં જોડાઈ શકે તેવી અટકળોએ જોર પકડ્યું છે. પરંતુ હાર્દિક પટેલના એક સમયના સાથે રહેવાળા વરુણ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, ભાજપમાં જોડાવવાની ચર્ચા સંપૂર્ણ પાયા વગરની લાગે છે. તેમણે ટ્વીટમાં લખ્યું કે ‘@BJP4Gujarat ના કાર્યકરોએ જે પ્રમાણે ભાઈની સામે સંઘર્ષ કરેલો છે તે જોતાં કાર્યકરો, ભાઈનો સ્વીકાર કરે એવું મને લાગતું નથી. ભાજપમાં જોડાવાની ચર્ચા સંપૂર્ણ પાયા વગરની લાગે છે બાકી જાય જેને જવું હોય ત્યાં. ભાજપનો કાર્યકર મૌન છે માયકાંગલો નથી !!!!

જગજાહેર છે કે હું પાર્ટીથી નારાજ છું: હાર્દિક પટેલ
છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પાર્ટીથી હાર્દિક પટેલ નારાજ હતા. આ વાતનો તેમણે સ્વીકાર પણ કર્યો હતો કે, હા હું પાર્ટીથી નારાજ છું અને આ વાત જગજાહેર છે. રવિવારે ખોડલધામમાં બંધ બારણે બેઠક યોજઈ હતી. આ બેઠકમાં અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણીયા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ સાથે નરેશ પટેલે પણ હાજર રહ્યા હતા. આ બેઠક બાદ જ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે તે કોંગ્રેસ પાર્ટીથી નારાજ છે.

ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ રાજસ્થાનના ઉદયપુરમાં યોજાયેલી કોંગ્રેસની ત્રિદિવસય ચિંતન શિબિરમાં પણ હાજર ન હતા. છેલ્લા કેટલાક સમયથી હાર્દિકના નિવેદનથી પણ સ્પષ્ટપણે જાણી શકાતું હતું કે હાર્દિક પટેલ તેની પાર્ટીથી ખુશ નથી. આ અગાઉ તેમણે વોટ્સએપ પરથી કોંગ્રેસના નિશાનવાળું ડીપી હટાવ્યું હતું. ત્યાર પછી થોડાક દિવસ બાદ તેમણે ભાજપના ખેસવાળું ડીપી બદલ્યું હતું. હાર્દિક પટેલે પોતાનું ડીપી બદલી નાખતા કોંગ્રેસ પાર્ટીમાં ચર્ચાએ જોર પકડ્યું હતું કે હાર્દિક પટેલે હવે કોંગેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ શકે છે. નોંધનીય છે કે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ પર ટૂંક સમયમાં જાહેરાત કરશે કે તેઓ કઈ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.

Most Popular

To Top