ડાકોર, : યાત્રાધામ ડાકોરમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલું સરકારી પાર્કિંગ શરૂ કરવામાં તંત્ર નિરસતા દાખવી રહ્યું હોવાથી વૈષ્ણવોને વાહન પાર્ક કરવામાં હાલાકી વેઠવી પડી રહી છે. નાછુટકે વૈષ્ણવો રસ્તાની સાઈડમાં અડચણરૂપ રીતે વાહનો પાર્ક કરવા મજબુર બન્યાં છે. વૈષ્ણવો દ્વારા કરવામાં આવતાં આડેધડ પાર્કિંગને કારણે નગરમાં ટ્રાફિકજામની સમસ્યા વકરી છે. ત્યારે તંત્ર દ્વારા વહેલીતકે સરકારી પાર્કિંગ શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં સરકાર તેમજ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે વિશાળ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે.
પરંતુ, તંત્રની ઘોર બેદરકારીને પગલે આ પાર્કિંગ છેલ્લાં ઘણાં વર્ષોથી બંધ હાલતમાં ધુળ ખાઈ રહ્યું છે. જેને પગલે બહારગામથી આવતા વૈષ્ણવોને ગાડી ગમે ત્યાં પાર્ક કરવાનો વારો આવે છે. આડેધડ વાહનપાર્કિંગથી નગરના સાંકડા માર્ગો પર અવારનવાર ટ્રાફિકજામ સર્જાય છે. જેને પગલે ગામના લોકોને હેરાન થવું પડે છે. ક્યારેક તો, વૈષ્ણવો અને ગામના રહીશો વચ્ચે ગાડી પાર્ક કરવા મુદ્દે માથાકુટ પણ થતી હોય છે. થોડા દિવસ અગાઉ જ શ્રી રણછોડરાયજી મંદિર પાસે વૈષ્ણવ અને ડાકોરના રહીશ વચ્ચે મારામારી થઈ હતી. તેમછતાં તંત્ર દ્વારા ટ્રાફિક અને પાર્કિંગ મુદ્દે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી.