આપણે ચૂંટેલા પ્રતિનિધિઓ ગુજરાતી શાળામાં પ્રવેશોત્સવ, ગણેશોત્સવ (નાટકોત્સવ)ની ભજવણી અર્થે ગુજરાતી શાળામાં લટાર મારે છે ત્યારે બોલે છે કે વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષામાં ‘ઢ’ થઇ ગયા છે. આ માટે ભાજપ સરકારના જે તે વખતના શિક્ષણપ્રધાન અને શિક્ષણ સાથે સંકળાયેલા અધિકારીઓને અને જે તે ધારાસભ્યોને અભિનંદન આપવા ઘટે. નવી શિક્ષણ નીતિના નામે વિદ્યાર્થીઓ ચિત્રકામ કરતા હોય એમ પુસ્તકમાં શબ્દ-શબ્દ તેના વળાંકે જોઇને લખતા કર્યા. પરંતુ એણે શું લખ્યું એ વાંચતાં આવડતું નથી. કારણ કે બોલીને કક્કો-બારાખડી તો શીખ્યો જ નથી. પહેલા ધોરણ અને બીજા ધોરણમાં ભણતાં બાળકો સાથે થોડો સમય પસાર કરતા અને બેસતો આ બાબત જાણવા મળી.
વિદ્યાર્થીઓને ફક્ત ગુજરાતી બોલતાં આવડે છે, પરંતુ જોડાક્ષરવાળા શબ્દો લખતાં કે વાંચતા તો આવડતાં જ નથી. એ માટે જાગ્યા ત્યાંથી સવાર જાણી સ્લેટ, પેન, દેશીહિસાબ અને માવડી સાથે બોલીને કક્કો-બારાખડી શીખે તેમ જ શબ્દો લખે તો જ આવડે. આપણા નેતાઓને એવો વિચાર ઉપડે કે રાતોરાત વિદ્યાર્થીને એકદમ બોલતો અને વાંચતો કરી દેવો, પણ વગર વિચાર્યે આવા અખતરા કરવાથી ભારે નુકસાન થયું. ઘણી શાળાઓમાં પૂરતા શિક્ષકો હોતાં નથી તેમજ શિક્ષકોને સરકાર વેઠિયા સમજે એટલે જેવી તેવી કામગીરીમાં જોતરી રાખવા અને વિદ્યાર્થીઓને શિક્ષણથી વંચિત રાખવા પછી ભવાયોત્સવ થાય.
ચીખલી – કિરીટભાઇ સોલંકી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.