સાપુતારા : વિશ્વભરમાં અજરામર એવા હનુમાનજીનાં (Hanumanji) અનેકો મંદિર આવેલા છે. વિશેષ કરીને આદિવાસી (Tribal) અને પ્રકૃતિપૂજક સમાજમાં ઘરે ઘરે હનુમાનજી પ્રત્યે અખૂટ આસ્થા અને શ્રદ્ધા જોવા મળે છે. ડાંગ (Dang) જિલ્લાના દરેક ગામોમાં પણ હનુમાનજીના મંદિરો આવેલા છે. જેમાં ડાંગ જિલ્લાનાં પ્રવેશ દ્વાર એવા વઘઇનાં સીમાડે, અંબિકા નદીનાં ધસમસતા પ્રવાહીની વચ્ચે વર્ષોથી અડીખમ ઊભેલા બજરંબલીનું સ્થાનક એટલે નાની વઘઇ (કિલાદ)નું તડકીયા હનુમાનજીનું મંદિર. લોકવાયકા મુજબ સોએક વર્ષો અગાઉ સ્થાનિક પ્રજાજનોની આસ્થાના પ્રતિકસમા રઘુનંદન શ્રી હનુમાનજીની પ્રતિમા (પત્થર)ને ડાંગ જિલ્લામાં બળદગાડામાં લઇ જવાતો હતો. તે વખતે નદી પાર કરવા કોઇ સગવડ પણ ન હતી.
આવા સમયે અંબિકાનાં પ્રવાહમાંથી ગાડામાં લઇ જવાતી હનુમાનજીની પ્રતિમાનું વજન એકાએક વધી ગયુ અને બળદગાડાની ઘૂસરી પણ તૂટી ગઇ. પ્રતિમા લઇ જનારા ભક્તોનાં લાખ પ્રયત્નો છતાં પણ તેઓ આ મૂર્તિને નદીપાર લઇ જવામાં સફળ થયા ન હતા.અને જેવી હનુમાનજીની મરજી એમ સમજીને ત્યાં જ અંબિકા નદીની વચ્ચે જ આ હનુમાનજીની પ્રતિમાની વિધીવત સ્થાપના કરી હતી.ડાંગ જિલ્લાનાં ગુજરાત તરફથી પ્રવેશ દ્વાર એવા વઘઇનાં સીમાડે એટલે કે નાની વઘઇ (કિલાદ) ખાતે બિરાજમાનના દિવસે શાસ્ત્રોક્ત પૂજાવિધી સાથે આ તડકિયા હનુમાનજી ભારે ગુસ્સાવાળા હોવાની પણ લોકવાયકા અહીં પ્રવર્તે છે.
અહીં માનતા રાખવા આવતા લોકોની બારે માસ ભારે ભીડ જામે છે
ગુસ્સાવાળી વ્યક્તિઓ અહી હનુમાનજીની આસ્થાપૂર્વક પૂજા અર્ચના કરે તો તેમનો ગુસ્સો કાળક્રમે શાંત થાય છે. અહીં બારે માસ અને ખાસ કરીને શનિવાર અને માનતા રાખવા આવતા લોકોની ભારે ભીડ જામે છે. લગ્નપ્રસંગે જેવા શુભ અવસરે અહીંથી પસાર થતા લોકો ચોક્કસ જ અહીં બે ઘડી વિસામો લઇને બજરંગબલીના આશિર્વાદ લેતા હોય છે.
સ્થાનિક સેવાભાવી યુવકો દ્વારા અહીં રામનવમીથી લઇને હનુમાન જયંતી જેવા અવસરે વિશેષ કાર્યક્રમોનું આયોજન હાથ ધરાય છે. આ વર્ષે પણ અહી હનુમાન જયંતિ નિમિત્તે મહાપ્રસાદી અને રાત્રે લોક-ડાયરાનું ભવ્ય આયોજન કરાયુ છે. શનિવારનાં રોજ હનુમાનજી જન્મ મહોત્સવનાં દિવસે શ્રી હનુમાનજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હવન, મહાપ્રસાદી તથા સુપ્રખ્યાત ડાયરાનાં કલાકાર અમ્રુતરામબાપુ રહિત સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ કલાકારોનાં સથવારે ડાયરો યોજાશે. જેમાં દક્ષિણ ગુજરાતનાં ભકતજનો મોટી સંખ્યામાં ઉમટી પડશે. જેથી તમામ ભક્તજનોને પધારવાનું નિમંત્રણ પાઠવ્યુ છે.