ગુજરાતના સુરતમાં પ્રથમવાર રજૂ થઈ કાષ્ઠ ઉપર અગ્નિની અદભૂત ચિત્રકારીની કળા – Gujaratmitra Daily Newspaper

SURAT

ગુજરાતના સુરતમાં પ્રથમવાર રજૂ થઈ કાષ્ઠ ઉપર અગ્નિની અદભૂત ચિત્રકારીની કળા

સુરતઃ ઇજિપ્ત અને આફ્રિકાના દેશોમાં લોકપ્રિય પાયરોગ્રાફીની કળાથી બનતા ચિત્રો પ્રથમવાર ગુજરાતમાં સુરત ખાતે યોજાયેલી સમિટમાં લાઈવ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. સુરતના શિક્ષક રવિ રાદડિયા વેસ્ટ લાકડાની પ્લાયને બાળી પાયરોગ્રાફી આર્ટ કળા શીખીને અનેક ચિત્રો બનાવીને આત્મનિર્ભર બન્યા છે. રવિ રાદડિયાએ કહ્યું હતું કે, મને નાનપણથી જ આર્ટ કલામાં રૂચિ હતી. એક વાર પાયરોગ્રાફી આર્ટની બનાવતાનો વિડિયો યુટ્યુબ પર જોયા અને તે બનાવવાની શરૂઆત કરી. જેમાં સફળતા મળતા શિક્ષકની નોકરી છોડી આર્ટ-કલાને જ પોતાનો બિઝનેશ બનાવ્યો છે. દેશમાં આ કળાની લોકપ્રિયતા વધતા હવે દિલ્હી મુંબઇ અને વિદેશોમાંથી પણ ઓર્ડર મળી રહ્યા છે. કલાના માધ્યમથી દર મહિને 35 હજારની કમાણી કરી રહ્યો છું. પાયરોગ્રાફી અગાઉ પ્રાચીન ઈજિપ્તવાસીઓ અને આફ્રિકન આદિજાતિ સમુદાયોમાં આ કલા લોકપ્રિય હતી. જેમાં લાકડાને સળગાવીને ફ્રીહેન્ડથી સુશોભન કલાના રૂપમાં ઉપયોગ થાય છે. હોટ ટાઇપિંગ (પાયરોટાઇપ), ઘર્ષણ, એસિડ અને સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને પાયરોગ્રાફી કરવામાં આવે છે.

રવિ રાદડિયાએ વધુમાં કહ્યું કે, હું નાનપણથી જ આર્ટના વિષયમાં રસ ધરાવતો હતો. પરંતુ સમયની સાથે બી.એસ.સી સુધીનો અભ્યાસ પુર્ણ કર્યા બાદ શાળા શિક્ષક તરીકે નોકરીની સાથે પેઇન્ટિંગ બનાવવાનું શરૂ કર્યું હતું. એક દિવસ મને પાયરોગ્રાફી આર્ટથી ચિત્ર બનાવવાનો વિચાર આવ્યો જેથી મેં યુટ્યબના પર વિડિયો જોયો જેમાં લાકડાને બર્નિંગ કરીને આર્ટ બનાવવામાં આવતા હતા. આ આર્ટકલા ભારત માટે એકદમ નવી હતી. એટલે વિડિઓ જોઈને અલગ અલગ પ્રયોગ કરીને આ પ્રકારનુ આર્ટ શીખવાનું શરૂ કર્યું. ત્યારબાદ પાયરોગ્રાફી આર્ટના અભ્યાસની તપાસ કરી તો ભારતમાં કોઇ પણ કેન્દ્ર ન હતું. જેથી જાત મહેનત અને પ્રયોગો કરી પાયરોગ્રાફી શીખ્યો છું. જેથી શિક્ષકની નોકરી છોડી હવે આ ક્ષેત્રે આર્ટ બિઝનેસને આગળ વધારી રહ્યો છું. પાયરોગ્રાફી આર્ટ પર કામ કરતા મને બે વર્ષ જેવો સમય વિતી ગયો છે. આખરે મહેનત રંગ લાવી પાયરોગ્રાફી આર્ટની કલાથી હું પોતે આત્મનિર્ભર બન્યો છું. સારી એવી કમાણી થઈ રહી છે.

પાયરોગ્રાફી આર્ટ કોને કહે છે?
રાદડીયા કહે છે કે,પાયરોગ્રાફી આર્ટ એટલે કે લાકડાની નેચરલ પ્લાય ઉપર રેણીયા અને લાઈટર વડે લાકડાને બાળીને કરવામાં આવતુ આર્ટ. આ કલામાં કોઈ પણ પ્રકારના કલરનો ઉપયોગ કરવામાં આવતો નથી માત્રને માત્ર લાકડાની પ્લાયને બાળીને ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે.

Most Popular

To Top