વડોદરા: મંગળવારે મોડી રાત્રે ગુજરાત ATS દ્વારા વડોદરાના (Vadodara) સિંઘરોટ વિસ્તારમાં આવેલા એક ભેંસના (Buffalo) તબેલામાં દરોડા કાર્યવાહી કરવામાં આવી હતી. અહીં ભેંસના તબેલાની આડમાં MD ડ્રગ્સ (Drugs) બનાવવાની ફેક્ટરી ધમધમતી હતી. બાતમીના આધારે દરોડા પાડી ATS દ્વારા અહીંથી 5 શખ્સોની અટકાયત કરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
- મોડી રાત્રે અમદાવાદ ATS એ સિંઘરોટ ગામમાં દરોડા પાડ્યા
- ભેંસના તબેલાની આડમાં ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ધમધમતી હતી
- ATS દ્વારા 5 શખ્સોની અટકાયત કરવામાં આવી
- અંદાજે 500 કરોડની કિંમતનું ડ્રગ્સ અને તે બનાવવાનો સામાન ઝડપાયો
મતદાનને આડે ગણતરીના કલાકો જ બાકી રહ્યાં છે ત્યારે ગુજરાત ATS દ્વારા જીએસટીના કરચોરોને પકડવા રેઈડ પાડ્યા બાદ હવે વડોદરામાં ડ્રગ્સ કૌભાંડીઓને પકડવા માટે દરોડા કાર્યવાહી કરવામાં આવતા ફફડાટ વ્યાપી ગયો છે. મંગળવારે મોડી રાત્રે ગુજરાત ATS ની એક ટીમ દ્વારા વડોદરાના સિંગરોટ ગામના એક જાણીતા ફાર્મ હાઉસની પાછળ આવેલા ખેતરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. અહીં તબેલાની અંદર પતરાના શેડની આડમાં ડ્રગ્સ બનાવવામાં આવી રહ્યું હોવાની અમદાવાદ ATS ને બાતમી મળી હતી.
ATS ના અધિકારીઓએ દરોડા પાડી ખેતરના પતરાના શેડમાં ચાલતી ફેકટરી પકડી હતી. અહીં ડ્રગ્સ અને તે બનાવવા માટેનો અંદાજે 500 કરોડની કિંમતનો સામાન પકડ્યો હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે. અહીંથી ડ્રગ્સ બનાવી તે અમદાવાદ, સુરત અને કચ્છ સપ્લાય કરાતો હોવાનું પણ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આરોપીઓએ કોઈને શંકા નહીં જાય તે માટે ભેંસનો તબેલો બનાવ્યો હતો અને ત્યાં ઘાસચારો પણ મુક્યો હતો. ATS દ્વારા દરોડા પાડવામાં આવ્યા ત્યારે અહીં 3 લોકો હતા, તે ત્રણેયની અટકાયત કરી લેવાઈ હતી, ત્યાર બાદ પૂછપરછના આધારે અન્ય બે શખ્સોને પકડવામાં આવ્યા છે. હાલ ATS દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ડ્રગ્સ બનાવવાનો સામાન ક્યાંથી લાવતા હતા તે અંગે પૂછપરછ ચાલી રહી છે. ATS ની સાથે FSL ની ટીમ પણ રાતથી જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
તમને જણાવી દઈએ કે, આ અગાઉ ગયા ઓગસ્ટ મહિનામાં વડોદરાના સાવલી તાલુકાના મોક્સી ગામમાં એક કેમિકલ ફેક્ટરીમાંથી ATS દ્વારા 1125 કરોડનું ડ્રગ્સ ઝડપવામાં આવ્યું હતું. અહીં કેમિકલ ફેક્ટરીની આડમાં ડ્રગ્સ બનતું હતું. તે સમયે નેક્ટર કેમ કંપનીના માલિક સહિત કુલ 6 લોકોની ધરપકડ કરાઈ હતી.