એક દિવસ ગુરુજીએ કહ્યું, ‘આજે હું તમને પાઠ પછી ભણાવીશ. પહેલાં પ્રશ્ન પૂછીશ.’ગુરુજીની આ વાત સાંભળી શિષ્યો મૂંઝાયા કે ‘પાઠ શીખ્યા વિના ગુરુજીના પ્રશ્નોનો જવાબ કઈ રીતે આવડશે?’ ગુરુજીએ આગળ કહ્યું, ‘ચાલો, બધા થઈ જાવ તૈયાર મારા સવાલોના જવાબ આપવા માટે.પહેલો પ્રશ્ન છે ‘સૌથી મહાન તપસ્યા કઈ છે?’ શિષ્યો પહેલાં બધા મહાન તપસ્વીઓનાં નામ લેવા લાગ્યા. ગુરુજી વચ્ચે જ બોલ્યા, ‘દરેક તપસ્વી અને તપ મહાન જ છે.મેં મારા પ્રશ્નમાં મહાન તપસ્વી કોણ પૂછ્યું નથી.’ગુરુજીની વાત સાંભળી બધા એક સાથે ચૂપ થઇ ગયા.એક શિષ્યે હિંમત કરીને પૂછ્યું, ‘એટલે ગુરુજી તપ કરવાની રીત પૂછો છો?’ગુરુજીએ ના પાડી અને થોડી વાર કોઈ જવાબ ન મળતાં બોલ્યા, ‘સૌથી મહાન તપસ્યા છે ‘શાંતિ’જાળવવી.મનમાં ગુસ્સો હોય, દુઃખ હોય,ખરાબ લાગ્યું હોય,ઉકળાટ હોય, છતાં શાંતિ જાળવવી.ઝઘડો કરીને અશાંતિ ઊભી કરવી બહુ સહેલું છે, જયારે અવળા સંજોગોમાં પણ શાંતિ જાળવી રાખવી એક મહાન તપસ્યા છે.’
હવે ગુરુજી આગળ બોલ્યા, ‘સૌથી મોટું સુખ કયું?’શિષ્યોને આ સવાલ થોડો સહેલો લાગ્યો. બધા ફટાફટ જવાબ આપવા લાગ્યા.કોઈએ કહ્યું ‘સંતાનસુખ.’ કોઈએ કહ્યું, ‘શ્રીમંતાઈ. કોઈએ કહ્યું, ‘ઉચ્ચ કુળ’કોઈએ કહ્યું, ‘પરિવાર’.કોઈએ કહ્યું, ‘પ્રતિષ્ઠા’. કોઈએ કહ્યું, ‘સત્તા’.કોઈએ કહ્યું, ‘પ્રતિષ્ઠા.’આમ ઘણી વસ્તુઓનાં નામ લેવાયાં.ગુરુજી બોલ્યા, ‘તમારા બધાના જવાબ ખોટા છે. તમે જે કહ્યા તે તો સુખ નહીં પણ દુઃખ છે કારણ કે આજે પાસે છે તો સુખ છે, કાલે છીનવાઈ જશે તો દુઃખ બની જશે.માટે સૌથી મોટું સુખ એક જ છે તે છે ‘સંતોષ,’જેની પાસે સંતોષ છે તેને કોઈ દુઃખ સ્પર્શી નહિ શકે.’
ગુરુજીએ ત્રીજો પ્રશ્ન કર્યો કે ‘સૌથી મોટી વ્યાધિ કઈ?’હવે કોઈ શિષ્યે જવાબ આપવાની ઉતાવળ ન કરી, કારણ કે તેઓ સમજી ગયા કે દરેક પ્રશ્ન પાછળ કોઈક ઊંડાણ છે.શિષ્યો વિચારવા લાગ્યા.એક બટકબોલા શિષ્યે કહ્યું, ‘ગુરુજી, કોઈ શારીરિક વ્યાધિની વાત તો તમે નહિ જ કરતા હો.એટલે માનસિક વ્યાધિ જ હશે.’ગુરુજી હસ્યા અને બોલ્યા, ‘હા, વ્યાધિ તો છે, માનસિક નહિ પણ મનની અને દરેક જણને આ વ્યાધિ છે જ. તે છે ‘મનની તૃષ્ણાઓ.’દરેક જણને આ વ્યાધિ છે. બધા પોતાના મનની ઈચ્છાઓ અને અરમાનોના ગુલામ છે અને તે પૂરી ન થતાં દુઃખી થતાં રહે છે એટલે આ તૃષ્ણા સૌથી મોટી વ્યાધિ છે.’ ગુરુજીએ ત્રણ પ્રશ્નો પૂછી જીવનની મહત્ત્વની બાબતો સમજાવી કે સ્વસ્થ સુખી જીવન જીવવું હોય તો ઇચ્છાઓ ઓછી કરી સંતોષ રાખવો અને શાંતિ જાળવવી. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.