Sports

એક ખેતમજૂરનો પુત્ર ગુરૂનાયડુ સનાપતિ વર્લ્ડ યૂથ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનારો પ્રથમ ભારતીય

આંધ્રપ્રદેશના એક ખેતમજૂરી કરતા પરિવારનો પુત્ર ગુરુનાયડુ સનાપતિએ મેક્સિકોના લિયોનમાં IWF (ઇન્ટરનેશનલ વેઇટલિફ્ટિંગ ફેડરેશન) ખાતે ઇતિહાસ રચ્યો. વર્લ્ડ યુથ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર તે પ્રથમ ભારતીય વેઇટલિફ્ટર બન્યો હતો. 16 વર્ષીય વેઇટલિફ્ટરે 55 કિગ્રા વર્ગમાં કુલ 230 કિગ્રા (104 કિગ્રા અને 126 કિગ્રા)ના પ્રયાસ સાથે ગોલ્ડ જીત્યો હતો. મૂળ આંધ્રપ્રદેશના વિઝિયાનગરમનો રહિશ સનાપતિના પિતા રામાસ્વામી સનાપતિ તેમના પરિવારનું ભરણપોષણ કરવા ખેતરોમાં મજૂરી કામ કરે છે. સનાપતિનું જીવન સંઘર્ષોથી ભરેલું રહ્યું છે. બાળપણથી જ ગરીબીમાં ઉછરેલા સનાપતિના માતા-પિતાનું એક જ સપનું છે કે તેમના પુત્રને સરકારી નોકરી મળે. તેથી જ તેણે ગુરુનાયડુને વેઈટલિફ્ટિંગની તાલીમ માટે એકેડમીમાં મોકલ્યો. જેથી તેમના પુત્રનું જીવન સુધરી જાય. પોતાના એક ઈન્ટરવ્યુમાં ગુરુનાયડુએ કહ્યું હતું કે તેના માતા-પિતાને કોમનવેલ્થ, એશિયાડ અને ઓલિમ્પિક્સ વિશે વધુ ખબર નથી પરંતુ તેમનું એક જ સપનું છે કે તેમનો પુત્ર ઘણો આગળ વધે.

ખેડૂતના પુત્ર, સનાપતિને એક સમયે પૂરતું ભોજન મેળવવામાં મુશ્કેલી પડતી હતી અને ઘણીવાર તે ભૂખ્યો રહી જચો હતો અને તેને પુરતો ખોરાક પણ મળતો નહોતો. તેના પિતા બીજાના ખેતરમાં કામ કરતા. તમામ મુસીબતો છતાં, ગુરુનાયડુએ હાર ન માની અને પોતાના સપનાનો પીછો કરતો રહ્યો. તેની આ જીજીવિષાને કારણે જ આજે તે વિષમતા સામે લડીને વર્લ્ડ ચેમ્પિયન બન્યો છે. એશિયન યુથ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2020 બ્રોન્ઝ મેડલ વિજેતા સનાપતિ ટોચ પર છે.
સાઉદી અરેબિયાનો અલી મજીદ 229 કિગ્રા (105 કિગ્રા અને 124 કિગ્રા) બીજા ક્રમે અને કઝાકિસ્તાનનો યેરાસિલ ઉમરોવ 224 કિગ્રા (100 કિગ્રા અને 124 કિગ્રા) ત્રીજા ક્રમે રહ્યો હતો.

સનાપતિ ઉપરાંત, ભારતની સૌમ્યા એસ દળવીએ સ્પર્ધાના બીજા દિવસે તેની ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મહારાષ્ટ્રની દલવીએ છોકરીઓની 45 કિગ્રામાં 148 કિગ્રા (65 કિગ્રા અને 83 કિગ્રા) વજન ઉઠાવીને ત્રીજું સ્થાન મેળવ્યું હતું. ગુરુનાયડુના પરિવારની પરેશાનીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તાજેતરમાં જ તેના માતા-પિતા પહેલીવાર ટ્રેનમાં બેઠા હતા. અને આંધ્રપ્રદેશમાંથી પ્રથમ વખત બહાર આવ્યા હતા. ગુરુનાયડુ હજુ સગીર છે અને તેથી મેક્સિકો જતા પહેલા તેના માતા-પિતાને તેના વિઝા માટે દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. રામાસ્વામી તેમની પત્ની સાથે પહેલીવાર ટ્રેનમાં દિલ્હી પહોંચ્યા હતા. આ પ્રવાસ માટે તેણે અહીંથી-ત્યાંથી ઉછીના લઈને પૈસાની વ્યવસ્થા કરી. ગુરુનાયડુ કહે છે કે તેના માતા-પિતા ઘર ચલાવવા માટે દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. જો ક્યારેય વરસાદ આવે છે, તો તેનું ઘર ટપકવા લાગે છે અને ગુરુનાયડુ તેના પરિવારને આ દુઃખમાંથી બહાર કાઢવા માંગે છે. તેને આશા છે કે તેના મેડલ તેને નોકરી અપાવવામાં મદદરૂપ સાબિત થશે. જેથી તેઓ તેમના પરિવારનો આધાર બની શકે અને તેમના પરિવારને સારું જીવન આપી શકે.

Most Popular

To Top