Columns

ગુરુ દક્ષિણા

ગુરુ પાસેથી જ્ઞાન મેળવ્યા બાદ, ગુરુદક્ષિણા આપવાનો વખત આવ્યો. શિષ્ય ગુરુજીને કૈંક એકદમ કિંમતી આપવા માંગતો હતો પરંતુ ગુરુજીએ કહ્યું, ‘જે વસ્તુ એકદમ નકામી અને વ્યર્થ છે તે વસ્તુ મને ગુરુદક્ષિણામાં લાવી આપ.’ ગુરુની આજ્ઞા માથે ચઢાવી શિષ્ય એકદમ વ્યર્થ વસ્તુ શોધવા નીકળ્યો. તેનું ધ્યાન માટી પર પડ્યું કે આ માટીની શું કિંમત? એમ વિચારી તેણે માટી લેવા હાથ લાંબો કર્યો.માટીમાંથી અવાજ આવ્યો, ‘નાદાન શિષ્ય, તું મને વ્યર્થ સમજે છે? શું તને ખબર નથી કે દુનિયાભરમાં વનસ્પતિ, ફળ, ફૂલ, પાન, છોડ, અનાજ  બધાને હું જન્મ આપું છું. હું વ્યર્થ નહિ પણ કિંમતી છું.’ શિષ્ય માટીને માથે ચઢાવી આગળ વધ્યો.

શિષ્યનું ધ્યાન પથ્થર પર પડ્યું, તેને થયું પથ્થર શું કામનો છે લાવ તેને લઇ જાઉં. ત્યાં પથ્થરને વાચા ફૂટી કે ‘તું જ્ઞાન લઈને પણ મને બેકાર અને નકામો ગણે છે? મકાનો ,હવેલી ,મહેલ ,મંદિર શેનાથી બને છે? ભગવાનની મૂર્તિ શેમાંથી બને છે?’ આ સાંભળી શિષ્ય બે ડગલાં પાછળ હટી ગયો અને વિચારવા લાગ્યો કે માટી અને પથ્થર પણ આટલા ઉપયોગી છે તો સાવ નકામું અને વ્યર્થ શું હોઈ શકે, જે હું ગુરુજીને ગુરુદક્ષિણા રૂપે આપું.

બહુ વિચારતાં તેને સમજાયું કે સૃષ્ટિના દરેક પદાર્થ કોઈ ને કોઈ રીતે ઉપયોગી છે જ. રસ્તામાં એક સંત મળ્યા, યુવાન શિષ્યે બધી વાત કરી પોતાની દુવિધા રજૂ કરી. સંત બોલ્યા, ‘જીવનમાં જે આપણને કામ ન લાગે તે ચીજો વ્યર્થ હોય છે તેવું જરૂરી નથી. તે અન્યને ઉપયોગી થતી જ હોય છે. વ્યર્થ નકામી વસ્તુઓ એ હોય છે જેનાથી કોઈનું ભલું થતું નથી.’ યુવાને કહ્યું, ‘એવી વ્યર્થ કે તુચ્છ વસ્તુ કઈ છે જેનાથી કોઈનું ભલું થતું નથી, મને સમજાવો.’

સંતે કહ્યું, ‘જે બીજાને નકામાં કે તુચ્છ ગણે છે તે પોતે વ્યર્થ છે.વ્યક્તિની અંદર અહંકાર હોય છે અને તે અહંકારવશ તે બીજાને તુચ્છ ગણે છે, વાસ્તવમાં વ્યક્તિની અંદર રહેલો અહંકાર જ એવી વસ્તુ છે, જેનાથી કોઈનું ભલું થતું નથી…જેનો કોઈ ઉપયોગ નથી.’ સંતની વાત સાંભળીને શિષ્ય પોતાના ગુરુજી પાસે દોડી ગયો અને તેમનાં ચરણોમાં પડીને કહ્યું, ‘હું મારો અહંકાર તમને ગુરુદક્ષિણામાં આપું છું.’  ગુરુદક્ષિણામાં વ્યર્થ વસ્તુ માંગી ગુરુજીએ શિષ્યને સાચી સમજ આપી.  – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top