અમેરિકાએ એચ-વનબી વિઝા માટેની નાણાકીય વર્ષ ૨૦૨૧ માટેની સંસદ દ્વારા ઠરાવવામાં આવેલી ૬૫૦૦૦ની ટોચમર્યાદા માટે પુરતી અરજીઓ મેળવી લીધી છે અને ભારતીયો સહિત વિદેશી વ્યવસાયિકોમાં જેની ઘણી માગ છે તેવા આ વિઝા માટેના સફળ ઉમેદવારોને કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો વડે નક્કી કરવામાં આવશે.
એચ-૧બી વિઝા એ એક નોન-ઇમિગ્રન્ટ વિઝા છે જે અમેરિકન કંપનીઓને જેમાં થિયેરિટેકલ અને ટેકનીકલ નિપુણતાની જરૂર હોય તેવા વ્યવસાયો માટે વિદેશી કામદારોને ભરતી કરવાની છૂટ આપે છે. આ ટેકનોલોજી કંપનીઓ ભારત અને ચીન જેવા દેશોમાંથી દર વર્ષે હજારો કામદારોને ભરતી કરવા માટે આ વિઝા પર આધાર રાખે છે.
યુએસ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીઝ(યુએસસીઆઇએસ) દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેણે કોંગ્રેસ દ્વારા ઠરાવવામાં આવેલ એચ-૧બી વિઝાની નિયમિત ૬૫૦૦૦ની મર્યાદા તથા એચ-૧બી વિઝાની ઉચ્ચતર ડિગ્રી અપવાદ માટેની ૨૦૦૦૦ની ટોચ મર્યાદા માટેની પુરતી અરજીઓ મેળવી લીધી છે.
જો કે આ ટોચમર્યાદા માટે અપવાદરૂપ હોય તેવી અરજીઓ સ્વીકારવાનું અમે ચાલુ રાખીશું એમ તેણે જણાવ્યું હતું. અગાઉ જેઓ ટોચમર્યાદાને કારણે બહાર રહી ગયા હતા અને હજી જેમણે પોતાનો કેપ નંબર જાળવી રાખ્યો હોય તેવા અરજદારોને નાણાકીય વર્ષ ૨૦૨૧ની ટોચમર્યાદા માટે અપવાદ ગણવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે વિદાય લીધેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના શાસનમાં એચ-૧બી વિઝાધારકોની પસંદગી માટે નવી પગાર આધારિત પદ્ધતિ નક્કી કરવામાં આવી હતી પરંતુ નવા પ્રમુખ જો બિડેનના પ્રશાસન દ્વારા બાદમાં જાહેર કરવામાં આવ્યું હતું કે તે પદ્ધતિની ચકાસણી કરવામાં આવી રહી છે અને હાલ લોટરી સિસ્ટમ જ ચાલુ રહેશે.