uncategorized

લાજપોર જેલમાંથી વેપારીઓને ધમકાવનાર મનીયા ડુક્કરની ગેંગ સામે ગુજસીટોકનો ગુનો નોંધાયો

સુરત : (Surat) ડિંડોલીમાં નાના-નાના વેપારીઓને ચપ્પુની અણીએ ધમકાવીને (Threat) તેઓની પાસેથી રૂપિયા ખંખેરતી (Ransom) માથાભારે મનીયા ડુક્કર ગેંગની (dukkar gang) સામે ડિંડોલી પોલીસે ગુજસીટોક (Gujcitok) મુજબ ગુનો નોંધ્યો હતો. આ ટોળકીના માણસોએ થોડા દિવસ પહેલા જ એક ટેલર્સને શિકાર બનાવીને તેની પાસેથી 2 હજાર ખંખેરી લીધા હતા, આ ઉપરાંત દિવાળીના તહેવારમાં પણ ફટાકડા વેચતા લોકોને ધમકાવીને મારામારી કરી લોકોમાં ડર ઊભો કર્યો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. આ ટોળકીની સામે શહેરના પોલીસ ચોપડે પંદર કરતા વધારે ગંભીર ગુના દાખલ થયા છે.

પ્રાપ્ત વિગતો મુજબ ડિંડોલી પોલીસને માથાભારે કૈલાસ ઉર્ફે કેલીયા આધાર પાટીલ, દયાવાન ઉર્ફે બંટી અશોકભાઇ પાટીલ, સાગર ઉર્ફે નિતીન ઉર્ફે મનોજ ઉર્ફે મનીયા ડુક્કર સંતોષ સોનવણે તેમજ ગેંગના અન્ય માણસોની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ટોળકીના નીતિન ઉર્ફે રાજ વાલ્મિક સુરેશ પાટીલે પેરોલ ઉપર બહાર આવીને ડિંડોલીમાં ટેલરીંગના કામ સાથે સંકળાયેલા વેપારીને ધમકાવીને ખંડણી માંગી હતી. જેલમાં થતા ખર્ચાઓ પુરા કરવા માટે સ્થાનિક નાના-મોટા વેપારીઓની પાસેથી રૂપિયા માંગવામાં પણ આવ્યા હતા. આ ટોળકીની દાદાગીરી દિવસે દિવસે વધતી ગઇ હતી, જેને લઇને ડિંડોલી પોલીસે ગેંગની સામે ગુજસીટોક (ગુજરાત આતંકવાદ અને સંગઠીત ગુના નિયંત્રણ અધિનિયમ-2015) મુજબ ગુનો નોંધવા માટેની અરજી કરી હતી. કોર્ટની પરવાનગી સાથે જ મનીયા ડુક્કર અને તેની ગેંગના પ્રવિણ ઉર્ફે આંબા કોળી, દયાવાન ઉર્ફે બંટી પાટીલ, સાગર કોળી, અજય ખરે, ગણેશ કોળી, રૂપેશ મરાઠે, કૈલાસ કેલીયો, રાહુલ મહાજન તેમજ શુભમ પાટીલની સામે ગુજસીટોકનો ગુનો નોંધ્યો હતો. આ ગુનો નોંધ્યાની સાથે જ પોલીસે નરેન્દ્ર ઉર્ફે કબુતર સખારામ પાટીલ તથા અર્જુન પાસવાનની ધરપકડ કરી હતી.

આ ટોળકીએ ટેલરીંગના વેપારીને બે વાર ખંડણીનો શિકાર બનાવ્યા હતા

પ્રાપ્ત વિગતો મુજબ મનીયા ડુક્કર ગેંગના રાજ ઉર્ફે વાલ્મિક, મિથુન અમદાવાદી, કોમલ તેમજ અન્ય બે ઇસમોએ 15 દિવસ પહેલા જ ડિંડોલીમાં એક વેપારીને ત્યાં જઇને તેને ધમકી આપી હતી કે, અમારા માણસો કે જેઓ જેલમાં છે તેઓના ખર્ચા માટે રૂપિયાની જરૂર છે. તેમ કહીને 10 હજાર માંગ્યા હતા. વેપારીએ ડરીને શરૂઆતમાં 2 હજાર આપી દીધા હતા અને ત્યારબાદ રાત્રે ફરીવાર 8 હજાર લેવા આવવાનું કહીને ધમકી આપી હતી. આ ઉપરાંત દિવાળી પહેલા પણ આ ટોળકીએ ટેલર્સને ધમકાવીને 10 હજાર ખંખેરી લીધા હોવાની વિગતો મળી છે. આ ઘટના અંગે ટેલર્સે રાત્રીના સમયે જ પોલીસને જાણ કરી હતી, પરંતુ ડિંડોલી પોલીસે આ વાતને ગંભીરતાથી લીધી ન હતી. ટેલર્સ બરમુડો પહેરીને આવ્યો હોવાનું કહીને તેને હાંકી કાઢવામાં આવ્યો હતો. બીજા દિવસે આ સમગ્ર વાત પોલીસ કમિશનરના દરબારમાં પહોંચી હતી, પોલીસ કમિશનરના આદેશ બાદ ડિંડોલી પોલીસે કોમલ નામની મહિલા સહિત અન્ય માથાભારે સામે ગુનો નોંધ્યો હતો. ત્યારે હાલમાં આ ટોળકી સામે ગુજસીટોકનો ગુનો નોંધાયો છે.

Most Popular

To Top