૧૩૭ વર્ષ જૂનો કોંગ્રેસ પક્ષ એટલી હદે એક પરિવારની જાગીર બની ગયો છે કે ગમે તેટલા સિનિયર નેતાઓ રાજીનામાં આપે કે ગમે તેટલી ચૂંટણીઓમાં હાર થાય તો પણ તેના મોવડીઓને કોઈ ફરક પડતો નથી. જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના પ્રથમ હરોળના નેતા ગુલામ નબી આઝાદે પક્ષની અંદર રહીને પક્ષનો ઉદ્ધાર કરવાના તનતોડ પ્રયત્નો કરી જોયા, પણ તેમાં સફળતા ન મળતાં તેમણે હતાશ થઈને કોંગ્રેસના તમામ હોદ્દાઓ ઉપરાંત તેના પ્રાથમિક સભ્યપદેથી પણ રાજીનામું આપી દીધું છે. અગાઉ જ્યોતિરાદિત્ય સિંધિયા, કપિલ સિબ્બલ, આનંદ શર્મા, હિમંતા બિશ્વશર્મા, જિતિન પ્રસાદ, આર.પી.એન. સિંહ, કેપ્ટન અમરિંદર સિંહ અને સુષ્મિતા દેબ નામના વરિષ્ઠ નેતાઓએ રાજીનામાં આપ્યાં ત્યારે તેના પ્રમુખ સોનિયા ગાંધીનાં પેટનું પાણી પણ નહોતું હાલ્યું તેવું ગુલામ નબી આઝાદના રાજીનામા પછી પણ બન્યું છે. કોંગ્રેસના પ્રવક્તા દ્વારા ગુલામ નબી આઝાદના રાજીનામાને વિશ્વાસઘાત તરીકે ઓળખાવવામાં આવી રહ્યું છે.
તાજેતરના ભૂતકાળમાં જેટલા પણ નેતાઓ દ્વારા કોંગ્રેસનો ત્યાગ કરવામાં આવ્યો તેમણે રાજીનામું આપવાના કારણ તરીકે રાહુલ ગાંધીની નબળી નેતાગીરીને જવાબદાર ગણાવી હતી. ગુલામ નબી આઝાદે પણ દોષનો ટોપલો રાહુલ ગાંધીના માથા પર નાંખતાં કહ્યું છે કે ‘‘તેઓ પક્ષના પરસ્પર સલાહસૂચનભર્યા માળખાને તોડી રહ્યા છે અને તેમના ચમચાઓને પક્ષનું સંચાલન કરવા માટેનો છૂટો દોર આપી રહ્યા છે.’’ગુલામ નબી આઝાદે કોંગ્રેસનો ઉદ્ધાર કરવા માટે બીજા ૨૨ નેતાઓનો સાથ લઈને જી-૨૩ નામનું ગ્રુપ બનાવ્યું હતું. આ ગ્રુપને નેતાગીરી દ્વારા અપમાનિત કરવામાં આવ્યું હતું અને તેમની કોઈ સલાહ માનવામાં આવી નહોતી. રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યા પછી પણ અધ્યક્ષ જેવી સત્તાઓ ભોગવી રહ્યા છે. જ્યારે જ્યારે તેમની પર હુમલો કરવામાં આવે છે ત્યારે સોનિયા ગાંધીને તેમનો બચાવ કરવો પડે છે.
રાહુલ ગાંધી કોંગ્રેસના ઉપાધ્યક્ષ હતા ત્યારે કોંગ્રેસ પક્ષનો ૨૦૧૪ ની લોકસભાની ચૂંટણીમાં નામોશીભર્યો પરાજય થયો હતો. તેમ છતાં તેમને પ્રમોશન આપીને પક્ષના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. તેમની અધ્યક્ષતા હેઠળ અનેક રાજ્યો ઉપરાંત ૨૦૧૯ ની લોકસભાની ચૂંટણી પણ કોંગ્રેસ પક્ષ હારી ગયો તે પછી તેમને રાજીનામું આપવાની ફરજ પડી હતી. ત્યારે બીજો કોઈ વિકલ્પ ન સૂઝતાં શ્રીમતી સોનિયા ગાંધીને કોંગ્રેસનાં વચગાળાનાં અધ્યક્ષ બનાવવામાં આવ્યાં હતાં. હવે રાહુલ ગાંધી અધ્યક્ષની જવાબદારી સ્વીકારવા તૈયાર નથી, પણ પડદા પાછળ રહીને તેઓ અધ્યક્ષની તમામ સત્તાઓ ભોગવી રહ્યા છે. કોઈ પણ રાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થાય તો યશની ફૂલમાળા પહેરવા રાહુલ ગાંધી તત્પર હોય છે, પણ પરાજય થાય તો અપયશનો ટોપલો કોઈ સ્થાનિક નેતાના માથે નાખી દેવામાં આવે છે.
રાહુલ ગાંધી એટલા બધા અસલામતીથી પીડાય છે કે પંજાબમાં કેપ્ટન અમરિંદર સિંહ તેમની મદદ વગર મુખ્ય પ્રધાન બની ગયા તે તેમને હજમ થયું નહોતું. તેમણે નવજોત સિંહ સિદ્ધુને પંજાબ કોંગ્રેસના પ્રમુખ બનાવીને અમરિંદર સિંહને હેરાન કરવાનું શરૂ કર્યું. અમરિંદર સિંહ નબળા પડ્યા કે તરત તેમને મુખ્ય પ્રધાનપદેથી ગબડાવી કાઢવામાં આવ્યા. અમરિંદર સિંહે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને પોતાનો ચોકો અલગ કર્યો. આ લડાઈમાં આખું પંજાબ રાજ્ય ગુમાવવું પડ્યું તેનો કોઈ અફસોસ રાહુલ ગાંધીમાં દેખાતો નહોતો.
ગુલામ નબી આઝાદે રાજીનામું આપતી વખતે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પર જે તેજાબી ભાષામાં પત્ર લખ્યો છે તેમાં કોંગ્રેસના ઘડતરમાં તેમણે આપેલા ફાળાની યાદી રજૂ કરીને રાહુલ ગાંધી પર સીધો હુમલો કરતાં લખ્યું છે કે ‘‘૨૦૧૪ ની ચૂંટણી પહેલાં રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં ડો. મનમોહન સિંહની સરકારનો વટહુકમ ફાડીને ફેંકી દીધો તે તેમનું સૌથી બાલિશ પગલું હતું. આ વટહુકમને કોંગ્રેસના મોવડીમંડળ દ્વારા ઘડવામાં આવ્યો હતો અને કેન્દ્રની કેબિનેટ દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીના આ પગલાંને કારણે જ ૨૦૧૪ ની ચૂંટણીમાં કોંગ્રેસનો પરાભવ થયો હતો.’’ગુલામ નબી આઝાદે આપેલા આંકડાઓ મુજબ ૨૦૧૪ અને ૨૦૨૨ વચ્ચે રાજ્યોની વિધાનસભાઓની ૪૯ ચૂંટણીઓ થઈ તેમાંની ૩૯ કોંગ્રેસ પક્ષ હારી ગયો હતો. આ ૧૦ પૈકી પણ કોંગ્રેસ પક્ષ પોતાની તાકાત પર માત્ર ચાર ચૂંટણીઓ જીત્યો હતો. બાકીનાં ૬ રાજ્યોમાં તેણે સ્થાનિક પક્ષો સાથે ગઠબંધન કરીને સરકારમાં રહેવું પડ્યું હતું. ગુલામ નબી આઝાદના મતે પ્રાદેશિક પક્ષો મજબૂત થવાનું એકમાત્ર કારણ કોંગ્રેસની નેતાગીરીની નિષ્ફળતા છે.
રાહુલ ગાંધીની એક માત્ર લાયકાત એ છે કે તેઓ રાજીવ ગાંધીના પુત્ર છે અને ઇન્દિરા ગાંધીના પૌત્ર છે. તેમની પોતાની લાયકાત પર તેમને કોઈ ચપરાસીની નોકરી પણ આપે નહીં. તેઓ દેશના સૌથી જૂના રાજકીય પક્ષનું સંચાલન કરી રહ્યા છે, જેણે આઝાદીનાં ૭૫ વર્ષ પૈકી ૬૦ વર્ષ સરકાર ચલાવી હતી. રાહુલ ગાંધી ફુલટાઇમ રાજકારણી નથી પણ પાર્ટ ટાઇમ પર્યટક છે. પક્ષ ભડકે બળતો હોય ત્યારે તેઓ લાંબી રજા લઈને વિદેશ ચાલ્યા જાય છે. ઉત્તર પ્રદેશમાં અમેઠીની બેઠક પણ તેઓ જીતી શકતા નથી; પણ મહત્ત્વાકાંક્ષા ભારતના વડા પ્રધાન બનવાની રાખે છે. રાહુલ ગાંધીની મૂર્ખાઈના હજારો કિસ્સાઓ સોશ્યલ મીડિયામાં જોવા મળે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે રાહુલ ગાંધી આદર્શ હરીફ છે. કોઈ પણ સામાન્ય સમજણ ધરાવતો માણસ પણ રાહુલ ગાંધી સાથે નરેન્દ્ર મોદીની સરખામણી કરે ત્યારે તે ચાહે તો પણ રાહુલ ગાંધીને પસંદ કરી શકે નહીં. દરેક ચૂંટણીમાં પરાજય પછી રાહુલ ગાંધી થોડા સમય માટે અલોપ થઈ જાય છે. પછી તેમના સલાહકારો દ્વારા તેમને રિ-લોન્ચ કરવામાં આવે છે. આવી રીતે તેમને અડધો ડઝન વાર રિ-લોન્ચ કરવામાં આવ્યા છે. હવે લોકસભાની ચૂંટણી આડે બે વર્ષ કરતાં પણ ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે રાહુલ ગાંધીને શું કરવું તેની ગતાગમ નથી. જો ગુલામ નબી આઝાદની વાત માનીએ તો તેઓ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે પોતાના કોઈ ચમચાને ગોઠવીને પક્ષ ઉપર પોતાનો કન્ટ્રોલ ટકાવી રાખવાની વેતરણમાં છે.
કોંગ્રેસની નીતિ રહી છે કે કોઈ પણ રાજ્યમાં કોઈ સ્થાનિક નેતાને એટલો મજબૂત ન બનવા દેવો, જેને કારણે તે ગાંધી-નહેરુ પરિવાર માટે પડકારજનક બની રહે. આ માટે દરેક રાજ્યમાં મુખ્ય નેતા સામે કોઈને ઊભો કરવામાં આવે છે. રાજસ્થાનમાં મુખ્ય પ્રધાન અશોક ગેહલોત સામે સચિન પાઇલોટને ઊભો કરવામાં આવ્યો છે. હરિયાણામાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભૂપિન્દર સિંહ હુડ્ડા સામે અશોક તંવરને ઊભા કરીને રાજ્યના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. ઉત્તરાખંડમાં પણ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હરીશ રાવતને કદ પ્રમાણે વેતરી નાખવાની ચાલ રમવામાં આવી હતી.
ગુલામ નબી આઝાદને રાજીનામું આપવાની ફરજ પડી તેમાં પણ જમ્મુ-કાશ્મીર રાજ્યના કોંગ્રેસ પક્ષમાં ચાલી રહેલી ઉથલપાથલ કારણભૂત બની છે. તાજેતરમાં ગુલામ નબી આઝાદના વફાદાર ગુલામ અહમદ મીરને રાજ્યના અધ્યક્ષ તરીકે હટાવીને વિકાર રસૂલ વાનીને અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે આ તોફાન શરૂ કરવામાં આવ્યું છે. ગુલામ નબી આઝાદ હવે પોતાનો પક્ષ બનાવીને વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવી દેશે.