ગુજરાતના સુરેન્દ્રનગરમાં (Surendranagar) એક નદી (River) પરનો એક પુલ અચાનક ધરાશાયી (Bridge Collapsed) થઈ ગયો હતો. આ પુલ (Bridge) તૂટી પડવાને કારણે ભારે હલચલ મચી ગઈ છે. વડવાણ તાલુકાના વસ્તડી અને ચૂડા ગામને જોડતો મુખ્ય પુલ તૂટી ગયો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં 10થી વધુ લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા હોવાની માહિતીએ ત્યાં ખળભળાટ મચાવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ પુલ ત્યારે તૂટી પડ્યો જ્યારે એક ડમ્પર સાથે બે બાઇક આ પુલ પરથી પસાર થઈ રહ્યા હતા. પુલ અચાનક ધરાશાયી થવાને કારણે લગભગ 10 લોકો ફસાયા હોવાની આશંકા છે.
વસ્તડી નજીક પુલ તૂટ્યો હોવાની ઘટના સામે આવી છે. નેશનલ હાઇવેથી ચુડાને જોડતો પુલ તૂટ્યો છે. પુલ પરથી પસાર થતું ડમ્પર સહિતના વાહનો પાણીમાં ગરકાવ થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. નદીમાં ખાબકેલા વાહન ચાલકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. જોકે 6 લોકોનું રેસ્ક્યુ કરાયું હોવાનું પણ જાણવા મળ્યું છે.
અંદાજીત 10થી વધુ લોકો પાણીમાં ગરકાવ થયા હોવાની માહિતી છે. સરપંચ સહિતના અગ્રણીઓ સ્થળ પર પહોંચ્યા છે અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. પુલ તૂટતાં લોકોના મનમાં અનેક સવાલો ઉભા થયા છે. શું નબળા બાંધકામને કારણે આ પુલ તૂટ્યો છે. કારણ કે નબળા બાંધકામ અંગે સ્થાનિકોએ ફરિયાદ કરી હતી છતાં તંત્રએ ધ્યાન ન આપ્યું હોવાનું પણ આ દુર્ઘટના બાદ સામે આવ્યું છે.