સુરત (Surat) : સુરત શહેર એક ધર્મની નગરી તરીકે પણ અતિ પ્રચલિત થયું છે. શહેરીજનો પણ દરેક પ્રકારના ધાર્મિક કાર્યોમાં ભરપૂર આસ્થા ધરાવવામાં અગ્રેસર રહે છે. ત્યારે આજે તા. 23 એપ્રિલે ભગવાન શ્રી રામ ચંદ્રજીના દૂત એવા હનુમાનજીની જન્મ જયંતિનો (Hanuman Jayanti) અવસર આવી ચુક્યો છે, ત્યારે શહેરના અનેક હનુમાન મંદિરોઆ ધાર્મિક અનુષ્ઠાનોના આયોજનો પણ મોટા પાયે યોજાયા છે. મોટાભાગના હનુમાન મંદિરોમાં તો આ અવસરને લઇ ઘણા દિવસો પૂર્વ જ તૈયારીઓનો દોર ચાલ્યો હતો. શહેરના મુખ્ય ગણાતા એવા હનુમાન મંદિરોમાં પણ વહેલી સવારથી ધાર્મિક કાર્યકમોનું આયોજન કરવામાં આવ્યું છે.
ક્ષેત્રપાળ હનુમાન મંદિરમાં હનુમાન યાગનું આયોજન
શહેરના કૈલાસ નગર સ્થિત આવેલા ક્ષેત્રપાળ હનુમાન મંદિરમાં ભક્તોની ભરપૂર આસ્થા છે. અહીં મંદિરમાં ક્ષેત્રપાળ હનુમાનજી, કાળ ભૈરવદાદા અને બટુક ભૈરવદાદા બિરાજમાન છે. હનુમાન જયંતિ નિમત્તે માહિતી આપતા મંદિરના મુખ્ય મહંત મીત રાકેશકુમાર અધ્વર્યુએ જણાવ્યું હતું કે, મંદિરમાં દર વર્ષેની જેમ આ વર્ષે પણ સવારે 6:કલાકે નિયમિત આરતી બાદ મંદિરમાં આખો દિવસ ધાર્મિક અંનુષ્ઠાનનું આયોજન કરાયું છે. જેમાં હનુમાન યાગ, ભંડારાનું આયોજન અને સાંજે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. ગાયક કલાકાર ગણેશ રાણા દ્વારા ભજનોની ખાસ પ્રસ્તુતિ કરવામાં આવશે.
પાલના અટલ આશ્રમના 50 વર્ષ પુરા થવાને અવસરે ત્રિવેણી સંગમ કાર્યક્રમનું આયોજન
હનુમાનજીની જન્મજયંતિ પર સુરતના પાલ સ્થિત અટલ આશ્રમ ખાતે પવનપુત્ર હનુમાનજીને 5100 કિલો બુંદીનો લાડુ બનાવીને અર્પણ કરવામાં આવ્યો છે. આ લાડુને એશિયા બૂક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. અટલ આશ્રમમાં સંતોના સન્માનની સાથે કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આશ્રમમા મહંત બટુકગીરીજી બાપુની પારદતુલા કરવામાં આવી હતી. સાથે જ હનુમાન જયંતિ નિમિતે 5100 કિલોનો લાડુ બનાવવામાં આવ્યો છે. આશ્રમના 50 વર્ષની ઉજવણી આજથી શરૂ થઈ ગઈ છે.
આશ્રમના મહંત બટુકગીરી બાપુએ કહ્યું કે, આજથી બે દિવસીય કાર્યક્રમની શરૂઆત થઈ છે. પારદતુલા સૌ પ્રથમવાર થઈ છે. દરવર્ષની જેમ આ વર્ષે પણ લાડુ બનાવવામાં આવ્યો છે. હનુમાન દાદાના જન્મોત્સવને ઉજવવા બનેલા આ લાડુને ભંડારામાં ભાવિકોને પ્રસાદ તરીકે અપાશે.
ઉધના રોકડીયા હનુમાન મંદિરમાં પણ ધાર્મિક કાર્યકમોનું આયોજન
ઉધના ચાર રસ્તા ખાતે આવેલા રોકડીયા હનુમાન દાદાના મંદિરમાં વહેલી સવારની આરતી બાદ ધાર્મિક કાર્યકમો શરુ થઈ ગયા છે. દર વર્ષે અહીં ભજન સંધ્યા અને વેદપાઠી બ્રામ્હણો દ્વારા હવનનું પણ વિશેષ આયોજન દર વર્ષે કરવામાં આવ્યું છે. સવારથી જ મંદિરમાં ભાવિક ભક્તોનો ઘસારો હનુમાનજીના દર્શન માટે ઉમટી પડતા હોય છે તેવું મંદિરના મહંતે જણાવ્યું હતું.
પાતાલી હનુમાનજી મંદિરમાં સુંદરકાંડ પઠણ સહીત અખંડ “તેલાભિષેક” નું આયોજન
પવિત્ર તાપી નદીના કિનારે શ્રી પાતાલી હનુમાનજી મંદિરમાં અનેકવિધ ધાર્મિક કાર્યકમોના આયોજનો હાથ ધરાયું છે. સવારે 11થી 12 વાગ્યા દરમિયાન મંદિરમાં સુંદરકાંડ પઠન સહીત અખંડ “તેલાભિષેક” થયો હતો. બપોરે વિશ્વશાંતિ “મહાયજ્ઞ” યોજાશે. સાંજે મહા આરતી 6:30 થી 7:00 કલાક દરમિયાન યોજાશે.