સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે બિઝનેસની દુનિયામાં પુરુષ જ સફળ થઈ શકે છે. લોકો એવું માનીને ચાલે છે કે બિઝનેસ અને કોર્પોરેટ વર્લ્ડમાં મહિલાઓ વધારે સફળતા પ્રાપ્ત નથી કરી શકતી કારણ કે આ ફિલ્ડમાં ડગલે ને પગલે ગળાકાપ હરીફાઈનો સામનો કરવો પડે છે અને બિઝનેસના દાવપેચ ઘણા પેચીદા હોય છે પણ આજની આધુનિક નારીઓએ આ ધારણાને ખોટી સાબિત કરીને સફળતાના શિખરને હાંસલ કર્યાં છે. તેમણે માત્ર પોતાને જ એમ્પાવર વુમન નથી સાબિત કરી પણ બીજી મહિલાઓને પણ આત્મનિર્ભર બનાવવા માટે રાહબર બની છે. આમાં એક નામ સામેલ છે વલસાડનાં બીજલ દેસાઈનું.
કોરોનાની આફ્તને અવસરમાં પલટી નાંખી નોનવુવન (ડિસ્પોઝેબલ) ફેબ્રિકના બિઝનેસમાં ઝંપલાવી બીજલ દેસાઈએ પોતાના બિઝનેસને દેશના સીમાડા પાર કરી વિદેશમાં પણ ફેલાવ્યો છે. આ દમદાર બિઝનેસ વુમને વાપીમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ ચાલુ કરી આસપાસનાં નાનાં ગામડાંઓની મહિલાઓને રોજગાર આપી ‘નારી તું કદાપિ ના હારી, તારા થકી છે સૃષ્ટિ સારી, તું છે સૌની તારણહારી’ આ ઉક્તિને સાર્થક કરી છે. સક્સેસફુલ બિઝનેસ વુમનની તેમની સફરમાં તેમણે ક્યા-ક્યા પડકારોનો સામનો કર્યો? સરકારની કઈ યોજનાએ તેમને આત્મનિર્ભર બનાવ્યાં? ગળાકાપ હરીફાઈના આ જમાનામાં બિઝનેસમાં અડીખમ રહેવા માટે તેમને કોણે પ્રેરણા આપી ? તે તેમના જ શબ્દોમાં જાણીએ.
બિઝનેસ વુમન બનવાનું બીજ બાળપણથી જ રોપાયું હતું
37 વર્ષીય બીજલ દેસાઈએ જણાવ્યું કે, ‘‘મારો જન્મ નવસારીમાં થયો હતો. મારા મધર જાનકીબેન નાયક રિટાયર્ડ ટીચર છે જ્યારે મારા ફાધર કિશોરભાઈ નાયક પણ સુરતમાં આઈ. પી મિશન સ્કૂલમાં ટીચર હતા. ઉચ્ચ શિક્ષિત માતા-પિતાને કારણે મારે પણ એન્જિનિયરીંગની ડીગ્રી મેળવવી હતી. જો કે આ ડિગ્રીના માધ્યમથી હું બિઝનેસ વુમન બનવાનાં સપનાં સેવતી હતી. મેં નવસારીમાં 10મા ધોરણ સુધીનું એજ્યુકેશન ટાટા ગર્લ્સ હાઇસ્કૂલમાં, સાયન્સ સ્ટ્રીમમાં 11મું, 12મું ધોરણ શેઠ આર.જે. જે. હાઇસ્કૂલમાંથી પ્રાપ્ત કર્યું હતું.
2008માં સુરતની સી.કે. પીઠાવાળા કોલેજ ઓફ એન્જિનિયરીંગમાંથી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનમાં B.E. ની ડીગ્રી દયાળજી આશ્રમ હોસ્ટેલમાં રહીને મેળવી હતી. આ દરમિયાન E.C. એટલે કે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન ફિલ્ડની ડીમાન્ડ ઘટી ગઈ હતી એટલે તેમાં જોબના ચાન્સીસ ઓછા હતા અને મારે કાંઈક અલગ લાઇન મેળવવી હતી એટલે મેં મુંબઈમાં ઇન્ટરનેશનલ ટ્રેડ મેનેજમેન્ટ જેને એક્સપોર્ટ- ઈમ્પોર્ટ મેનેજમેન્ટ પણ કહેવાય છે તેમાં M.B.A. ની ડીગ્રી મેળવી. હું સેકન્ડ યરમાં હતી ત્યારે મારા મેરેજ વલસાડમાં રહેતા નીરવ દેસાઇ સાથે થયા હતા. ત્યાર બાદ મેં સુરતમાં એક કંપનીમાં ઇન્ટરનેશનલ માર્કેટિંગ મેનેજર તરીકે 8 મહિના વલસાડથી સુરત અપડાઉન કરીને જોબ કરી હતી. આ દરમિયાન મેં માર્કેટિંગ મેનેજમેન્ટનું પ્રેક્ટિકલ જ્ઞાન મેળવ્યું. પછી 2012માં મને પ્રેગ્નન્સી રહેતાં મેં જોબ છોડી અને પછી મેં બિઝનેસ વુમન બનવા તરફ પગરણ માંડ્યાં.
નોનવુવન ફેબ્રિકસનું ઓનલાઇન ટ્રેડિંગ કર્યું
મારે પોતાના દમ પર બિઝનેસ તો કરવો હતો પણ આઈડિયા નહોતો. એક દિવસ મેં પેપરમાં નોનવુવન ફેબ્રિક્સની ડીમાંડ આવનારા સમયમાં કેવી રહેશે તે વિશે વાંચ્યું અને તેના ઓનલાઇન ટ્રેડિંગ બાબતમાં મારા ફાધર ઇન લો નીતિનભાઈ દેસાઈ પાસે માર્ગદર્શન મેળવ્યું. મેં મારા પર્સનલ પ્રોફાઈલ બીજલ દેસાઈના નામ પર નોનવુવન ફેબ્રિકસનું ટ્રેડિંગ શરૂ કર્યું. એક દિવસ મને મુંબઈથી ડાયપર માટેનો ફોન આવ્યો અને મેં 2014માં ચાઇના, મલેશિયા, ઇન્ડોનેશિયાથી ડાયપર ઈમ્પોર્ટ કર્યા જે મેં મારી હેપ્પી રજીસ્ટર્ડ બ્રેન્ડથી સેલિંગ કરવાનું શરૂ કર્યું. પછી મેં રેઈનબો ટેક્સ ફેબ કંપનીની સ્થાપના કરી. ત્યારે તો બિઝનેસનું અસ્તિત્વ ઊભું કરવું તે જ મુખ્ય હતું એટલે નફા કે નુકસાનની વાત જ નહીં આવે. ત્યારે ગુજરાતમાં માર્કેટિંગ માટે હું, મારા હસબન્ડ અને અન્ય એક માર્કેટિંગ માટેની વ્યક્તિ હતી.
ડિસ્પોઝેબલ પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટ માટે મળી સબસિડી
બીજલ દેસાઈએ પોતાના બિઝનેસની આગળ વધી રહેલી જર્ની વિશે જણાવ્યું કે, ‘‘મારે પોતાના મેન્યુફેક્ચરિંગ યુનિટની સ્થાપના કરવી હતી. એ સમયે 2019માં કોરોનાનો સમય આવ્યો ત્યારે યુઝ એન્ડ થ્રો પ્રોડક્ટસ, માસ્ક, ગ્લવ્ઝ, વાઇપ્સની ડીમાન્ડ વધી હતી. ત્યારે મને કોરોનાના પેશન્ટ માટે યુઝ એન્ડ થ્રો વાઇપ્સના મેન્યુફેક્ચરિંગનો વિચાર આવ્યો. આ દરમિયાન એક દિવસ ન્યૂઝપેપરમાં પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ જનરેશન યોજનાની જાણ થઈ અને જરા પણ વિલંબ કર્યા વગર સીધા વલસાડ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં પહોંચી યોજનાની માહિતી મેળવી યોજનાના પોર્ટલ પર લોગીન થઈ. બાદમાં મારો ઇન્ટરવ્યૂ લેવાયો હતો, જેમાં પાસ થયા બાદ પ્રોજેક્શન ફાઇલ મંજૂર થતાં 21 લાખ રૂપિયાની લોન સરકારી બેંકમાંથી મળી. જેમાં 42% કેન્દ્ર અને રાજ્યની સબસીડી મળી. વધારાની 2 %ની સબસિડી લેડી આંત્રપ્રિન્યોર હોવાથી મળી. આમ કુલ 44% સબસિડી મળતા મને દોડવું હતું અને ઢાળ મળ્યો. મારી આ ડિસ્પોઝેબલ પ્રોડક્ટમાં કેમિકલ યુઝ થતું હોવાથી ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટનું લાઇસન્સ મેળવ્યું.’’
90 % મહિલાઓનો સ્ટાફ રાખી મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ બન્યાં
બીજલ દેસાઈએ તેમના મેન્યુફેક્ચરીંગ યુનિટમાં 90 % મહિલા સ્ટાફ રાખી મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે વાપી, પરિયા, આમચક, વલસાડની આસપાસનાં ગામોની મહિલાઓને રોજગારી પૂરી પાડી છે. આ મહિલાઓને ધારા-ધોરણ મુજબ વેતન ચૂકવાય છે. પહેલાં આ મહિલાઓનો પરિવાર ખેતી પર નિર્ભર હતો. વાતાવરણમાં પલટો આવે તો ખેતીને નુકસાન થતાં વધુ આવક નહીં મળતી પણ અમારા મેન્યુફેક્ચરીંગ યુનિટમાં કામ કરવાથી તેમને મળતી આવકને કારણે તેમનું જીવનધોરણ બદલાયું છે.
બાળકોના ભણતરનો ખર્ચ ઉઠાવવા આ મહિલાઓ સક્ષમ બની છે. અત્યારે હેપ્પી બ્રેન્ડ નેમથી પેપર નેપ્કીન, ટોયલેટ રોલ, કિચન રોલ, બેબી વેટ વાઇપ્સ, એડલ્ટ વાઇપ્સનું પ્રોડક્શન કરવામાં આવે છે. ગુજરાત, હિમાચલપ્રદેશ, જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કેરાલા, મધ્યપ્રદેશ, હરિયાણા, બેંગ્લોરમાં બિઝનેસ નેટવર્ક ઊભું કર્યું છે. આફ્રિકા, બાંગ્લાદેશ અને નેપાળમાં પણ એક્સપોર્ટ કરાય છે. શરૂઆતના દોઢ વર્ષમાં ટર્ન ઓવર સાડા પાંચ લાખ રૂપિયા જેટલું થયું હતું. છેલ્લાં 5 વર્ષમાં ટર્ન ઓવર 6 થી સાડા છ કરોડ થયું છે. જે અથાક પરિશ્રમનું ફળ છે.
બિઝનેસ કરતી વુમન પ્રત્યે સમાજનો દૃષ્ટિકોણ બદલાયો છે
એમ્પાવર વુમન બીજલ દેસાઈનું કહેવું છે કે બદલાતાં જમનાની સાથે સમાજનો દૃષ્ટિકોણ બદલાયો છે. સમાજ બિઝનેસ કરતી વુમનને રિસ્પેક્ટની નજરથી જુએ છે અને તેની હિંમતને દાદ આપે છે. મારી સક્સેસ સ્ટોરી પ્રકાશમાં આવી તો લોકોએ મને એપ્રિસીએટ કરતા કહ્યું કે રિયલી તમે ગુડ વર્ક કરી રહ્યા છો. મેં જે 90 % મહિલાઓનો સ્ટાફ રાખ્યો છે તેના માટે લોકો કહે છે કે એક મહિલા બીજી મહિલાઓને આગળ લાવવા માટે કામ કરે છે તે કોઈ નાનીસૂની વાત નથી. હા, જ્યારે હું માર્કેટિંગ માટે જતી ત્યારે એવું બન્યું કે પુરુષ સપ્લાયર્સનો એવો એટીટ્યુડ રહયો કે અમે પુરુષ છીએ, અમને વધુ નોલેજ છે પણ મેં ખામોશ રહીને કામ કર્યું. અત્યારે મારું કામ જ જવાબ આપે છે. કોઈ મહિલાએ એવું પણ કહ્યું કે બિઝનેસ ફેમિલીમાંથી આવો છો તમારે વળી કામ કરવાની શું જરૂર? ત્યારે મેં જવાબ આપ્યો કે, ખાલી પૈસા માટે કામ નથી કરતી. મારા ડ્રીમને સાકાર કરવા, અચિવમેન્ટ માટે અને સમાજ માટે કાંઈક કરવા કામ કરું છું.
મારી સફળતા પાછળ મારા હસબન્ડનો સપોર્ટ રહ્યો છે
પુરુષની સફળતા પાછળ સ્ત્રીનો હાથ રહ્યો હોય છે પણ મારા કેસમાં મારી સફળતા પાછળ મારા હસબન્ડનો સપોર્ટ રહ્યો છે. હું અને મારા હસબન્ડ બંને સાથે મળીને આ બિઝનેસ કરી રહ્યાં છીએ. મારાં સાસુ અને ફાધર ઇન લોનો પણ સપોર્ટ રહ્યો છે મને સફળ બિઝનેસ વુમન બનાવવામાં. હું ઘરમાં માત્ર રસોઈનું કામ કરું છું. મારા દીકરાને સાચવવાનું કામ અને ઘરનાં અન્ય કામોની જવાબદારી મારાં સાસુ ઉઠાવે છે. મને બિઝનેસ માટે લોન આપી મારા ફાધર ઇન લોએ મને આર્થિક સપોર્ટ કર્યો છે. હું નવો બિઝનેસ શરૂ કરનાર યંગસ્ટર્સને એવો મેસેજ આપવા માંગું છું કે પ્રોબ્લેમ દરેકની લાઈફમાં આવે છે પણ નકારાત્મકતાથી દૂર રહેવું જોઈએ. તમારું ફોકસ વર્ક હોવું જોઈએ.