અમદાવાદ: ઉત્તરાયણ (Uttarayana) નો તહેવાર નજીક આવી રહ્યો છે. જેને લઇને પતંગ રસિયાઓનો ઉત્સાહ પણ વધતો જાય છે. ઉત્તરાયણનાં તહેવારમાં ચાઇનીઝ દોરી (Chinese string) પર સરકાર દર વર્ષે પ્રતિબંધ મુકે હોય છે. તેમ છતાં રાજયનાં અનેક શહેરોમાં ચાઇનીઝ દોરીનું બેફામ વેચાણ થતું હોય છે. જ્યારે સરકાર આ મામલે માત્ર નામની જ કાર્યવાહી કરતી હોય તેવું લાગી રહ્યું છે. આ બાબતે ગુજરાત હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી. જેના હવે સરકાર એકશનમાં આવી ગઈ છે. અનેક શહેરો જીલ્લાઓમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરી રહેલા વેપારીઓ સામે કાર્યવાહી કરી રહી છે. તેમજ ચાઇનીઝ દોરી જપ્ત કરવાની પણ કામગીરી કરવામાં આવી રહી છે. જો કે આ વચ્ચે ગુજરાતમાં પહેલી વખતે એક એવો કિસ્સો સામે આવ્યો જેને જાણીને તમે પણ ચોંકી ઉઠશો.
ચાઇનીઝ દોરીથી પતંગ ચગાવ્યા તો ખેર નથી
પોલીસે અગાસી પર પતંગ ચગાવી રહેલા એક યુવકની ધરપકડ કરી છે. હવે તમને થતું હશે કે પતંગ ચગાવવા પર તો કોઈ પ્રતિબંધ નથી તો પછી પોલીસે આ યુવકની ધરપકડ કેમ કરી? તો તમને જણાવી દઈએ આ યુવક ચાઇનીઝ દોરીથી પતંગ ચગાવી રહ્યો હતો જેના કારણે પોલીસે તેની ધરપકડ કરી છે. આ કિસ્સો અમદાવાદ શહેરમાં સામે આવ્યો છે. સમગ્ર ગુજરાતમાં પહેલી વખત અમદાવાદમાં ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવનાર વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ છે. શહેરના ઘાટલોડિયામાં ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવનાર સામે ફરીયાદ નોંધાઈ છે. જેમાં પોલીસે અજય વાઘેલા નામના યુવકની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
ચાઇનીઝ દોરીના ગેરકાયદેસર વેચાણની માહિતી આપવા નાગરિકોને અપીલ
અમદાવાદમાં ચાઇનીઝ દોરી મામલે 170 જેટલા કેસ નોંધવામાં આવ્યા છે. પોલીસે 200થી વધુ વેપારીઓની ધરપકડ કરી છે. આ ઉપરાંત પોલીસને ચાઇનીઝ દોરીના ગેરકાયદેસર વેચાણની માહિતી પણ આપવા માટે નાગરિકોને અપીલ કરવામાં આવી છે. જેના આધારે પોલીસ દ્વારા દરોડા પાડીને કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પહેલા માત્ર ચાઇનીઝ દોરીનું વેચાણ કરનાર સામે જ કાર્યવાહી કરવામાં આવતી હતી. પરંતુ હવે ચાઇનીઝ દોરીથી પતંગ ચગાવતા લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેથી હવે જો કોઈ વ્યક્તિ ચાઈનીઝ દોરીથી પતંગ ઉડાડશે તો પણ તેની ધરપકડ થશે.