નિઝરના ભીલ ભવાલી ગામ નજીકથી લોહીલુહાણ હાલતમાં 5 વર્ષનું હરણ મળી આવ્યું હતું. ગ્રામજનોએ આની જાણ ટાવલી રેંજના આરએફઓ રોહિત વસાવાને કરતાં તેઓ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘાયલ હરણનો કબજો લઈ સારવાર અર્થે સોનગઢના પશુ દવાખાને ખસેડવામાં આવ્યું હતું.
નિઝર તાલુકાના તાપી કિનારે આવેલા જૂની ભીલભવાલીમાં બુધવારે આશરે ૫ વર્ષનું હરણ ખોરાક અને પાણીની શોધ માટે નીકળી આવ્યું હતું. જે હરણને ગામની સીમમાં રખડતા હડકાયા કૂતરાઓએ હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કરી દેતાં ગામના લોકોની નજરે ચઢતાં લોકો હરણને બચાવી ગામમાં લઈ આવ્યા હતા. અને ગામના જાગૃત નાગરિકે ફોરેસ્ટ ખાતાના અધિકારીને ફોન મારફતે જાણ કરી હતી. જે બાદ ફોરેસ્ટ ખાતાના અધિકારીઓએ તાત્કાલિક જૂની ભીલ ભવાલી ખાતે પહોંચી ઘાયલ હરણનો કબજો લઈ તેને તાત્કાલિક સારવાર અર્થે સોનગઢ ખાતે પશુ ચિકિત્સક પાસે સારવાર માટે મોકલી આપ્યું હતું.
સારવાર મેળવ્યા બાદ વધુ સારવાર માટે હરણને રેસ્ક્યુ સેન્ટર ખાતે મૂકવામાં આવ્યું હતું. આરએફઓ રોહિત વસાવાએ જણાવ્યું હતું કે, કૂતરાઓએ હરણ પર હુમલો કરતાં હરણ જખમી થયું હતું. જો કે, ગ્રામજનોએ આ હરણ પર કોઈ શિકારીએ હુમલો કર્યાની આશંકા વ્યક્ત કરી છે. સોનગઢ પશુ ચિકિત્સકના જણાવ્યા મુજબ સારવાર બાદ હરણની તબિયત સુધારા પર છે. હાલ હરણ સંપૂર્ણ સ્વસ્થ થાય ત્યાં સુધી રેસ્ક્યુ સેન્ટર ખાતે વનવિભાગની દેખરેખ હેઠળ મૂકવામાં આવશે. તબિયત સારી થયા બાદ આ હરણને વન વિભાગ જંગલ માં છોડવાની તજવીજ કરશે.