ભરૂચ : ભૂતકાળમાં ભરૂચ ભારત દેશના દુબઇ તરીકે ઓળખાતું હતું એટલું જ નહીં વેપાર વ્યવસાયમાં ભરૂચની કિર્તીની સુવાસ ચારેકોર ફેલાયેલી હતી. આ શહેરમાં વિચારકો અને શ્રેષ્ઠીઓનો વૈભવ પણ દાદ માંગી લે તેવો હતો અને આજ કારણસર અહીં ગુજરાતનું બીજા નંબરનું પુસ્તકાલય શરુ થયું હતું. દાનમાં મળેલા 400 પુસ્તકોથી શરૂ થયેલી રાયચંદ દીપચંદ લાયબ્રેરીમાં આજે 2 લાખથી પણ વધુ પુસ્તકનો વારસો જળવાયેલો રહ્યો છે. 164 વર્ષ જૂના પુસ્તકાલયમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, મરાઠી, પર્સિયન, સિંધી, ઉર્દુ સહીતની અન્ય ભાષાઓના પુસ્તકોનો ભવ્ય વારસો છે.
- 400 પુસ્તકના દાનથી શરૂ થયેલી ભરૂચની રાયચંદ દીપચંદ પુસ્તકાલયમાં અનેરી વાંચન સામગ્રી
- 164 વર્ષ જૂની આ લાઇબ્રેરીમાં બે લાખથી વધુ પુસ્તકોનો વૈભવ
- પારસી ગૃહસ્થની મદદથી શરૂ થયેલું પુસ્તકાલય ગુજરાતમાં બીજું હતું
ભરૂચની રાયચંદ દીપચંદ લાયબ્રેરીમાં વડવાઓનો પરિશ્રમનો ઈતિહાસ પણ જાણવા જેવો છે. વર્ષ ૧૮૫૮માં ભરૂચના ચૂનારવાડમાં કામાકાકાના દવાખાનાના મેળા ઉપર આ પુસ્તકાલયના બીજ રોપાયા હતાં. લાયબ્રેરી શરૂ કરવા માટે સૌથી પહેલા પારસી પરિવારના સોરાબશા દાદાભાઈ મન્સુફે ૪૦૦ પુસ્તકો ભેટમાં આપ્યા હતાં. કઠીનમાં કઠીન સ્થિતમાં પણ પુસ્તકાલય જીવંત રહે તે માટે ભરૂચના આર્થિક રીતે સદ્ધર ગણાતા દેશાઈજી હકુમતરાયજી દોલતરાયજીએ તેમની ઝોળી ખુલ્લી મૂકી દીધી હતી.
અનેક પુસ્તકો ભેંટમાં આપતા લાયબ્રેરી સમૃદ્ધ બની
વર્ષ ૧૮૬૩માં મુંબઈના ધનાઢ્ય પ્રેમચંદ રાયચંદ તરફથી પિતાના સ્મરણાર્થે રૂ.૪૦૦૦/-નું દાન આપતા પુસ્તકાલયનું નામ રાયચંદ દીપચંદ લાયબ્રેરી રાખ્યું હતું. મુંબઈ સહીત અન્ય સ્થળોએ પણ શિક્ષણ માટે જનજાગૃતિ આવે એ માટે પારસી કુટુંબના દાનવીર ખરશેદજી એન.કામાએ ભરૂચમાં રૂ.૨૦૦૦નું દાન કર્યુ હતું એટલું જ નહીં અનેક પુસ્તકો ભેંટમાં આપતા લાયબ્રેરી વધુ સમૃદ્ધ બની ગઇ હતી. તે સમયે પુસ્તકાલય માટે મકાનની જરૂર પડતાં ભરૂચ પાલિકાએ તે સમયે 7000 રૂપિયામાં એક ઓરડો ખરીદ્યો હતો. આવી અનેક લીલી-સુકીના દિવસો જોયા બાદ ગત તા-૧૫મી એપ્રિલ ૧૯૧૦ના રોજ કલેકટર જે.એ.જી.વેલ્સ (આઈસીએસ)ના હસ્તે પુસ્તકાલયનું શિલારોપણ કરાયું. ગ્રાઉન્ડ ફલોરમાં પુસ્તકાલય અને ઉપલો માલ સર શાપુરજી ભરૂચા હોલના નામે ટાઉનહોલ બની ગયો.