ગાંધીનગર: છેલ્લાં બે વર્ષથી વૈશ્વિક મહામારીને કારણે વિદ્યાર્થીઓના (Student) અભ્યાસ (Education) પર વિપરીત અસર થઈ છે. પરિણામે ઘણા વિદ્યાર્થીઓ નાપાસ (Fail) થયા છે. ત્યારે ધોરણ-૯ અને ૧૧માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પુનઃ પરીક્ષા (Reexam) લેવામાં આવે, તેવી માંગણી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય ડો. પ્રિયવદન કોરાટે કરી છે.
શિક્ષણ બોર્ડના સભ્ય ડો.પ્રિયવદન કોરાટે બોર્ડના અધ્યક્ષને પત્ર લખી ધોરણ-૯ અને ૧૧માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પુનઃ પરીક્ષા લેવા માટે માંગણી કરી છે. તેમણે જણાવ્યું છે કે, ગત એપ્રિલ-૨૦૨૨માં લેવાયેલી ધોરણ-૯ અને ૧૧ની પરીક્ષાઓમાં રાજ્યભરમાંથી ઘણા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. અગાઉનાં વર્ષોમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પુનઃ પરીક્ષા લેવામાં આવતી હતી. કોરોનાની વૈશ્વિક મહામારીને ધ્યાનમાં લઇ વિદ્યાર્થીઓના તથા શિક્ષણના હિતમાં ધોરણ-૯ અને ૧૧માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પુનઃ પરીક્ષા લેવા માટે જરૂરી કાર્યવાહી કરવી જોઈએ.