એક દિવસ સવારના પહોરમાં સાસુમા થોડાં ગુસ્સામાં હતાં.ચા મૂકતી વહુને ખીજાયાં કે કેટલું મોડું કરે છે? વહુને નવાઈ લાગી કે આજે તો હું નણંદના ઘરે જવાનું છે એટલે અડધો કલાક વહેલી ઊઠી છું તો પણ મમ્મી આમ કેમ કહે છે.પછી વિચાર્યું, હશે થોડા ટેન્શનમાં છે એટલે બોલ્યાં હશે. આ બાજુ સાસુમાનો ટાર્ગેટ તેમનો પુત્ર અને પૌત્ર બન્યા. તેઓ તેમની પર તાડૂક્યાં કે તમે હજી તૈયાર નથી.હજી રસ્તામાંથી મીઠાઈ લેવાની છે, ફ્રુટ્સ લેવાનાં છે.કાલ રાત્રે જે ગીફ્ટ આવી તે બરાબર પેક કરવાની છે.પૌત્ર બોલ્યો, ‘દાદી શાંત, બધું બરાબર થઈ જ જશે.’
સસરાજી આવ્યા અને ઠંડું શરબત પત્નીને આપી કહ્યું, ‘તું તૈયાર થઇ ગઈ છે. હવે શરબત પી અને શાંતિ રાખ.બધું જ બરાબર થશે અને બરાબર જ છે. તારા મનમાં જ તું ખોટી ખોટી તકલીફો વિચારી લે છે અને અહીં બુમાબુમ કરી બધાના વાંક કાઢી ઘરનું વાતાવરણ ખરાબ કરે છે.શાંતિ રાખ.’ સાસુમાએ શરબત પી લીધું અને ગ્લાસ મૂકતાં જ કૈંક બોલવા જાય તે પહેલાં તેમના પતિ બોલ્યા, ‘એકદમ ચૂપ, તારી બધી તકલીફો અને ચિંતાઓ છે તે એક જ કારણથી છે.’ સાસુ પતિ સામે જોવા લાગ્યા અને બોલ્યા, ‘એટલે તમને શું લાગે છે, હું કોઈ કારણ વિના બુમાબુમ કરું છું?’
સસરા બોલ્યા, ‘ના, ના, મેં હમણાં જ તો કહ્યું, એક કારણ તો છે જ અને તે છે લોકો શું કહેશે? બસ તું એટલે જ આટલી ખોટી ચિંતા કરી બુમાબુમ કરી રહી છે કે તારા માટે લોકો શું બોલશે અને શું વિચારશે.જો મારી પાસે તારી અડધી તકલીફો દૂર કરવાનો એક એકદમ સચોટ ઈલાજ છે.’ પત્નીએ પૂછ્યું, ‘શું ઈલાજ છે?’ પતિ બોલ્યા, ‘તું જો આજે એક દિવસ માટે એમ વિચારવાનું અને ચિંતા કરવાનું છોડી દઈશ કે લોકો શું કહેશે ,તો તારા મનનો ઉચાટ ,અડધી ચિંતાઓ ,અડધી તકલીફો તરત જ દૂર થઇ જશે અને તું આ બુમાબુમ કરીને ઘરના બીજાને તકલીફ આપી રહી છે તે પણ બંધ થશે સમજી.
એક વાર આ રીતે વિચારી જો.’ સાસુમા વિચારમાં પડ્યાં અને થોડી વાર મનન કરતાં તેમને સમજાયું કે પતિની વાત સાચી છે. પોતાના આ ઉચાટ, ચિંતા અને તકલીફોનું કારણ બધા વખાણ કરે, સારું સારું બોલે ..તેમની વાહ વાહ કરે તેવી તેમની મહેચ્છા જ છે.જો તેઓ એમ વિચારવાનું બંધ કરી દે કે લોકો શું કહેશે …લોકોને ગમશે કે નહિ …તો કોઈ ઉચાટ અને ચિંતા રહેતી જ નથી અને અડધાથી વધારે તકલીફો પળવારમાં ગાયબ થઈ જશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.