Business

સુપ્રીમ કોર્ટે ગોધરા કાંડના 8 દોષિતોને જામીન આપ્યા, અન્ય 4ની અરજી ફગાવી

નવી દિલ્હી: ગુજરાતમાં (Gujarat) વર્ષ 2002 દરમ્યાન થયેલા ગોધરા કાંડમાં (Godhra kand) આજીવન કારાવાસની સજા કાપી રહેલા 8 દોષિતોને સુપ્રિમ કોર્ટે શુક્રવારે જામીન આપ્યાં હતાં. જો કે અન્ય 4 આરોપીઓની અરજીને નકારી કાઢી છે. જાણકારી મળી આવી છે કે કોર્ટે 17થી 18 વર્ષ જેલમાં સજા ભોગવી રહેલા આરોપીઓનો સજા ભોગવ્યાનો સમય અને ગુનામાં તેમની ભૂમિકાને ધ્યાનમાં લઈને જામીન અંગેનો નિર્ણય લીધો હતો. આ જ કેસમાં સોમવારે સુપ્રીમ કોર્ટે 11 દોષિતોની જામીન અરજીઓ ફગાવી દીધી હતી, જેમને ટ્રાયલ કોર્ટે મૃત્યુદંડની સજા ફટકારી હતી. જણાવી દઈએ કે ફેબ્રુઆરી 2002માં ગુજરાતમાં ગોધરામાં એક ટ્રેનના ડબ્બામાં 59 તીર્થયાત્રીઓને જીવીત સળગાવીને તેઓની હત્યા કરવામાં આવી હતી. જેના કારણે સમગ્ર રાજયમાં હિંસા ફાટી નીકળી હતી.

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ગુજરાત સરકાર માગણી કરી હતી કે, જે આરોપીઓને ફાંસીની સજાને આજીવન કેદમાં પરિવર્તિત કરવામાં આવી હતી, તે તમામ આરોપીઓને ફરીથી ફાંસીની સજા ફટકારવામાં આવે. ગોધરા કાંડમાં ટ્રેન પર પથ્થર ફેંકવા જેવી ધટનાને સામાન્ય ધટના સમજી ન શકાય તેમજ તેઓએ કહ્યું આ રેરેસ્ટ ઓફ રેર કેસ છે. જેમાં મહિલાઓ અને બાળકો સહિત 59 લોકો જીવતા સળગી ગયા હતા.

જણાવી દઈએ કે ટ્રાયલ કોર્ટે આ કેસમાં 31 લોકોને દોષિત ઠેરવ્યા હતા. જેમાંથી 11 આરોપીઓને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી, જ્યારે 20 લોકોને આજીવન કેદની સજા કરવામાં આવી હતી. આ પછી દોષિતોએ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી હતી. ગુજરાત હાઈકોર્ટે પણ 31 આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા. જો કે ફાંસીની સજા મળેલા 11 આરોપીઓની સજાને આજીવન કેદમાં પરિવર્તિત કરવામાં આવી હતી. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જેબી પાદરીવાલાની બેન્ચે આ જામીન અરજીઓ પર સુનાવણી કરી હતી. આ કેસમાં કુલ 31 દોષિતો હતા, જેમાંથી 15ની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. 8 દોષિતોને આજે જામીન મળી ગયા છે. 7 લોકોની જામીન અરજી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. અને એક દોષિતને ગયા વર્ષે ડિસેમ્બરમાં જ જામીન મળ્યા હતા.

Most Popular

To Top