Gujarat Main

ગુજરાતમાંથી હટ્યા પ્રતિબંધોઃ અમદાવાદ-વડોદરા સિવાય સમગ્ર રાજ્ય રાત્રિ કર્ફ્યૂમાંથી મુક્ત 

ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં ફક્ત બે શહેરોને છોડી સમગ્ર રાજ્યમાંથી કર્ફ્યુ (Curfew) હટાવી દેવાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગુરુવારે મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં કોરોના હળવો થતાં અને ત્રીજી લહેરમાં વધુ મોત ન નોંધાતા રાજ્યમાં પ્રતિબંધો (Restrictions) હટાવી દેવાયા છે. મિટિંગમાં પ્રવર્તમાન સ્થિતિમાં કોવીડ એપ્રોપ્રીએટ બિહેવિયર અને તકેદારી સાથે કેટલાક નિયંત્રણો હળવા કરવાનો તેમજ કોરોના ગાઇડલાઈનના નિયમોમાં વધુ છૂટછાટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે અનુસાર હવે રાજ્યના ફક્ત બે મહાનગરો અમદાવાદ અને વડોદરામાં રાત્રિ કર્ફ્યુ તા.18 ફેબ્રુઆરી થી તા.25 ફેબ્રુઆરી. દરમ્યાન દરરોજ રાત્રે 12થી સવારે 5 વાગ્યા સુધી અમલમાં રહેશે. 6 મહાનગર સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગરમાંથી નાઇટ કર્ફ્યૂ હટાવવામાં આવ્યો છે.

લગ્ન સમારોહ માટે હવે ડીજીટલ ગુજરાત પોર્ટલ ઉપર નોંધણી કરાવવાની રહેશે નહીં. રાજ્યમાં યોજાતા સામાજિક, રાજકીય, ધાર્મિક મેળાવડાઓ અને લગ્ન પ્રસંગોમાં ખુલ્લી જગ્યામાં આવા પ્રસંગો યોજાય ત્યારે જગ્યાની કુલ ક્ષમતાના 75 ટકા અને બંધ જગ્યાએ યોજાય ત્યારે જગ્યાની કુલ ક્ષમતાના 50 ટકા વ્યક્તિઓની મર્યાદામાં લગ્ન યોજી શકાશે. દુકાનો, કોમર્શિયલ સંસ્થાઓ, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટિંગ યાર્ડ, સાપ્તાહિક ગુજરીબજાર, હાટ, હેરકટિંગ શોપ, સ્પા-સલૂન, બ્યૂટિપાર્લર તથા અને વ્યાપારિક ગતિવિધિઓ રાત્રે 11 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. જોકે જે-તે દુકાન-ઓફિસના માલિક, સંચાલક, કર્મચારીઓ માટે રસીના બે ડોઝ ફરજિયાત રહેશે. જાહેર બાગ બગીચાઓ રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે. સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અનિવાર્ય રહેશે. જ્યારે જિમ, સિનેમા, વોટરપાર્ક, લાઇબ્રેરીમાં બેઠક ક્ષમતાના 50 % લોકોને જ મંજૂરી આપી શકાશે. ઓડિટોરિયમ કે એસેમ્બ્લી હૉલમાં પણ બેઠક ક્ષમતાના 50 % લોકોને મંજૂરી મળશે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડલાઈનના અનુપાલનને પરિણામે કોરોનાના કેસોની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં સ્થિતી પૂર્વવત બનવા તરફ જઈ રહી છે ત્યારે રાજ્ય સરકારે વેપાર-ઉદ્યોગ, નાના વેપારીઓ, ધંધા-રોજગાર કારોની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને આ છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો છે. બેઠકમાં મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ આરોગ્ય રાજ્ય મંત્રી મતી નિમિષાબેન સુથાર તથા મુખ્ય સચિવ પંકજકુમાર અને ગૃહના અધિક મુખ્ય સચિવ રાજકુમાર સહિતના વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા.

Most Popular

To Top