Columns

જ્ઞાનથી કે તપથી – મોક્ષ કઈ રીતે સિદ્ધ કરવો?

મિથિલાનગરના દ્વાર પાસે દ્વા૨પાળોએ રોક્યા. શુકદેવજી ધ્યાનમગ્ન અવિચલિતભાવે ઊભા રહ્યા, પછી ઓળખાયા ત્યારે મુક્ત થઈને નગરમાં પ્રવેશ પામ્યા. સમૃદ્ધ લોકોથી ઊભરાતા રાજમાર્ગ પર ચાલીને શુકદેવજી રાજમહેલ પાસે પહોંચ્યા. ત્યાં કઠોર વચનવાળા દ્વારપાળોએ તેમને રોક્યા. તે સ્થાને પણ શુકદેવજી અવિચલિતભાવે અને ધ્યાનમગ્ન રહીને ઊભા રહ્યા. સૂર્યના તાપથી, મુસાફરીના થાકથી, ભૂખ કે તરસથી શુકદેવજી જરા પણ વિચલિત ન થયા અને તેમના શરી૨માં જરા પણ ક્ષીણતા કે ગ્લાનિ જણાઈ નહીં.

દ્વા૨પાળોમાંનો એક મધ્યાહ્નકાળના તેજસ્વી સૂર્ય જેવા શુકદેવજીને જોઈને ઓળખી ગયો. તેણે શુકદેવજીની પૂજા કરીને તેમને રાજમહેલના બીજા દરવાજામાંથી પ્રવેશ કરાવ્યો. તે વખતે પણ છાયા અને તડકાને સમાન ગણનારા મહાતેજસ્વી શુકદેવજી તે સ્થાને બેસીને પણ મોક્ષનું જ ચિંતન કરતા રહ્યા. ત્યારપછી રાજાનો મંત્રી બંને હાથ જોડીને તેમની પાસે આવ્યો અને તેણે શુકદેવજીને તૃતીય દરવાજામાં પ્રવેશ કરાવ્યો. તેણે શુકદેવજીને એક ઉત્તમ આસન ૫૨ બેસાડ્યા. તે સ્થાને અનેક સુંદર સ્ત્રીઓ આવી અને તેમણે શુકદેવજીની પૂજા કરી અને ભોજનાદિથી તેમને તૃપ્ત કર્યા. સૌએ શુકદેવજીની ખૂબ સેવા કરી અને તેમને પ્રસન્ન કરવા માટે ખૂબ પ્રયત્નો કર્યા.

આ સર્વ વિધિ દરમિયાન શુકદેવજી અવિચલિત જ રહ્યા, હર્ષ કે શોકથી મુક્ત જ રહ્યા. આ રીતે હર્ષ કે શોકથી જરા પણ વિચલિત થયા વિના શુકદેવજીએ દિવસ પછી રાત્રિ પણ ત્યાં જ પસાર કરી. બીજા દિવસે મહારાજ જનક મંત્રીઓ, પુરોહિતો અને અંતઃપુરની સ્ત્રીઓ- સહિત શુકદેવજી પાસે આવ્યા. પ્રારંભમાં મહારાજ જનકે શુકદેવજીને ‘સર્વતોભદ્ર’ નામનું આસન અર્પણ કર્યું. શુકદેવજી તે આસન પર બેઠા. ત્યાર પછી મહારાજ જનકે શુકદેવજીની મંત્રપૂર્વક વિધિવત્ પૂજા કરી. શુકદેવજીએ તે પૂજા સ્વીકારી. અન્યોન્ય કુશલમંગલ પૂછ્યાં અને પછી સંવાદનો પ્રારંભ થયો.
શુકદેવજી પોતાના આગમનનો હેતુ જણાવે છે અને પછી પ્રશ્નો પૂછવાનો પ્રારંભ કરે છે.
પ્રથમ પ્રશ્ન છે : कथं च मोक्षः कर्तव्यो ज्ञानेन तपसापि वा ।
-શાંતિપર્વ: ૩૨૬-૨૩
“જ્ઞાનથી કે તપથી – મોક્ષ કઈ રીતે સિદ્ધ કરવો?’’ આ મૂલ્યવાન અને પ્રધાન પ્રશ્નના ઉત્તરરૂપે હવે જનકના વક્તવ્યનો પ્રારંભ થાય છે. તપશ્ચર્યા, ગુરુસેવા અને બ્રહ્મચર્યપૂર્વક અને અસૂયારહિત થઈને દેવોનું અને પિતૃઋણ ચૂકવવું, વેદોનું અધ્યયન કરવું અને ગુરુદક્ષિણા આપી તથા ગુરુની આજ્ઞા મેળવીને ઘરે પાછા આવવું. સમાવર્તન સંસ્કાર લીધા પછી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવો. શાસ્ત્રવિધિ પ્રમાણે અગ્નિહોમ કરવો.તદનંતર પુત્રપૌત્રાદિ સંતતિ ઉત્પન્ન કરીને વાનપ્રસ્થાશ્રમ સ્વીકારવો. તેનું યથોચિત શાસ્ત્રવિધિ પ્રમાણે પાલન કરવું. અંતે વિરક્તચિત્ત થઈને સંન્યાસાશ્રમ ધારણ કરવો.

મહારાજ જનકના આ વક્તવ્યનું શ્રવણ કરીને શુકદેવજી કહે હું :
उत्पन्ने ज्ञानविज्ञाने प्रत्यक्षे हृदि शाश्वते ।
किमवश्यं निवस्तव्यमाश्रमेषु वनेषु च ।।
શાંતિપર્વ : ૩૨૬-૨૦
“જેમને જ્ઞાન અને વિજ્ઞાન ઉત્પન્ન થયેલાં જ છે અને હૃદયમાંથી સુખદુ:ખાદિ દ્વન્દ્વો દૂર થયાં જ છે, તેમને ગૃહસ્થાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમમાં રહેવાની શી આવશ્યકતા છે ?’’શુકદેવજીના આ પ્રશ્નના ઉત્તરમાં મહારાજ જનક કહે છે : જ્ઞાન અને વિજ્ઞાન વિના મોક્ષ થતો નથી અને ગુરુ સાથેના સંબંધ વિના જ્ઞાનપ્રાપ્તિ શક્ય નથી. જ્ઞાન નૌકા છે અને ગુરુ નાવિક છે. બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ થાય પછી કૃતકૃત્ય થઈને શાસ્ત્રજ્ઞાન અને ગુરુનો ત્યાગ થાય છે. મનુષ્યોનો તથા વૈદિક કર્મોનો નાશ ન થાય તે માટે પૂર્વેના જ્ઞાની પુરુષોએ ચારેય આશ્રમોના ધર્મોનું પાલન કર્યું છે અને તેમ કરવા જણાવ્યું છે આમ છતાં…
भावितै: कारणैश्चायं बहुसंसारयोनिषु ।
आसादयति शुद्धात्मा मोक्षं वै प्रथमाश्रमे ।।
-શાંતિપર્વ : ૨૨૬-૨૬
“સંસારમાં અનેક વાર જન્મ ધારણ કરીને શોધિત-પવિત્ર બુદ્ધિ દ્વારા ચિત્તશુદ્ધિ થવાથી સાધકને બ્રહ્મચર્યાશ્રમમાં પણ મોક્ષપ્રાપ્તિ થઈ શકે છે.’
तमासाद्य तु मुक्तस्य दृष्टार्थस्य विपश्चितः ।
त्रिष्वाश्रमेषु कोन्वर्थो भवेत्परमभीप्सतः ॥
-શાંતિપર્વ : ૩૨૬-૨૭
બ્રહ્મચર્યાશ્રમમાં જ જેમની ચિત્તશુદ્ધિ થઈ છે તે પરમાત્માને પામવા ઇચ્છતા જ્ઞાની પુરુષને પ્રારંભના 3 આશ્રમોનું કોઈ પ્રયોજન નથી.” મહારાજ જનક આગળ કહે છે :
“રાજસ અને તામસ દોષોનો નિત્ય ત્યાગ કરવો તથા સાત્ત્વિક માર્ગનો સહારો લઈને પોતાના અંતરાત્મા વડે જ આત્મદર્શન કરવા. જે પુરુષ પ્રાણીમાત્રમાં પોતાના આત્માને જુએ છે અને પોતાના આત્મામાં પ્રાણીમાત્રને જુએ છે, તે પુરુષ જેમ હંસપક્ષી જળમાં વિચરે છતાં જળથી પલળે નહીં, તેમ તે સંસારમાં રહીને પણ સંસારમાં લેપાતો નથી.
પક્ષી માળો છોડીને ઉપર ઊડી જાય છે, તે રીતે મુક્ત પુરુષ દેહ છોડીને, નિર્દ્વદ્વ તથા શાંત થઈને પરલોકમાં મોક્ષ પામે છે. આ વિષયમાં પ્રાચીનકાળમાં મહારાજ યયાતિએ કહેલી ગાથા સાંભળો :
ज्योतिरात्मनि नान्यत्र रतं तत्रैव चैव तत् ।
स्वयं च शक्यं तदद्रष्टुं सुसमाहितचेतसा ।।
-શાંતિપર્વ : ૩૨૬-૩૨
“પરબ્રહ્મરૂપ જ્યોતિ આત્મામાં જ છે, અન્યત્ર ક્યાંય નથી. તે ત્યાં જ રત રહે છે. જેનું ચિત્ત સ્થિર હોય છે તે સ્વયં તેને જુએ છે.’’

Most Popular

To Top