Business

ગુજરાતી ભાષાને પાળવાની છે પાડવાની નથી

ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે. આપણે ઘરમાં બોલાતી માતૃભાષા કહીએ છીએ, પિતૃભાષા નથી કહેતા. કદાચ, બાળક સૌથી પહેલો શબ્દ બોલતા શીખે છે તે માને સંબંધિત હોય છે. કોઈ કહે- મા, કોઈ કહે- બા, કોઈ કહે- અમ્મા, કોઈ કહે- મમ્મી તો કોઈ કહે મોમ.
બાળકનો સૌથી પહેલો પરિચય જન્મ પછી દુનિયામાં માતાની છાતી સાથે થાય છે અને તે વખતે માતા દ્વારા થતા પ્રત્યાયન સાથે પણ થાય છે. માતાના હોઠ ફફડે છે તેને બાળક ટગર-ટગર જુએ છે અને સાંભળીને શીખવાનો અને સમજવાનો પ્રયત્ન કરે છે. બાળકની માતૃભાષા અનોખી જ હોય છે. તે પાણી નથી કહેતું. ભૂ કહે છે. તે રકાબી નથી કહેતું, તે રબાકી કહે છે. તે નીંદર કે ઊંઘ નથી કહેતું, નીની કહે છે. તે શૌચ કે લેટ્રિન નથી કહેતું, તે છી કહે છે. તે પેશાબ કે યુરિન નથી કહેતું, તે પીપી કહે છે.


શરૂઆતમાં તે એક-એક શબ્દ જ બોલે છે. ધીમેધીમે તેને વાક્યમાં રૂપાંતરિત કરતા શીખે છે. આ એક-એક શબ્દ જ કોઈ પણ ભાષા શીખવા માટેના મહત્ત્વના છે. ભૂઆ (પાણી), નીની, છી…આ રીતે જો ભાષાને શીખવવામાં આવે તો ભાષા જલદી આવડી જાય. પરંતુ આપણે ત્યાં ભાષા શીખવવામાં વ્યાકરણને એટલું મહત્ત્વ આપવામાં આવે છે કે બાળક કંટાળી જાય છે. તેને પ્રત્યય, કર્તા, ક્રિયાપદ, સંજ્ઞા, વિશેષણ, કર્મણિ, કર્તરીની ખબર પડતી નથી.
જોડણીના નિયમો પણ રટાવી દેવાય છે. તેને હાસ્યની સાથે જોડીને કેમ ન સમજાવાય? હું એક સમાચારપત્રમાં પ્રથમ પૃષ્ઠનો તંત્રી હતો ત્યારે મારા સાથી મિત્રોને સમજાવવા રમૂજી ઉદાહરણ આપતો, ‘બીમારી’માં બંને બ અને ર દીર્ઘ આવે કારણ કે દરેકને પોતાની ‘બીમારી’ મોટી જ લાગે. ‘પતિ’માં ત હૃસ્વ ઇ અને ‘પત્ની’માં ન દીર્ઘ ઈ સાથે આવે કારણ કે પતિ અને પત્નીમાં પત્નીનું જ ચાલે. જો કર્તા સ્ત્રી કે નાન્યતર જાતિ હોય તો ક્રિયાપદમાં ચાંદલો મૂકી દેવાનો- પછી સીતાજી રાવણ તરફ ભિક્ષા દેવા આગળ વધ્યાં.
સ્વતંત્રતા પછી અને તેમાંય વિશેષ રીતે, ગુજરાત અલગ રાજ્ય થયું તે પછી ગુજરાતી ભાષાનો મહિમા સચવાયો. ગાંધીનગરમાં વિસ્તારોના નામ ‘ક’, ‘ખ’ વગેરે પડ્યા. અમદાવાદમાં નરોડા પાટિયા કે સુરેન્દ્રનગરમાં ટાવર ચોક છે, પરંતુ અમદાવાદમાં હવે નવા વિસ્તારોના નામ ‘બોપલ ઍપ્રૉચ’, સરકાર સંચાલિત બીઆરટીએસ અને સ્થળ નિર્દેશક બૉર્ડમાં છે. ગણિત, વિજ્ઞાનથી લઈને પાઠ્યપુસ્તકોમાં ગુજરાતી ભાષામાં સારો અનુવાદ થયો. પરિણામે, ૧૯૮૦ના દાયકા સુધીની પેઢીને અવયવ, અવયવી, વિભાજીત, અવિભાજીત, પૂર્ણાંક, કલનશાસ્ત્ર, સંકલન, વિધેય, સંમેય પદ, ક્રમચય-સંચય, પ્રમેય, ચતુષ્કોણ, જેવા આગવા અને મૌલિક શબ્દો મળ્યા. વિજ્ઞાનમાં ઘન, પ્રવાહી, વાયુ, ઘનતા, ગુરુત્વાકર્ષણ, તરંગો, પૃષ્ઠતાણ, કેશાકર્ષણ, બાષ્પીભવન, નિસ્યંદન, પૃથક્કરણ, કસનળી, સૂક્ષ્મદર્શક યંત્ર, કોષ, પરમાણુ, અણુ, સંયોજન, આવર્ત કોષ્ટક, પરમાણુ ભાર, ઉચ્ચાલન, કાર્બનિક રસાયણ શાસ્ત્ર, ગતિ, વેગ, પ્રવેગ, બળ, ઊર્જા, વિદ્યુત પરીપથ, વિદ્યુત પ્રવાહ, દ્રવ્ય, ઉષ્મા… જેવા શબ્દો મળ્યા.
જો બાળકને ગુજરાતી બોલતા અને વાંચતા નહીં આવડે તો ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધારની એ માનવતા, ખુમારી, વટ, વચન, વાત્સલ્ય, પ્રેમ, ધીંગાણાની વાતો ક્યાંથી સમજાશે? સોળ વર્ષની ચારણકન્યાની વીરતા કેમ કરીને એ સમજશે? શિવાજીને શિવાજી બનાવનાર જીજાબાઈનું હાલરડું નહીં સમજાય. ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલમાં બહેનની લાગણી કે કોણ હલાવે લીમડી કોણ ઝુલાવે પીપળી, ભાઈની બહેની લાડકી, ભઈલો ઝુલાવે ડાળખીમાં ભાઈનો બહેન પ્રત્યે પ્રેમ કેમ કરીને સમજાશે? એ પેલી ‘કુછ મીઠા હો જાયે’વાળી ચોકલેટનો પ્રેમ નથી. ‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ’ના શબ્દોના અર્થ વગર ભાવ કેવી રીતે સમજાશે? ‘કહે મા, મીઠી લે હવે ભાત આપું’નો કરુણ રસ કે ‘નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયાં છે’નો પ્રેમ રસ સ્પર્શશે? ‘પછી શામળિયાજી બોલ્યા, તુંને સાંભરે રે? હા જી, નાનપણનો નેહ મુને કેમ વીસરે રે?’તો કેમ કરીને સમજાય કારણકે આમાં મુને અને તુને તો આજે બોલાતું જ નથી.
પોરો ખાવો એટલે શું? થાકોડો એટલે શું? ગોધૂલિવેળા એટલે શું? પ્રહર અને પહોર એટલે શું? શિરામણ, મહેરામણ અને નીંદામણનો તફાવત શું? આજે ભલે ઑનલાઇન યુપીઆઈ પેમેન્ટ કરીએ પરંતુ જો ગુજરાતી ભાષા જાણતા હોઈશું તો ‘મારી હુંડી સ્વીકારો મહારાજ રે’માં ‘હુંડી’નો અર્થ સમજાશે. અને તે સમયની અર્થવ્યવસ્થા પણ સમજાશે. છડા અને અછબડા વચ્ચેનો તફાવત શું? ગળાનો ચેઇન અને સુખ-ચૈન બંનેમાં ચેઇન-ચૈન વચ્ચે તફાવત છે. બાળકને છીંક આવે ત્યારે ‘ગૉડ બ્લેસ યૂ’ કરતાં ‘ખમ્મા’માં વધુ મજા છે, પોતીકાપણું છે. અંકલ અને આંટી કરતાં, કાકા, કાકી, ફઈ, ફુઆ, મામા, મામી, માસા, માસીમાં વધુ સ્પષ્ટતા છે.

ડેડ અને મોમ કરતાં ભાઈ-બા અથવા બાપૂજી-બામાં વધુ સજીવતા લાગે છે. ટીચર એક પ્રૉફેશન લાગે છે જ્યારે શિક્ષકમાં ગુરુ તરીકે શિક્ષણ અને સંસ્કાર આપવાની ભાવના સમાહિત છે.
ગુજરાતીઓને અંગ્રેજી નથી આવડતું એવા ટોણા એટલા લાગ્યા કે અંગ્રેજી માધ્યમનો મહિમા વધી ગયો. ગુજરાતી માધ્યમની શાળાઓ દીવો લઈને શોધવા જવી પડે તેટલી ઓછી છે. આજે ગુજરાતીઓને આજે નથી બરાબર અંગ્રેજી આવડતું, ગુજરાતી તો સાવ નથી આવડતું. ‘ળ’ક્યાં આવે? ‘ડ’ક્યાં આવે? ‘ણ’ક્યાં આવે? ‘પાળવું’ અને ‘પાડવું’ બંને સાવ જુદા અર્થવાળા છે. ‘મેળો’ અને ‘મેડા’વચ્ચેનો તફાવત ‘ફ્લૉર’ની ભાષા સમજતા લોકોને સમજવો અઘરો છે. કૂતરો પાળવો કહેવાય. પાટીમાં અક્ષર પાડવો કહેવાય. (જોકે આજે તો પાટી પણ નથી રહી. સીધી નૉટબુક આવી જાય છે.)
ગુજરાતીને શિક્ષણમાં મરજિયાત બનાવીને તેનો છેદ જ ઉડાવી દેવાયો છે. સમાચારપત્રોથી માંડીને ફિલ્મોમાં ગુજરાતીનું ગળું વધુ ને વધુ ઘોંટાઈ રહ્યું છે. ગુજરાતી ફિલ્મોનાં નામો અંગ્રેજીમાં રાખવામાં આવે છે- ‘જય માતાજી-લેટ્સ રૉક’, ‘જલસો: અ ફેમિલી ઇન્વિટેશન’, ‘ઓમ્ મંગલમ્ સિંગલમ્’, ‘આંટીપ્રિન્યૉર’, ‘ડીયર ફાધર’… …એલાવ, એટલું તો વિચારો કે ગૂગલમાં તમારી ફિલ્મનું નામ શોધવું હશે તો આ નામો લખવાથી ગૂગલેય મૂંઝાઈ જશે કે કયું બતાવું? અંગ્રેજી કે ગુજરાતી?
ગુજરાતી કલાકારોને ફિલ્મોમાં રૉમન સ્ક્રિપ્ટમાં સંવાદો લખીને આપવા પડે છે તે તો કેવી હદ કહેવાય! પટેલનો ઉચ્ચાર પઠેલ કરે ત્યારે હિંસક વિચારો ન આવે? અને કલાકારો અથવા તો ઉદ્યોગ-ધંધા ક્ષેત્રના લોકો પાછા ઇન્ટરવ્યૂ આપે ત્યારે ચાર આખાં વાક્યો માંડ ગુજરાતીમાં બોલે ! અમદાવાદ, સુરતમાં તો અજાણ્યા ગુજરાતીઓ પણ વાતની શરૂઆત હિન્દીથી કરે! આઠ ધોરણ પાસ હર્ષભાઈ સંઘવી વિશ્વ આર્થિક મંચ પર અંગ્રેજીમાં સારું ભાષણ કરી આવ્યા તે જેટલા હરખના સમાચાર બને છે તેટલા જ હરખના સમાચાર એમ.એ., એમ. કૉમ, એમ.એસસી. કે યુપીએસસી ઉત્તીર્ણ યુવાન સારું ને ચોખ્ખું ગુજરાતી સ્પષ્ટ બોલે તેના થાય તેવા દિવસો આવ્યા છે. બાકી, કહેવાતી નિરક્ષર પ્રજાએ તો ગુજરાતી જાળવી જ છે.
સરકારના ખરડા પણ હવે અંગ્રેજી નામોવાળાં! પ્રૉહિબિશન ઍક્ટ, લેન્ડ ગ્રેબિંગ ઍક્ટ…મની લૉન્ડરિંગ…. અમદાવાદના બજેટમાં ‘આઈકૉનિક રૉડ’ અને ‘એલિવેટેડ કૉરિડૉર’ બનાવવા જાહેરાતો થાય છે. આવાં નામોથી વજન પડે છે, યૂ નૉ ! ગુજરાતમાં, દુકાનો-રેસ્ટૉરન્ટનાં નામો ગુજરાતી નથી; બૅલીફ, ટેસ્ટ ઑફ ફલાણા, ફલાણી સ્વીટ્સ! અને પાટિયા પર ગુજરાતીમાં નહીં, અંગ્રેજીમાં લખાય છે. સમાચારપત્ર-સામયિકોમાં પણ હવે રૉમન સ્ક્રિપ્ટ ઘૂસાડાય છે. વડા પ્રધાનના બદલે પ્રધાનમંત્રી અને તેમાંય PM, મુખ્ય પ્રધાનના બદલે મુખ્ય મંત્રી અને તેમાંય CM! ગીતના બદલે સૉંગ. ‘સમર્પિત કર્યું’ના બદલે ‘ડેડિકેટ કર્યું’.
જોકે માઇક્રૉસૉફ્ટ અને ગૂગલે ગુજરાતી કીબૉર્ડ આપીને, આદિત્ય ગઢવી, ડાયરાના કલાકારો અને સૉશિયલ મીડિયાના કારણે આજે ગુજરાતી હજુય જીવંત છે. ‘મોરેમોરો’, ‘રાણો રાણાની રીતે’, ‘હા મોજ હા’ જેવા શબ્દપ્રયોગો પ્રચલિત બને છે. ‘હતો હું સૂતો પારણે પુત્ર નાનો’ કે ‘ગોતી લો’ જેવી કવિતાઓ પ્રચલિત બને છે.

Most Popular

To Top