ગાંધીનગર: (Gandhinagar) ગરમ અને ભેજવાળી હવાના કારણે સૌરાષ્ટ્ર તથા કચ્છમાં (Saurashtra And Kutch) હવે ગરમી વધવા લાગી છે. આગામી 5 દિવસ દરમ્યાન સૌરાષ્ટ્ર તથા કચ્છમાં દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમી વધવાની શકયતા રહેલી છે. જ્યારે ચક્રવાતી હવાના દબાણની સિસ્ટમની અસર હેઠળ ગુજરાતમાં આગામી 11થી 13 એપ્રિલ દરમ્યાન માવઠું થવાની વકી રહેલી છે.
- ઉનાળો ખીલવા લાગ્યો, સૌરાષ્ટ્રના મહુવામાં 40 ડિગ્રીથી હાહાકાર
- દ.ગુ., સૌરાષ્ટ્ર સહિતના 10 જિલ્લામાં 11 એપ્રિલથી માવઠાની સંભાવના
આજે દિવસ દરમ્યાન રાજ્યમાં સૌરાષ્ટ્રના મહુવામાં ગરમી વધીને 40 ડિગ્રીએ પહોંચી હતી. બીજી તરફ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ભરૂચ, સુરત, નવસારી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ તથા દિવમાં પણ માવઠુ થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
અમદાવાદના એરપોર્ટ કેમ્પસ સ્થિત હવામાન વિભાગના સત્તાવાર સૂત્રો મુજબ આજે અમદાવાદમાં 38 ડિ.સે., ડીસામાં 37 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 37 ડિ.સે., વડોદરામાં 37 ડિ.સે., સુરતમાં 37 ડિ.સે., વલસાડમાં 39 ડિ.સે., દમણમાં 37 ડિ.સે., ભૂજમાં 37 (2 ડિગ્રીનો વધારો) ડિ.સે., નલિયામાં 34 (1 ડિગ્રીનો વધારો) ડિ.સે., કંડલા પોર્ટ પર 34 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 39 ડિ.સે (3 ડિગ્રીનો વધારો)., અમરેલીમાં 39 ડિ.સે., ભાવનગરમાં 37 ડિ.સે. (2 ડિગ્રીનો વધારો)., રાજકોટમાં 39 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 39 ડિ.સે., મહુવામાં 40 અને કેશોદમાં 38 ડિ.સે. મહત્તમ તાપમાન નોંધાયું હતું.