સુરત(Surat) : ચીખલી નજીક ગુજરાત-મુંબઈ નેશનલ હાઈવે (Gujarat Mumbai National Highway) પર પૂર્ણા નદીના પાણી ભરાઈ જવાના લીધે ગુરૂવારે બંધ થઈ ગયેલા ગુજરાત-મુંબઈ નેશનલ હાઈવે પર 24 કલાક બાદ વાહનવ્યવહાર પૂર્વવત્ત થયો છે. હાઈવે પરથી પાણી ઓસરી ગયા બાદ વાહનો મંઝિલ તરફ દોડવા લાગ્યા છે. જોકે, 24 કલાકથી હાઈવે બંધ હોવાના લીધે ચીખલીની બંને તરફ 15 કિ.મી.થી લાંબી વાહનોની લાઈનો લાગી હતી, તેથી વાહનો ધીમી ગતિએ આગળ વધી રહ્યાં છે. આ ઉપરાંત સુરત નવસારી સ્ટેટ હાઈવે નંબર 6 પણ પૂર્વવત્ત ચાલુ થઈ ગયો છે. સુરતથી સચિન, લાજપોર, મરોલી ચાર રસ્તાથી નવસારી જતા રસ્તા પર ફરી વાહનો દોડવા લાગ્યા છે.
પારડી હાઇવે પર ખાડા પુરાવાની કામગીરી યુવાનોએ શરૂ કરી
પારડી: પારડી નેશનલ હાઇવે નંબર 48 પર ઠેર ઠેર ખાડાઓને લઈ વાહનોના ટાયરો ફાટતા અકસ્માતમાં મૃત્યુની ઘટના સર્જાવવાની બૂમ સાથે સોશિયલ મીડિયામાં એક યુવાને વીડિયો પણ વાયરલ કર્યો હતો. પારડી ખડકીથી ચંદ્રપુર પાર નદી સુધી ખાડા પુરવાનું અભિયાન પારડીના સોશિયલ મીડિયા એકાઉન્ટ “વી બિલોંગ ટુ કિલ્લા પારડી” એફબી ગ્રુપ પર રાકેશ રાણા દ્વારા પોસ્ટ કરવામાં આવી હતી. જેના આધારે વીએચપી બજરંગ દળ, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ, ગૌસેવા સમિતિ પારડી તથા નગરના જાગૃત યુવાનો જોડાયા હતા. પાલિકાના શાસક પક્ષના નેતા દેવેન શાહના સહયોગથી બિલ્ડર જતીન દેસાઈ દ્વારા અપાયેલા મટીરીયલથી હાઇવેના ખાડાઓના પુરાણ કામગીરી જાગૃત યુવાનોએ સાંજે છ થી રાત્રિના નવ વાગ્યા સુધી હાથ ધરી હતી.
ડાંગ જિલ્લાનો સાપુતારા ઘાટમાર્ગ હજુ પણ પ્રવાસી વાહનચાલકો માટે જોખમી
સાપુતારા 15-07-2022 ડાંગ જિલ્લાનાં સાપુતારા ઘાટમાર્ગમાં કાળમીંઢ શીલાઓ,પથ્થરો,વૃક્ષો સહિત માટીનો મલબો હજી પણ ડોક્યુ બહાર કાઢી રહેતા આ માર્ગ ગોઝારો સાબિત થઈ શકે છે. રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં છેલ્લા આઠ દિવસથી દેમાર વરસાદ પડી રહ્યો છે.ડાંગ જિલ્લામાં મુશળધાર વરસાદનાં પગલે ઠેરઠેર માર્ગો પર કાળમીંઢ શીલાઓ,પથ્થરો, વૃક્ષો અને માટીનો મલબો ધસી પડતા માર્ગો બંધ થવાની નોબત ઉભી થઇ છે.
ડાંગ જિલ્લાનાં પ્રવાસન સ્થળ એવા ગિરિમથક સાપુતારા રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં પણ ભારે માત્રામાં ભૂસ્લખલન થતા છેલ્લા ત્રણ દિવસમાં આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ થઈ જવા પામ્યો હતો. ડાંગ જિલ્લા વહીવટી તંત્રની ટીમે સતત ત્રણ દિવસ સુધી બે જેસીબી અને એક હિટાચી મશીનરી કામે લગાડતા ચોથા દિવસે સાપુતારા ઘાટમાર્ગ ખુલ્લો થવા પામ્યો છે. તા.15-07-2022નાં શુક્રવારેથી ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ માર્ગમાં નાના ફોરવ્હિલ વાહનોને અવર જવર માટે સવારે 5 કલાકેથી રાત્રીનાં 10 કલાક સુધી છૂટ આપી છે. જ્યારે એક સપ્તાહ સુધી હેવી વાહનોનાં અવર જવર પર પ્રતિબિંબ મુક્યો છે. પરંતુ હાલમાં સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટમાર્ગમાં ઠેરઠેર કાળમીંઢ શિલાઓ,પથ્થરો,વૃક્ષો અને માટીનો મલબો હજી પણ ડોક્યુ બહાર કાઢી માર્ગ પર ઘસવાનાં ચિત્રો રજૂ કરતા આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રવાસી વાહનચાલકો માટે ગોઝારો સાબિત થઈ શકે છે. તેવામાં શનિ રવિની રજાઓમાં સાપુતારાની સહેલગાહનું પેકેજ બનાવતા પ્રવાસીઓ કુદરતી પ્રકોપને ધ્યાનમાં રાખી રણનીતી બનાવે તે જરૂરી બની ગયુ છે..