સુરત: (Surat) શહેરમાં ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ કરતી વિવિધ ગેંગનો સફાયો બોલાવવા માટે પોલીસ કમિશનરે ગુજસીટોક (GUJSITOC) કાયદાનું હથિયાર ઉગામ્યું છે. અત્યાર સુધી બે મોટી ગેમ વિરુદ્ધ કાર્યવાહી કર્યા બાદ આજે પોલીસ (Police) કમિશનરે અસરફ નાગોરી ગેંગ (Gang) વિરુદ્ધ પણ લાલગેટ પોલીસ સ્ટેશનમાં ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો.
સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગેંગવોર ભારે આતંક મચાવી રહ્યો છે. શહેરમાં જાણે લોહીની હોળી રમતી હોય તેમ ગેંગ વોર ચરમસીમાએ પહોંચી રહ્યો છે. શહેરના પોલીસ કમિશનર અજયકુમાર તોમરે આવતાની સાથે આવા ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ કરતી ગેંગની યાદી તૈયાર કરી લીધી હતી. અને ત્યારબાદ ગુજસીટોક કાયદા હેઠળ આવી ગેંગનો સફાયો બોલવાનું શરૂ કર્યું હતું. સૌથી પહેલા આસીફ ટામેટા અને બાદમાં લાલુ જાલીમ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. હવે પોલીસ કમિશનરે અશરફ નાગોરી ગેંગ સામે ગુનો દાખલ કર્યો છે. જેમાં અશરફ, વસીમ, સમદ સહિત અન્ય ચારથી પાંચ જણાના નામ સામેલ છે. અશરફ નાગોરી ગેંગ વિરુદ્ધ શહેરના રાંદેર , અડાજણ, ચોક, સલાબતપુરા, અઠવા સહિતના પોલીસ સ્ટેશનોમાં હત્યા, હત્યાનો પ્રયાસ, મારામારી સહિતના અનેક ગુનાઓ દાખલ છે. આ ઉપરાંત ભૂતપૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યામાં પણ અશરફ નાગોરીનું નામ સામેલ હતું. પૂર્વ કોર્પોરેટર અને વકીલ હસમુખની હત્યાના પ્રયાસમાં પણ આ ગેંગનું નામ સામેલ હતું.
લિંબાયતમાં હજી પણ નાની મોટી અનેક ગેંગ સક્રિય
સુરત: શહેરના લિંબાયત વિસ્તારમાં રવિવારે કરફ્યુના સમયે મોહસીનના નામના યુવકની તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. લિંબાયત પોલીસે ઘટનાની પુછપરછ કરતા ગેંગના સભ્યોએ અદાવતમાં દુશ્મનનો મિત્ર હોવાથી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
ઘટના અંગે લિંબાયત પોલીસ પાસેથી મળતી માહિત મુજબ લિંબાયત મીઠી ખાડી પાસે રહેતા 22 વર્ષીય મોસીનખાન સલીમ ખાન પઠાણની રવિવારે રાત્રે 10:30 વાગ્યાની આસપાસ જંગલસા બાવાની દરગાહ પાસે તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. મોસીન અગાઉ ચોરીના ગુનામાં પકડાયો હતો અને રીઢો ગુનેગાર હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. મોસીનની હત્યા સોહેબ સીટી, ઉમર, છોટુ અને ફારૂક નામના શખ્સોએ કરી હોવાનું સામે આવ્યું છે. સોહેબ સીટી વિરુદ્ધ પણ અગાઉ મારામારી સહિત અનેક ગુનાઓ દાખલ છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ સોહેબને સોહિલ ઉર્ફે ગુંડે સાથે જુની અદાવત હતી. મોહસીન એ સોહિલ ઉર્ફે ગુંડેનો મિત્ર હતો. ગઈકાલે સોહેબે ગુંડે સાથેની અદાવતમાં તેના મિત્ર મોહસીનને પતાવી દીધો હતો. ઘટનાને પગલે લિંબાયત પોલીસ ઇન્સપેક્ટર સહિતનો કાફલો દોડતો થયો હતો.