National

હલ્દવાનીમાં મસ્જિદ અને મદરેસા પર બુલડોઝર, પોલીસ પર પથ્થરમારો, જોતા જ ગોળી મારવાનો આદેશ

હલ્દવાનીમાં (Haldwani) બનભૂલપુરા મલિક બગીચા વિસ્તારમાં ગેરકાયદેસર મદરેસા અને મસ્જિદ(Masjid) પર બુલડોઝર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી બાદ હલ્દવાનીમાં ભારે હોબાળો થયો હતો. મહાનગરપાલિકા અને પોલીસ ટીમ દ્વારા અતિક્રમણ દૂર કરાયા બાદ લોકો રસ્તા પર આવી ગયા હતા અને પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો હતો. આ મામલે કાર્યવાહી કરતા ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ બેઠક બોલાવી હતી. જિલ્લા પ્રશાસને તોફાનીઓને જોતા જ ગોળી મારવાના આદેશ જારી કર્યા છે. ડીએમએ વનભૂલપુરામાં કર્ફ્યુ લાદી દીધો છે.

ડિમોલીશનને પગલે લોકોએ પોલીસ, પ્રશાસન અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પર પણ પથ્થરમારો કર્યો હતો. આ દરમિયાન એસડીએમ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ સહિત અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા અને જેસીબીના કાચ પણ તૂટી ગયા હતા. તમને જણાવી દઈએ કે આ દરમિયાન વિસ્તારમાં ભારે પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી હતી. વિસ્તારમાં તોફાનીઓને જોતા જ ગોળી મારવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ગેરકાયદે મદરેસાને તોડી પાડ્યા પછી મુસ્લિમ મહિલાઓ અને યુવાનોએ વિરોધ કર્યો અને વહીવટીતંત્રના લોકો પર પથ્થરમારો કર્યો હતો. લોકો દ્વારા સતત વિરોધ કરવામાં આવ્યો હતો પરંતુ મહાનગરપાલિકાની ઝુંબેશ ચાલુ રહી હતી. આ દરમિયાન લોકોએ બનભૂલપુરા પોલીસ સ્ટેશનની બહાર હાજર અનેક વાહનોને આગ ચાંપી દીધી હતી. મળતી માહિતી મુજબ પથ્થરમારામાં 10 પોલીસકર્મી અને એક મહિલા ઘાયલ થયા છે. તમને જણાવી દઈએ કે પથ્થરમારા બાદ પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસ ટીમે ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા.

આ પછી ટોળાએ અનેક પોલીસ વાહનો અને બસોને આગ ચાંપી દીધી હતી. તમને જણાવી દઈએ કે આ વિવાદ ત્યારે જોવા મળ્યો જ્યારે ગુરુવારે બપોરે મહાનગરપાલિકાની ટીમ પોલીસ અને જેસીબી સાથે વનભૂલપુરા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પહોંચી હતી. અગાઉ પોલીસે મલિકના બગીચા વિસ્તારમાં અતિક્રમણ દ્વારા બનાવવામાં આવેલ મદ્રેસા અને નમાઝ સ્થળને પહેલાથી જ બેરિકેડ કરી દીધું હતું અને લોકોને સ્થળ પર આવતા અટકાવ્યા હતા. આ દરમિયાન લોકો સ્થળ પર એકઠા થવા લાગ્યા અને વિરોધ કરવા લાગ્યા, થોડી જ વારમાં પથ્થરમારો પણ શરૂ થઈ ગયો હતો.

Most Popular

To Top