સુરત: બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)એ તા. 1લી એપ્રિલ 2023થી જૂના હોલમાર્કવાળા સોનાના દાગીના, કલાકૃતિઓ અથવા સોનાના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. કેન્દ્રના ગ્રાહક બાબતોનાં મંત્રાલયે 1 એપ્રિલ 2023 થી 6 અંકના આલ્ફાન્યૂમેરિક હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન નંબર (HUID) લાગુ કરવાનું આયોજન કર્યું છે.
- તા. 1 એપ્રિલથી જવેલરી પર 6 અંકનો હોલમાર્કનો યુનિક HUID નંબર ફરજિયાત થશે
- નવા HUID થી દાગીનો ક્યા જવેલર્સે બનાવ્યો, કોને કેટલી કિંમતમાં વેચ્યો, કેટલા કેરેટનો દાગીનો હતો એ જાણી શકાશે
- 10 ગ્રામ સોનાએ થનારો 1000નો ખર્ચ ગ્રાહકને માથે નાંખવા વેપારીઓની પેરવી
- 22 કેરેટ સોનું જો 18 કેરેટ નીકળે તો જ્વેલર્સે ચાર કેરેટના બમણા નાંણા ગ્રાહકને ચૂકવવા પડશે
બીજી તરફ ઉદ્યોગ સંગઠનોની રજૂઆતો પછી મુદત વધવાની આશાએ જવેલર્સ જૂના હોલમાર્કિંગ વાળું સોનુ લઈ બેસી રહ્યાં છે. તેઓને જૂના હોલમાર્કિંગ વાળા સોનાનું વેચાણ કરવા અથવા જૂના 4 કોડ વાળા હોલમાર્કિંગ વાળું સોનું ગાળી દેવાની સૂચના આપવામાં આવી હતી. પણ એમ ન થતાં બીઆઇએસ દ્વારા 1લી એપ્રિલથી સર્ચ કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે. આ તરફ મોટા જવેલર્સ દ્વારા હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન નંબર પાછળ 10 ગ્રામ સોનાએ થનારો 1000 રૂપિયાનો ખર્ચ ગ્રાહકને માથે નાંખવાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આ અમલ સાથે જ જ્વેલર્સ મેકિંગ ચાર્જ વધારી દેશે, જે છેલ્લા એક દાયકાથી વધ્યાં નથી. જોકે, આ મામલામાં સરકારે સજ્જ થવા માટે જવેલર્સને એક વર્ષ અને 9 મહિનાનો પૂરતો સમય આપ્યો હતો. હવે સરકારે ગ્રાહકોના વિશાળ હિતને જોતાં મુદતમાં વધારો કરે તેમ નથી. એટલે જવેલર્સે 31મી માર્ચ 2023 પહેલાં જૂના હોલ માર્કિંગનું સોનુ વેચી નાખવું પડશે અથવા ગાળીને નવા સ્ટાન્ડર્ડ મુજબનાં ઘરેણાં વેચવા પડશે.
જ્વેલર્સને તેમના 4 અંકના જૂના હોલમાર્કવાળા આર્ટિકલનો સ્ટોક ક્લિયર કરવા માટે 31મી માર્ચની અંતિમ તક આપવામાં આવી છે. સરકારનું કહેવું છે કે, નવા હોલમાર્કિંગના કારણે ગ્રાહકને બીઆઇએસ સ્ટાન્ડર્ડ મુજબ 14,16,18,22 અને 24 કેરેટની ગુણવત્તા અને શુદ્ધતા વાળું સોનુ મળશે. ગ્રાહક શુદ્ધ સોનું ખરીદી રહ્યોં છે એવો વિશ્વાસ ઊભો થશે.
BIS નાં નવા નિયમ મુજબ 2018ની કલમ 49 મુજબ જો ગ્રાહકે ખરીદેલી હોલમાર્ક જ્વેલરી પર ચિહ્નિત કરતાં ઓછી શુદ્ધતા હોય તો એટલે કે, જો 22 કેરેટનું માર્કિંગ હોય અને સોનું 18 કેરેટ નીકળે તો જ્વેલર્સે ચાર કેરેટના બમણા નાણાં ગ્રાહકને પરત કરવા પડશે અને ઠગાઇનો ગુનો પણ દાખલ થશે.
નવા HUID થી દાગીનો ક્યા જવેલર્સે બનાવ્યો, કોને કેટલી કિંમતમાં વેચ્યો, કેટલા કેરેટનો દાગીનો હતો એ જાણી શકાશે, એટલે કે એનાથી એજન્સી માટે ટ્રેસેબિલિટી સરળ બનશે. કાળા નાણાંનું ગોલ્ડમાં થતું રોકાણ પણ અટકશે. સરકારે દેશનાં 339 જિલ્લાઓમાં HUID હોલમાર્કિંગ ફરજિયાત બનાવ્યું છે. જ્યાં રોજ 3 લાખ દાગીનાઓ નવા નિયમ મુજબ હોલમાર્કિંગ થઈ રહ્યાં છે.
સરકાર HUIDનાં કાયદાનું પાલન કરાવવા સાથે સુવિધાઓ પણ આપે : નૈનેશ પચ્ચીગર
ઇન્ડિયન બુલિયન જવેલર્સ એસોસિએશનનાં ગુજરાત એકમના ચેરમેન નૈનેશ પચ્ચીગરે જણાવ્યું હતું કે, જે જવેલર્સ પાસે જૂની જવેલરીનો ખૂબ મોટો સ્ટોક છે એમની મુશ્કેલી વધી શકે છે. એમને જૂની 4 આંકડાની હોલમાર્કિંગની જવેલરીનો નિકાલ કરવો પડશે. સરકારમાં ઉચ્ચ સ્તરે 6 મહિના મુદત વધારવા રજૂઆત થઈ છે. 31મી માર્ચ છેલ્લો દિવસ છે. ત્યારે સરકાર કોઈ નોટિફિકેશન પ્રસિદ્ધ કરે એવી ઇન્ડસ્ટ્રીને આશા છે.
સુરતની વાત કરીએ તો 2500 જવેલર્સ સામે માત્ર 15 હોલમાર્કિંગ સેન્ટર છે. એ કેવી રીતે પહોંચી વળશે. તહેવારોમાં HUID નંબર સાથે જવેલરી વેચવી મુશ્કેલ બનશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે,જૂની સ્કીમ મુજબ ગ્રાહકો પાસે પડેલી હોલમાર્કવાળી જ્વેલરી માન્ય રહેશે. તા.31મી માર્ચ પહેલાં જૂના 3 આંકડાના હોલમાર્ક સાથે જવેલરી ખરીદનાર ગ્રાહક કે જવેલર્સની બીઆઇએસ કે અન્ય કોઈ એજન્સી વાંધો લઈ ન શકે. જોકે નિયમ મુજબ આ ખરીદી ઇન્કમ ટેક્સ રિટર્નમાં દર્શાવવી પડશે.