National

હલ્દવાની હિંસા: આજે પણ રહેશે કર્ફ્યુ, શાળા, કોલેજો અને બજારો બંધ, 5 હજાર લોકો સામે કેસ દાખલ

ઉત્તરાખંડ: ઉત્તરાખંડના (Uttarakhand) હલ્દવાનીમાં (Haldwani) હિંસા (violence) બાદ આજે પણ કર્ફ્યુ ચાલુ છે. તેમજ હિંસા ભડકાવનારાઓ સામે NSA લાદવાની તૈયારીઓ ચાલી રહી છે. બાનભૂલપુરા (Banbhoolpura) હિંસામાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે અને 100થી વધુ પોલીસકર્મી ઘાયલ (Injured) છે જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

શુક્રવારે હલ્દવાની પહોંચેલા ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામી પીડિતોને મળ્યા હતા. તેમજ કહ્યું કે પોલીસે આરોપીઓની ઓળખની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. દરેક ચહેરાની ઓળખ કર્યા બાદ તેમણે નુકસાનની ભરપાઈ કરવી પડશે. તેઓને આકરી સજા આપવામાં આવશે. એટલું જ નહીં પરંતુ હલ્દવાનીમાં આજે પણ શાળા, કોલેજો અને બજારો બંધ રહેશે. પોલીસે રમખાણના કેસમાં 5 હજાર લોકો સામે કેસ નોંધ્યો છે.

આશરે રૂ. 6 કરોડની સંપત્તિ રાખ થઈ ગઈ
પ્રાપ્ત વિગતો મુજબ આજે પણ હિંસાથી પ્રભાવિત બાનભૂલપુરામાં કોઈને જવાની મંજૂરી નથી. મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલા મૂલ્યાંકનથી જાણવા મળ્યું છે કે આ હિંસામાં લગભગ 6 કરોડ રૂપિયાની સંપત્તિનો નાશ થયો હતો. જોકે બાણભૂલપુરામાં હિંસા બાદ સ્થિતિ ધીમે ધીમે સુધરી રહી છે. તેમજ આજે આખા શહેરમાં વહીવટીતંત્રે કર્ફ્યુ લાદી દીધો છે.

જમીયત ઉલેમા-એ-હિંદનું પ્રતિનિધિમંડળ હલ્દવાની જશે
દરમિયાન આજે જમિયત ઉલેમા-એ-હિંદનું પ્રતિનિધિમંડળ હલ્દવાની જઈ રહ્યું છે. આ પ્રતિનિધિમંડળ પીડિત પરિવારોને મળશે. હાઈકોર્ટના આદેશ બાદ ગુરુવારે ગેરકાયદે મદરેસાઓને તોડી પાડવા આવેલી વહીવટી ટીમ પર પથ્થરમારો કર્યા પછી હલ્દવાનીના બાનભૂલપુરામાં હિંસા ફાટી નીકળી હતી. ટોળાએ અનેક વાહનો અને પોલીસ સ્ટેશનને આગ ચાંપી દીધી હતી. ત્યાર બાદ શહેરમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો અને બદમાશોને જોતા જ ગોળી મારવાના આદેશ આપવામાં આવ્યા હતા.

દોઢ હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત
બદમાશો પર NSA લાદવાની તૈયારીઓ કરવામાં આવી છે. દરેક બદમાશોની ઓળખ કરવામાં આવી રહી છે. તેમજ પોલીસની ટીમો તેઓની ધરપકડ કરી રહી છે. ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામી પોતે હલ્દવાની પહોંચ્યા અને પીડિતોને મળ્યા અને શહેરની સ્થિતિ વિશે જાણકારી મેળવી. હાલ સમગ્ર હલ્દવાનીમાં દોઢ હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત છે. સુરક્ષાના દૃષ્ટિકોણથી પેરા મિલિટરી ફોર્સની 4 કંપનીઓ અને PACની 4 કંપનીઓ સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી રહી છે. તેમજ ઉત્તરાખંડના મુખ્ય સચિવ પોતે બાનભૂલપુરામાં જ્યાં હિંસા થઈ હતી ત્યાં પહોંચ્યા હતા.

Most Popular

To Top