Editorial

વિકસીત દેશોની સૌથી મોટી સમસ્યા ગન કલ્ચર

દેશમાં ગમે તેટલુ ભૌતિક સુખ હોય. રહેવા માટે અત્યાધુનિક ફર્નિચર ધરાવતા મકાન હોય. ઘર અને ઓફિસ બંને વાતાનુકુલિત હોય. બાળકોના અભ્યાસ માટે દુનિયાની સૌથી સારામાં સારી ગણાતી પૈકી સ્કૂલ હોય. હરવા ફરવા માટે સારી કાર હોય. પરંતુ જ્યાં સુધી સલામતિની ભાવના નહીં હોય તો આ વિકાસ કોઇ જ કામનો નથી. જ્યાં કોઇ સમસ્યા નહીં હોય ત્યાં તે દેશમાં સૌથી મોટી સમસ્યા ગન કલ્ચરની છે. ગમે ત્યારે શાળા, જાહેર સ્થળ કે પછી ક્લબ ગમે ત્યાં ગમે તે સમયે આડેધડ ગોળીબાર થઇ જાય છે.

આગામી ક્ષણમાં શું થશે તેની કોઇ જ ગેરંટી આ દેશમાં નથી અને આ સમસ્યા આજ કાલની નહીં પરંતુ વર્ષો જૂની છે. તેના કાબૂમાં લેવા માટે અનેક પ્રયત્નો થઇ રહ્યાં હોવા છતાં  તે કાબૂમાં આવી શકી નથી તે સનાતન સત્ય છે. આવા દેશોમાં સૌથી પહેલા ક્રમાંકમાં જગત જમાદાર અમેરિકા આવે છે. ત્યાર પછી યુરોપના દેશો આવે છે. આ એવા દેશો છે જ્યાં કોઇ પણ કારણ વગર અજાણ્યા હુમલાખોરો ગોળીબાર કરી દેતા હોય છે. યુએસમાં ફાયરિંગ દ્વારા હત્યા કરવાની એક મોટી સમસ્યા બની ગઈ છે. વર્ષ 2021માં લગભગ 49,000 લોકો બંદૂકની ગોળીથી મૃત્યુ પામ્યા હતા.

દેશમાં વસ્તી કરતા વધુ હથિયારો છે. ત્રણમાંથી એક પુખ્ત વ્યક્તિ ઓછામાં ઓછી એક બંદૂક ધરાવે છે અને લગભગ બે પુખ્તમાંથી એક વ્યક્તિ હથિયાર સાથે ઘરમાં રાખે છે.બે દિવસ પહેલાની જ વાત કરીએ તો એક બંદૂકધારીએ અમેરિકાના મિશીગન સ્ટેટ યુનિવર્સિટીમાં ગોળીબાર કર્યો હતો જેમાં 3 લોકોનાં મૃત્યુ થયાં હતાં જ્યારે અન્ય 5 ઈજાગ્રસ્ત થયા હતા. કેમ્પસમાં હુમલાખોરને પકડવા એક કલાકથી પણ વધુ લાંબુ અભિયાન ચલાવવામાં આવ્યું હતું તે દરમિયાન ગભરાયેલા વિદ્યાર્થીઓ અંધારામાં સંતાઈને બેસી રહ્યા હતા. અંતે બંદૂકધારીએ પોતાને ગોળી મારી આપઘાત કર્યો હતો.

સૌથી પહેલાં શેક્ષણિક ઈમારત બર્કી હોલમાં ગોળીબાર થયો હતો ત્યારબાદ નજીકના એમએસયુ યુનિયનમાં ગોળીબાર થયો હતો જે જમવા અને અભ્યાસ માટેનું લોકપ્રિય સ્થળ છે. આ હુમલાના 4 કલાક બાદ મંગળવારની વહેલી સવારે પોલીસે હુમલાખોરનાં મૃત્યુની પુષ્ટી કરી હતી. આ પહેલા ગયા વર્ષે મે મહિનામાં  કેલિફોર્નિયાના એક ઘરમાં બંદૂકધારીઓએ ગોળીબાર કરતા છ લોકોના મોત થયા હતાં. આ ઘટનાની જાણ થતાં માત્ર સાત જ મીનિટમાં પોલીસ ત્યાં પહોંચી ગઇ હતી પરંતુ પોલીસ પહોંચી ત્યાં સુધીમાં આરોપી ભાગી ગયો હતો.

આ વર્ષે જાન્યુઆરી મહિનામાં અમેરિકામાં એક જ દિવસે ગોળીબારની ત્રણ જુદીજુદી બની હતી જેમાં 10 લોકોના મોત થયા હતાં. સાન ફ્રાન્સિસ્કો, હાફ મૂન બે અને ઓકલેન્ડમાં બનેલી ઘટનામાં ઘણા લોકોને ઇજા પણ થઈ હતી. પોલીસે શંકાસ્પદોને અટકાયતમાં લીધા છે. સાન ફ્રાન્સિસ્કો ખાતે સોમવારે ગોળીબારની બે ઘટનામાં સાત લોકોના મોત થયા હતા અને બે વ્યક્તિને ઇજા થઈ હતી. મશરુમ ફાર્મ અને ટ્રકિંગ ફર્મ ખાતે સેન મેટિયો કાઉન્ટી બોર્ડ ઓફ સુપરવાઇઝર્સના પ્રેસિડેન્ટ ડેવ પિને જણાવ્યું હતું કે, ચાર લોકોની ખેતરમાં હત્યા કરવામાં આવી હતી.

જ્યારે સાન ફ્રાન્સિસ્કોની દક્ષિણે લગભગ ૪૮ કિમી. દૂર ત્રણ લોકો માર્યા ગયા હતા. પોલીસે ગોળીબારની ઘટનામાં ૬૭ વર્ષના ચુન્લી ઝાઓની ધરપકડ કરી હતી. આ સાથે દેશમાં ચાલુ વર્ષે છઠ્ઠું સામૂહિક શૂટિંગ થયું હતું. તાજેતરમાં શનિવારે કેલિફોર્નિયાના બોલરૂમ ડાન્સ ખાતે થયેલા ગોળીબારમાં ૧૧ લોકોના મોત થયા હતા. જે રીતે ગરીબ દેશોમાં ભૂખમરાથી મોત થાય છે. વિકાસશીલ દેશોમાં બીમારી અને અકસ્માતોમાં મોત થાય છે. આ પ્રકારના મોત વિકાસશીલ દેશોમાં થતાં નથી. પરંતુ અહીં ગન કલ્ચર છે એટલે કે અહીં ગોળીથી હજારો લોકો મળી જાય છે. આ કલ્ચરને કાબૂમાં લેવા માટે અનેક પ્રયત્નો થઇ રહ્યાં છે પરંતુ આ સમસ્યા કાબૂમાં આવતી નથી તે પણ સનાતન સત્ય છે.

Most Popular

To Top