વલસાડ : વલસાડ (Valsad) જિલ્લામાં હવે બોગસ ડોક્ટરોને (Doctor) પ્રેક્ટિસ કરવી ભારે પડી રહી છે. જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં બોગસ તબીબોને નેસ્તનાબુદ કરવા માટે આરોગ્ય શાખા રોજે રોજ બોગસ ડોક્ટરો પર રેડ (Raid) પાડી રહી છે. ત્યારે હવે વધુ બોગસ ડોક્ટરો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
- કપરાડાના સિલ્ધામાંથી એક ઝડપાયો, ૩ દવાખાનું બંધ કરી પલાયન
જિલ્લા કંટ્રોલ રૂમ ખાતે જાગૃત નાગરિક દ્વારા બોગસ તબીબ અંગે માહિતી મળતા કપરાડાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સિલ્ધા વિસ્તારમાં આવેલા બામણવાડા ગામે બિદ્યૃત સારવારના ક્લિનિક પર હેલ્થ ઓફિસર અને પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં બોગસ તબીબ બિદ્યૃત સરકાર માન્ય ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતાં તેની વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરાઈ છે. જ્યારે અન્ય ૩ બોગસ ડોક્ટર દવાખાનુ બંધ કરી પલાયન થઇ ગયા હતા. જેની સામે પણ તપાસ ચાલુ છે.
ડીડીઓ મનીષ ગુરવાનીને એક જાગૃત નાગરિકે બોગસ ડોકટર અંગેની માહિતી ઇ-મેલ દ્વારા કરતા તેમના માર્ગદર્શન હેઠળ વલસાડના તિથલ રોડ પર ક્લિનિક ચલાવતા બોગસ તબીબ પ્રમોદકુમાર સુરતી વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરાઈ હતી. ત્યારબાદ ડીડીઓને સોશિયલ મીડિયાનાં માધ્યમથી માહિતી મળતા ધરમપુર તાલુકાના કાંગવી ગામે પણ બોગસ ડોક્ટર બિશ્વાસ મિથુન રાજેન્દ્રનાથ સામે ફરિયાદ થઈ હતી. આ બોગસ તબીબ સામે ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર તથા ધી ઇન્ડીયન મેડિકલ કાઉન્સીલ એકટ હેઠળ ગુનો નોંધી તેઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
24 બોગસ તબીબ સામે એફઆઈઆર, સૌથી વધુ વાપીમાં
વર્ષ 2021થી આજદિન સુધી વલસાડ જિલ્લામાં કુલ 24 બોગસ ડોક્ટરો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં વલસાડ તાલુકામાં 1, વાપી તાલુકામાં 11, ઉમરગામ તાલુકામાં 3, ધરમપુર તાલુકામાં 4 અને કપરાડા તાલુકામાં 5 બોગસ ડોકટરનો સમાવેશ થાય છે. સૌથી વધુ વાપી તાલુકામાં બોગસ તબીબોનો રાફડો ફાટયો છે. નોંધનીય છે કે, ગુજરાત રાજયમાં અધિકૃત રીતે ડોક્ટરની પ્રેક્ટિસ કરવા માટે ગુજરાત રાજ્ય મેડિકલ કાઉન્સીલનું રજીસ્ટ્રેશન હોવું ફરજીયાત છે.