Gujarat

189 ગુજરાતી ચલચિત્રોને સરકાર દ્વારા 47 કરોડની સહાય ચૂકવાઇ પણ 43 ફિલ્મોને સહાય ચૂકવવાની બાકી

ગાંધીનગર: ગુજરાતી (Gujarati) ચલચિત્રોને પ્રોત્સાહિત કરવા માટે રાજ્ય સરકાર હર હંમેશ પ્રતિબદ્ધ છે. રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં ૧૮૯ ગુજરાતી ચલચિત્રોને રૂ. ૪૭ કરોડની આર્થિક સહાય ચૂકવાઇ છે. ચાલુ વર્ષે ૪૩ ફિલ્મોને (Film) ટૂંક સમયમાં સહાય ચૂકવવામાં આવશે, તેવું વિધાનસભામાં રાઘવજી પટેલ જણાવ્યું હતું.

ગુજરાતી ચલચિત્રોને પ્રોત્સાહન આપવાની નીતિ અન્વયે ચલચિત્રોને ગ્રેડ અનુસાર સહાય અપાય છે. જેમાં A+ ગ્રેડ માટે રૂપિયા ૭૫ લાખ A ગ્રેડ માટે રૂ. ૫૦ લાખ, B ગ્રેડ માટે રૂ. ૪૦ લાખ, C ગ્રેડ માટે રૂ. ૩૦ લાખ, D ગ્રેડ માટે રૂપિયા ૨૦ લાખ, E ગ્રેડ માટે ૧૦ લાખ અને F ગ્રેડ કક્ષાની ફિલ્મને રૂ. ૫ લાખની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે.

રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં ૧૨૮ અરજીઓ મળી હતી તે પૈકી ૪૩ ફિલ્મોને સહાય ચૂકવવાના હુકમો કરી દેવાયા છે. બાકીની પડતર અરજીઓને સત્વરે સહાય ચૂકવાશે. પડતર અરજીઓની ચકાસણી કરવામાં આવી રહી છે. આ માટે અરજીદીઠ અંદાજે ૨૦૦ થી ૧૦૦૦ જેટલા વાઉચરો સહિતના ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવે છે. જેમાં થોડો સમય લાગે છે. નિર્માતાઓ દ્વારા જરૂરી દસ્તાવેજો યોગ્ય રીતે રજૂ ન કરતા વિલંબ થાય છે. આ માટે સરકાર દ્વારા સામેથી સંકલન કરીને પૂર્તતાની કામગીરી કરવામાં આવે છે. પૂર્તતા થયેથી સહાય ચૂકવાશે.

Most Popular

To Top