Business

ખુદમાં સમાયેલી છે ખુશી…!

એક વાર એક રાજાએ તેના એક સંનિષ્ઠ અને પ્રામાણિક મંત્રીને બીજા મંત્રીઓની ખોટી કાનભંભેરણીથી દેહાંતદંડની સજા ફરમાવી દીધી. એ સંદેશો આપવા કેટલાક સિપાઇઓને મોકલ્યા. સાથે એના પર પહેરો ભરવા પણ સિપાઇઓને મોકલ્યા. જયારે તે બધા મંત્રીના નિવાસસ્થાને પહોંચ્યા ત્યારે તેમના જન્મદિવસનો ભવ્ય સમારોહ ચાલી રહ્યો હતો. સિપાઇઓએ તે મંત્રીને રાજાનો આદેશ સંભળાવ્યો- ‘‘આજે સાંજે ભરબજારમાં તમને ફાંસી આપવામાં આવશે. તમારે અહીંથી બહાર નીકળવાનું નથી. સિપાઇઓ બહાર પહેરો ભરી રહ્યા છે. સમય થશે ત્યારે તમને બેડી પહેરાવીને બજારમાં લઇ જવામાં આવશે.’’ આ આદેશ સાંભળતાની સાથે જ સન્નાટો છવાઇ ગયો. જલસાના રંગમાં ભંગ પડયો.

સંગીતકારો ગાતા અને વગાડતા અટકી ગયા. સૂરાવલિઓ જાણે હવામાં જ થીજી ગઇ. નર્તકીઓના પગ નૃત્ય કરતાં કરતાં થંભી ગયા. ભોજન કરી રહેલા લોકોના હાથમાં લેવાયેલ કોળિયો હાથમાં જ રહી ગયો. બધાં પેલા મંત્રી તરફ જોવા લાગ્યાં. મંત્રીના મુખ પર તો પહેલાં જેવી જ પ્રસન્નતા અને સ્વસ્થતા છવાયેલી હતી. તેણે આમંત્રિતોને વિનંતી કરી ‘શોક ન કરશો. ખાઓ-પીઓ-નાચો-ગાઓ. બસ મજા કરો, આ મારી અંતિમ ઇચ્છા છે. મરનારની અંતિમ ઇચ્છા તો પૂરી કરવી જ જોઇએ ને? ફરીથી કાર્યક્રમ ચાલુ થયો. મંત્રી પહેલાંની જેમ મસ્તીથી ઝૂમવા લાગ્યો. ધીરે ધીરે બીજા બધા પણ એમાં જોડાવા લાગ્યા. કોઇકે આ સમાચાર રાજાને આપ્યા. રાજા પોતે જ દોડી આવ્યો. તેને તેની આંખો પર વિશ્વાસ નહોતો બેસતો. તેણે મંત્રીને કહ્યું- ‘‘આજે સાંજે તને ફાંસી મળવાની છે તે સમાચાર સાંભળવા છતાં તું આટલો આનંદિત કેમ છે?’’

મંત્રીએ તેનો જવાબ આપતાં કહ્યું- ‘‘મહારાજ તમે જાણો છો હું જીવનની હરપળ ખુશીથી-આનંદથી જીવ્યો છું અને હવે છેલ્લી પળો દુ:ખી થઇને જીવું તો આખા જીવનને અન્યાય કર્યો કહેવાય. જેમ જીવનને આજ સુધી આનંદથી માણ્યું તેમ હવે મૃત્યુને પણ આનંદથી માણવા માંગું છું. મારો જન્મદિવસ જ મારો મરણદિવસ બનવાનો છે એ તો કેવું સરસ- મારું સૌભાગ્ય કહેવાય, સોનામાં સુગંધ ભળવા જેવું કહેવાય. મારે મન તો આનાથી મોટી કઇ ખુશી હોઇ શકે…?!’’ રાજાએ વિચાર કર્યો શું આને દેહાંતદંડ આપવો યોગ્ય કહેવાય? બહુ ઓછા લોકો જીવન જીવવાની આવી કળા જાણતાં હશે. મોટા ભાગના લોકો મરતાં મરતાં જીવે છે પણ આ તો મરીને પણ જીવી જાય એવો માણસ છે. જેને જીવતાં આવડતું હોય તેની પાસેથી આવું અદ્‌ભુત જીવન છીનવી લેવું એક અપરાધ છે. રાજાએ તેને પૂછયું મોત સામે છતાં આટલો ખુશ? ‘‘ખુશ જ રહું ને! ખુશી બહાર શોધવા થોડું જવું પડે? મારા ખુદમાં જ સમાયેલી છે ખુશી!’’ રાજાએ ખુશ થઇ તેને જીવતદાન આપ્યું. ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ જે હસી શકે, દુ:ખને ખુશીમાં ફેરવે તે ખરો માનવ!

મનને સદા પ્રસન્ન રાખવા માટેનો એક માર્ગ છે જીવન પ્રત્યે જોવાની વિધાયક દૃષ્ટિ. દરેક બનાવની સારી બાજુ, આપણને ઉપકારક હોય એવી બાજુ જોવાથી મન હંમેશાં ખુશ રહે છે. મહાદેવના એક મંદિરમાં એક ગુરુ અને એમનો ચેલો રહેતા હતા. એક વાર ગામના કોઇ દાનેશ્વરીએ મંદિરને ચાર ગાય ભેટ આપી. ગાયો મંદિરના દરવાજો આવી એટલે ચેલાએ એના મહંત ગુરુને કહયું- ‘‘મહારાજ, આ ચાર ગાયો આવી છે.’’ ‘‘અચ્છા હુઆ બેટા, પીનેકો દૂધ મિલેગા’’ મહંતે જવાબ આપ્યો. એ વાતને એકાદ માસ થયો હશે ત્યાં ગાયોના ધણ પર ધાડ પડી ને મંદિરની ચારે ગાયોને બહારવટિયા લઇ ગયા. આ સમાચાર મળતાં ચેલાએ મહંતને કહયું- ‘‘મહારાજ ગાયો તો ચાલી ગઇ!’’ ‘‘અચ્છા હુઆ બેટા, અબ ગોબર નહીં ઉઠાના પડેગા.’’ આમ ગાયો આવી તો દૂધ પીવા મળશે, ગઇ તો છાણ ઉપાડવાની માથાકૂટ ગઇ. આમ બંને પરિસ્થિતિમાં લાભ શોધનાર માણસ ખુદમાં સમાયેલી ખુશી મેળવી લે છે.

જીવન છે, જીવનના વ્યવહારો છે. પડકારો, મુસીબતો તો ડગલે ને પગલે આવવાના પણ તેનો સામનો કરી હસતાં હસતાં ખુશી શોધી લેવી. જિંદગીમાં ઉત્સાહ ટકાવી રાખવો કે ઉદાસી, એ માણસે નક્કી કરવાનું હોય છે અને માણસ એ બંનેમાંથી ધારે તેને ખંખેરી નાંખવાની શકિત ધરાવે છે.  કોઇ કારણસર એક આનંદી કાગડાને સજા કરવા માટે રાજા એને ઉકરડામાં ફેંકે છે તો એમાંથી પણ તે ખુશી-મોજ શોધી લે છે. તેને કાંટાળા થોરની વાડમાં ફેંકે છે. તો પણ તે ખુશી શોધી લે છે- હાશ કેટલી ખંજવાળ આવતી હતી…! ટાઢક થઇ! પાણીમાં ડૂબાડે છે તો પણ જલસા કરે છે, કાગડાને દુ:ખી કરવાના લાખ પ્રયાસ છતાં બસ તે આનંદમાં જ રહે છે. આપણે બધાએ આ કાગડાને મોટિવેશનલ ગુરુ બનાવી દેવા જેવો છે. બસ પછી જીવનમાં ખુશી જ ખુશી! ખુશીનો આધાર દરેક બાબત પ્રત્યે તમારો દૃષ્ટિકોણ છે. નકારાત્મકતા છોડો, સતત એમ જ વિચારતા રહેવું કે મારે ખુશી કયાંથી મેળવવી? હકીકત તો એ છે કે ખુશી તો ખરેખર આપણા મનમાં, આપણા અંતરમાં સમાયેલી છે.

વિખ્યાત લેખક ડૉ. એ. જે ક્રોનિન એમના એક દોસ્ત વિશે લખે છે કે એમનો એ યુવાન મિત્ર આશાસ્પદ ચિત્રકાર હતો. ભવિષ્યમાં સારા ચિત્રકાર તરીકે નામ કાઢશે એમ બધા જ માનતા હતા. એવામાં બીજું વિશ્વયુધ્ધ ફાટી નીકળ્યું. લંડનના બોમ્બમારામાં એ મિત્ર સખત રીતે ઘવાયો. એના બંને પગ ભાંગી ગયા. ખોપરીમાં ઇજા થઇ અને પરિણામે થોડા દિવસ એ સાવ અંધ બની ગયો. જયારે હોસ્પિટલમાંથી ઘરે આવ્યો ત્યારે ક્રોનિન એ મિત્રને જોવા ગયો. તેઓ કહે છે કે- ‘‘મને તો એમ કે વ્હીલચેરમાં નિરાશ થઇને બેઠો હશે પરંતુ મારી અજાયબી વચ્ચે મેં એને લાકડાના જુદી જુદી જાતના બોક્સ ગોઠવતાં જોયો મને એણે કહ્યું- હવે ચિત્રકાર બની શકું એમ નથી. હવે મકાનોના પ્લાન તૈયાર કરીશ.’’ ઇંગ્લેન્ડનો બહુ સારો આર્કિટેકટ બન્યો. મકાનોનો શિલ્પી. વિકટ પરિસ્થિતિમાં પણ જાતે ખુશી શોધી લીધી.  તો વાચકમિત્રો, સુખ તમારી આસપાસ પથરાયેલું છે. ખુશી-આનંદ તમારી ચારે બાજુ પથરાયેલં છે… પ્રસન્નતા તમારી સામે જ નૃત્ય કરે છે. સ્વસ્થતા તમારી પાસે જ ફરે છે પણ… તમને શોધતાં આવડે તો…! જીવનમાં દાંતને ખાટા કરી નાંખે એવા પ્રસંગો તો આવવાના… પણ ખાટા લીંબુનાં પાણીમાં થોડી ખાંડ કે સાકર નાંખી જેમ મધુર શરબત બનાવી શકાય છે એમ જીવનના જામમાં પણ પ્રસન્નતાની સાકર નાખી મધુર શરબત બનાવી શકાય છે. મિત્રો, નાનાં નાનાં સુખોને ઉજવતાં શીખો, કંઇ પણ કરતી વખતે જુસ્સો અને આનંદથી હર્યાભર્યા રહો. જિંદગી તણાવ વગર મસ્ત બની જીવો. જિંદગીમાં આવતા સુખને જોવા માટે દુ:ખનાં ચશ્માં ઉતારો.

સુવર્ણરજ
‘હર શામકો સૂરજ ઢલ જાતા હૈ
હર પતઝડ વસંત મેં બદલ જાતી હૈ
મેરે મન મુસીબતોં મેં હિંમત ન હાર
સમય કૈસા ભી હો ગુજર જાતા હૈ.’

Most Popular

To Top