Business

ટેક્સટાઇલ પાર્કની સ્થાપના માટે હવે 10ને બદલે 15 કરોડની સહાય

ગાંધીનગર: ગુજરાત (Gujarat) ટેક્સટાઇલ (Textile) પોલિસી ૨૦૧૨ અંતર્ગત કુલ ૧૩૭૪ એકમોને મંજૂરી આપવામાં આવી છે. જેના થકી રાજ્યમાં કુલ ૩૫૦૦૦ કરોડનું મૂડી રોકાણ (Invest) આવેલું છે.

અમદાવાદ તેમજ રાજકોટ જિલ્લામાં ટેક્સટાઇલ એકમોમાં વેટ-એસ.જી.એસ.ટી. સહાયની ચુકવણી અંતર્ગત પૂછવામાં આવેલા પ્રશ્નના લેખિત જવાબમાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, રાજ્યભરમાં ૧૦,૦૦૦ કરોડથી વધુ રકમની સહાયની ચુકવણી કરવામાં આવી છે. છેલ્લા બે વર્ષ દરમિયાન અમદાવાદ જિલ્લામાં ગુજરાત ટેક્સટાઇલ પોલિસી ૨૦૧૨ હેઠળ ૧,૧૬૬ દાવા-અરજી આવી છે. જે અંતર્ગત ૮૧૬.૦૬ કરોડ રૂપિયાની સહાયની ચુકવણી કરવામાં આવી છે. આજ રીતે રાજકોટ જિલ્લામાં ૫૪૨ અરજી માં ૨૧૪.૧૦ કરોડ સહાયની ચુકવણી કરવામાં આવી છે. આ પોલિસી હેઠળ રાજકોટ જિલ્લામાં ૧૩૦ એકમોને મંજૂરી આપવામાં આવી છે જેનાથી ૨૩૩૦ કરોડનું મૂડી રોકાણ આવ્યું છે.

ગુજરાત ટેક્સટાઇલ પોલિસીમાં સહાય સમયગાળા અંતર્ગત જણાવ્યું હતું કે ૫/૯/૧૨ થી ૪/૯/૧૭ સુધી અમલી હતો જેને એક વર્ષ વધુ વધારવામાં આવ્યો છે. હાલ આ પોલિસીમાં મંજૂર થયેલ એકમોમાં દાવાઓની ચૂકવણી ચાલુ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતો દ્વારા ઉત્પાદિત કપાસ પહેલા દક્ષિણના રાજ્યોમાં મોકલવામાં આવતું પરંતુ રાજ્યના ટેક્સટાઇલ પોલિસી ૨૦૧૨નો ઉદ્દેશ ૨૫લાખથી વધુ સ્પિંડલ સ્થાપવાનો હતો જેની સામે ૪૬ લાખથી વધુ સ્પિંડલ સ્થાપિત કર્યા છે. જેથી હવે ખેડુતોને અહીં જ માર્કેટ મળી રહે છે. ૨૦૧૨માં ટેક્સટાઇલ પાર્કની સ્થાપના માટે ૧૦ કરોડની મર્યાદામાં સહાય આપવામાં આવતી હતી જે હવે પંદર કરોડની સહાય ઉપરાંત કામદારોના છાત્રાલય બનાવવા માટે રૂપિયા ૭.૫ કરોડ સુધીની સહાય આપવામાં આવે છે.

અગાઉ એટલે કે ૨૦૧૨માં MSME પાંચ વર્ષ માટે પાંચ ટકા લેખે વ્યાજ સહાય આપવામાં આવતી હતી. જે હવે ૬ ટકા કરવામાં આવી છે. ૨૦૧૨માં માત્ર વિવિંગ અને સ્પિનિંગ એકમોને પાંચ વર્ષ માટે એક રૂપિયો પ્રતિ યુનિટ ની સહાય આપવામાં આવતી હતી. હવે એલ.ટી .પાવર કનેક્શનમાં ત્રણ રૂપિયા પ્રતિ યુનિટ તેમજ એચ.ડી .પાવર કનેક્શનમાં રૂપિયા બે પ્રતિ યુનિટ સહાય કરવામાં આવી રહી છે.

Most Popular

To Top