અમરાવતીના અપક્ષ સાંસદ અને તેમના પતિએ ઉદ્ધવ ઠાકરેના નિવાસ્થાન માતોશ્રીની બહાર જઇને હનુમાન ચાલીસાના પાઠ કરશે તેવો પડકાર ફેંકવામાં આવતા જ ખારમાં રાણાના ઘરની બહાર સેંકડો શિવસૈનિકોની ભીડ એકત્ર થઇ ગઇ હતી. રાણા દંપતી શિવસેના અને ઉધ્ધવ ઠાકરેની માફી માગશે નહીં ત્યાં સુધી અમે તેમને ઘરમાંથી બહાર પગ રાખવા દઈશું નહીં એવી ભૂમિકા શિવસૈનિકોએ લેતા પરિસ્થિતિ તનાવપૂર્ણ બની ગઈ હતી. આ પરિસરમાં જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સિનિયર પોલીસ ઓફિસર સુરક્ષા વ્યવસ્થા પર બાજનજર રાખી રહ્યા હતા. પોલીસ સાંજે રાણાના ઘરમાં ઘૂસી ગઈ હતી. તેમની સામે ગુનો દાખલ કરાતા હોવાનું કહ્યું હતું.
ત્યારે નવનીત રાણા રોષે ભરાયા હતા. અમે લોકપ્રતિનિધિ છીએ તમે અમારા ઘરમાં ઘૂસી શકો નહીં, બહાર જતા રહો, પાંચસો શિવસૈનિક અમારા પર હુમલો કરવા આવ્યા. આમ છતાં અમારી સામે કેસ નોંધવામાં આવી રહ્યો છે. અમે તમને સહકાર આપ્યો છે. અમે ઘરની બહાર પગ રાખ્યો નથી. સંજય રાઉત ધમકી આપે છે છતાં તેના પર ગુનો દાખલ કરાતો નથી એવું જણાવતા નવનીત રાણા અને રવિ રાણાએ વોરંટ બતાડવા સિવાય પોલીસ સાથે ન જવાની ભૂમિકા લીધી હતી.પોલીસ અને રાણા દંપતી વચ્ચે બોલાચાલી થઈ હતી. છેવટે પોલીસે તેમને તાબામાં લીધા હતા. રાણા દંપતીને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પોલીસની ગાડીમાં ખાર પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા.
તે સમયે શિવસૈનિકોએ ગાડીનો પીછો કર્યો હતો. યુવાસેના નેતા વરુણ સરદેસાઈ નેતૃત્વમાં શિવસૈનિકોએ રાણા દંપતીના વિરોધમાં જોરદાર ઘોષણાઓ કરી હતી. અમરાવતીના સાંસદ નવનીત રાણા અને તેમના પતિ તેમજ ધારાસભ્ય રવિ રાણા અને શિવસેના વચ્ચે વિવાદ ચાલુ છે. શનિવારે પોલીસે સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાની ધરપકડ કરી હતી, શનિવારે દંપતીના વકીલ રિઝવાન મર્ચન્ટે જણાવ્યું હતું કે સાંસદ નવનીત રાણા અને ધારાસભ્ય રવિ રાણાની ધરપકડ ગેરકાયદે છે. તેમણે કહ્યું કે ધરપકડ ગેરકાયદે અને ગેરબંધારણીય છે કેમ કે બંને લોકો સેવક છે. તેમની ધરપકડ કર્યા પહેલા અધ્યક્ષની પરવાનગી લેવી જોઈએ પરંતુ કોઈ પરવાનગી લેવાઈ નથી. સાથે જ તેમણે કહ્યું કે તેમની ઉપર કલમ 41(A) ના નોટિસ કેસની શરૂઆતથી 14 દિવસની અંદર લેવાની હતી જેને લેવાઈ નથી.
દરમિયાન રવિવારે રાણા દંપતિને બાંદ્રા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. દરમિયાન બાન્દ્રા કોર્ટે તેમને 14 દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો હુકમ કર્યો હતો. તેમણે કરેલી જામીન અરજી ઉપર 29 એપ્રિલના રોજ ચૂકાદો આવશે એટલે ત્યાં સુધી તો તેમણે જેલમાં રહેવું પડશે તે નક્કી જ છે. આ આખે આખો વિવાદ લાઉડ સ્પીકર ઉપર ચાલી રહ્યો છે અને તેની શરૂઆત મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના રાજ ઠાકરેએ કરી હતી. એક મહિના પહેલા મસ્જિદો ઉપરથી લાઉડ સ્પીકર હટાવવાની માગ કરનાર રાજ ઠાકરેએ મંગળવારે થાણે ખાતે આયોજિત સભામાં કહ્યું હતું કે, હું રાજ્ય સરકારને સ્પષ્ટપણે કહેવા માગું છું કે, હું આ મુદ્દે પીછેહટ નહીં કરૂં.
તમારે જે કરવું હોય તે કરો. વધુમાં કહ્યું હતું કે, એવો કયો ધર્મ છે જે બીજા ધર્મને તકલીફ આપે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મસ્જિદોમાંથી લાઉડ સ્પીકર હટાવી લેવાય તો મહારાષ્ટ્ર સરકારને શા માટે નથી દેખાઈ રહ્યું? મત માટે? ઠાકરેએ સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું કે, જો 3 મે સુધીમાં મસ્જિદ પરથી લાઉડ સ્પીકર નહીં હટાવવામાં આવે તો દેશભરમાં મસ્જિદ સામે હનુમાન ચાલીસા વાગશે. ઠાકરેએ એમ પણ કહ્યું હતું કે, 3 મેના રોજ ઈદ છે. આગળ કહ્યું કે, અમે હોમ ડિપાર્ટમેન્ટને કહેવા માગીએ છીએ કે, અમને તોફાનો નથી જોઈતા. 3 મે સુધીમાં તમામ મસ્જિદો પરથી લાઉડ સ્પીકર હટાવી લેવાય. અમારી તરફથી કોઈ તકલીફ નહીં આપવામાં આવે. આ સાથે જ રાજ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ દેશમાં કોમન સિવિલ કોડ લાગુ કરવાની પણ માગણી કરી હતી. ઉપરાંત દેશમાં જનસંખ્યા નિયંત્રણ કાયદો લાગુ કરવાની જરૂરિયાત પણ દર્શાવી હતી. આ વિવાદની વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીએ પણ જાહેરાત કરી હતી કે લાઉડ સ્પીકર એ રીતે જ વગાડવા જોઇએ કે જેનો અવાજ 100 મીટર અથવા તો ધાર્મિક સ્થળ પૂરતો જ મર્યાદીત રહે એટલું જ નહીં તેમણે પરવાનગી વગર કોઇપણ ધાર્મિક રેલી કાઢવા ઉપર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. રાજ ઠાકરેએ મસ્જિદ ઉપરથી લાઉડ સ્પીકર હટાવવાની માગ કરી છે. જો કે, આ ભારત દેશ છે. અહીં દરેક ધર્મના લોકોને તેમના નિતી નિયમ મુજબ ધાર્મિક તહેવારો ઉજવવાની છૂટ બંધારણમાં જ આપવામાં આવી છે. ઇસ્લામ ધર્મના અનુયાયીઓ તેમના મસ્જિદ ઉપરથી લાઉડ સ્પીકરમાંથી અજાન કરે તેમાં કંઇ જ ખોટુ નથી. હા સુપ્રીમ કોર્ટે રાત્રે 10 થી સવારે 6 સુધી કોઇપણ ધાર્મિક, રાજકીય કે સામાજિક કાર્યક્રમમાં જાહેરમાં લાઉડ સ્પીકર નહીં વગાડવા માટેનો ચૂકાદો આપ્યો છે તેનું પાલન અવશ્ય થવું જોઇએ. ગુજરાતની જ વાત કરીએ તો નવરાત્રિ દરમિયાન ગરબા રાત્રે બે થી ત્રણ વાગ્યા સુધી ચાલવા જોઇએ તેવી માંગ હિન્દુ સંગઠનો વર્ષોથી કરી રહ્યાં છે પરંતુ સુપ્રીમ કોર્ટે તેમાં માત્ર 2 કલાકની 10 દિવસ માટે છૂટ આપી છે. આ કાયદાનું પાલન કરીને મસ્જિદ ઉપરથી અજાન થાય તેમાં કંઇ જ ખોટુ નથી અને તેમને તેમના ધર્મનું પાલન તેમની રીતે કરવા જ દેવું જોઇએ. તેવી જ રીતે જો હિન્દુઓ હનુમાન ચાલીસા લાઉડ સ્પીકર ઉપર વગાડે તેમાં કંઇ જ ખોટુ નથી. પરંતુ મહારાષ્ટ્ર સરકાર હનુમાન ચાલીસા વગાડનાર સામે કેસ કરીને તેમને જેલને હવાલે કરી રહી છે. ભલે આ હનુમાન ચાલીસા રાજકીય સ્ટંટ હોય શકે પરંતુ છે તો ભક્તિ જ. ભક્તિ કરનાર ઉપર પોલીસ કેવી રીતે કાર્યવાહી કરી શકે. હિન્દુઓ હનુમાન ચાલીસા વગાડે છે તેનો કોઇપણ મુસ્લિમે આજ દિવસ સુધી વિરોધ નોંધાવ્યો નથી. પરંતુ મહારાષ્ટ્ર સરકારમાં સામેલ શિવસેના જે રીતે હનુમાન ભક્તોનો વિરોધ કરી રહી છે તે બંધારણની વિરૂદ્ધમાં છે. એક ચેનલના ઇન્ટરવ્યુમાં જ્યારે શિવસેનાના સર્વેસર્વા સ્વ. બાળા સાહેબ ઠાકરેને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે તમને કેવી રીતે ખબર કે ભગવાન શ્રી રામનો જન્મ અયોધ્યામાં થયો હતો. ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે, અયોધ્યામાં નહીં તો શું પાકિસ્તાનમાં થયો હતો? ત્યારે જે રીતે મહારાષ્ટ્ર સરકાર કામગીરી કરી છે તે જોતા તો એવું જ કહેવું પડે કે હનુમાન ચાલીસા હિન્દુસ્તાનમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઇને વગાડીયે?