ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમ પાસે જે ઉંડાણ જોવા મળે છે તેનાથી પાકિસ્તાનનો માજી કેપ્ટન ઇન્ઝમામ ઉલ હક ઘણો પ્રભાવિત થયો છે અને તેણે મજાકભર્યા સૂરમાં એવું પણ કહ્યું હતું કે કદાચ ભારતની પાસે કોઇ એવી ટેલેન્ટ મશીન છે જેનાથી આટલા બધા પ્રતિભાશાળી ખેલાડીઓ તૈયાર થઇ રહ્યા છે.
ઇંગ્લેન્ડ સામેની વન ડે સીરિઝની પહેલી મેચમાં ડેબ્યુ કરનારા કૃણાલ પંડ્યાએ 26 બોલમાં અર્ધસદી ફટકારવાનો રેકોર્ડ કર્યો તો પ્રસિદ્ધ કૃષ્ણાએ પણ ડેબ્યુટન્ટ તરીકે 4 વિકેટ ઉપાડવાનો રેકોર્ડ બનાવ્યો હતો. આ ઉપરાંત ટી-20 સીરિઝ દરમિયાન ઇશાન કિશન અને સૂર્યકુમાર યાદવે પણ ડેબ્યુ મેચમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું.ઇન્ઝમામે કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝથી જ ભારતીય ટીમમાં સતત નવા ખેલાડીઓ આવી રહ્યા છે અને મેચ વિનિંગ પ્રદર્શન કરી રહ્યા છે.
પોતાની યૂટ્યુબ ચેનલ પર ઇન્ઝમામે કહ્યું હતું કે મને લાગે છે કે ભારતની પાસે કોઇ એવું મશીન છે જેમાં આવા પ્રતિભા સંપન્ન ખેલાડીઓ તૈયાર થઇ રહ્યા છે. સીનીયર સારું પ્રદર્શન કરતાં જ હોય અને જે જૂનિયરને તક મળે તે સારું પ્રદર્શન કરી બતાવે તે જ દર્શાવે છે કે આ ટીમની તાકાત શું છે.
છેલ્લા કેટલાક મહિનામાં ભારતીય ટીમમાં ડેબ્યુ કરનારા ખેલાડીઓ
ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝથી ટેસ્ટ, વન ડે અને ટી-20 એમ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ઘણાં ખેલાડીઓએ ડેબ્યુ કર્યું છે અને એ તમામનું પ્રદર્શન પ્રભાવક રહ્યું છે. છેલ્લા કેટલાક મહિનામાં ભારતીય ટીમ વતી શુભમન ગીલ, વોશિંગ્ટન સુંદર, મહંમદ સિરાજ, ટી નટરાજન, અક્ષર પટેલ, સૂર્ય કુમાર યાદવ, કૃણાલ પંડ્યા, ઇશાન કિશન અને પ્રસિદ્ધ કૃષણાએ અલગઅલગ ફોર્મેટમાં ડેબ્યુ કરીને જોરદાર પ્રદર્શન કર્યું છે.