ગત સપ્તાહ દરમિયાન વિશ્વ માતૃભાષા દિવસ ઉજવાઇ ગયો. આપણી ગુજરાત સરકારે ખૂબ સરસ નિર્ણય લીધો કે ગુજરાત રાજ્યમાં દરેક બોર્ડ કે હોર્ડીંગો વગેરે ગુજરાતી ભાષામાં હોવાં અનિવાર્ય છે. ગુજરાતી ભાષાનું જતન કરવું એ આપણી ફરજ છે. પ્રાથમિક શિક્ષણ ગુજરાતીમાં જ આપવું જોઇએ એ અંગે ઘણું બધું લખાયું છે. બાળકોને પ્રાથમિક શિક્ષણ અંગ્રેજીમાં જ આપવું જોઇએ એ અંગેનો મોહ દિવસે દિવસે વધતો જાય છે. અંગ્રેજી માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓ ન તો શુધ્ધ ગુજરાતી બોલી શકે છે કે લખી શકે છે. થોડાંક વર્ષો પહેલાં ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્ઞાનસત્ર નવસારી ખાતે યોજાયું હતું. ત્યારે ગુજરાતી ભાષાના ખૂબ જાણીતા એક ચિંતકે ચિંતા વ્યકત કરી હતી કે ગુજરાતી ભાષા ધીરે ધીરે નાબૂદ થશે. જો કે હું એમના એ વકતવ્યથી ત્યારે પણ સહમત ન હતો અને આજે પણ નથી. આપણા ગુજરાત રાજયમાં છેક છેવાડાના માનવીઓ પોતાનું જે પણ શિક્ષણ પ્રાપ્ત કરે છે એ ગુજરાતી ભાષામાં જ કરે છે.
ગુજરાતી ભાષા છેક આહવા, ડાંગ, ઉમરગામથી લઇને દાહોદ, સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી અલગ અલગ લહેજામાં બોલાય છે જેને કોઇ દૂર કરી શકે નહીં. ઇન્ફરમેશન ટેકનોલોજી અને સ્માર્ટ ફોનના કારણે એમ કહેવાય છે કે લોકોનું ગુજરાતી વાંચન ઘટી ગયું છે. જી ના, આપ સોશ્યલ મીડિયા પર ગુજરાતી સાહિત્ય પર ધ્યાન ધરશો તો ગુજરાતી ભાષામાં સોશ્યલ મીડિયા દ્વારા પણ એટલું બધું પીરસાય છે કે જેનો અંત નથી. નવસારી સયાજી લાયબ્રેરી અને શિક્ષકો અને શિક્ષણપ્રેમીઓ દ્વારા સંચાલિત ગૃપ આનંદાલય દ્વારા પણ દર અઠવાડિયે ગુજરાતી ભાષા અંગે ખૂબ સુંદર વેબીનારોનું આયોજન કરવામાં આવે છે જે આપ ફેસબુક કે યુ ટયુબ દ્વારા મેળવી શકો છો. શાળા કોલેજના વિદ્યાર્થીઓ શુધ્ધ ગુજરાતી ભાષા બોલી કે લખી શકે એ માટે પ્રયત્નશીલ રહેવું જરૂરી છે. હવે જીપીએસસી જેવી અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ હવે ગુજરાતી ભાષામાં જ લેવાય છે. ગુજરાતી ભાષા જીવંત છે અને જીવંત રહેશે એમા કોઇ શંકા નથી. સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી- ઉમાશંકર જોશી.
નવસારી – નાદીર ખાન – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.