ગુજરાત: તૂર્કી (Turkey) અને સીરિયામાં (Siriya) ભૂકંપ (Earthquake) આવ્યા પછી સમગ્ર વિશ્વ તેની તબાહીની ચર્ચા કરી રહ્યું છે. સમગ્ર વિશ્વ તેનાથી થતી તમામ મદદ તેને મોકલી રહ્યું છે. ત્યારે હવે ભારતમાં (India) પણ ભૂકંપના આંચકાઓનો અનુભવ થઈ રહ્યો છે. રવિવારની બપોરે ગુજરાતની (Gujarat) ધરા ધ્રુજી હતી. ગુજરાતના રાજકોટમાં બપોરે 3 વાગીને 21 મિનિટે ભૂકંપ આવ્યો હતો. રાજકોટથી 270 કિલોમીટર દૂર ઉત્તર પશ્ચિમ તરફથી ભૂકંપ આવ્યા હોવાની જાણકારી મળી આવી છે. ઉપરાંત રિકટર સ્કેલ ઉપર આ ભૂકંપની તીવ્રતા 4.3 માપવામાં આવી છે. હાલ આ ભૂકંપના કારણે કોઈ પણ જાનહાનિ કે માલહાનિની જાણકારી સામે આવી નથી. ગયા અઠવાડિયે ગુજરાતના અમરેલીમાં ભૂકંપના આંચકા અનુભવવામાં આવ્યા હતા. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં જે ભૂકંપ આવ્યો હતો તેની તીવ્રતા 3.1 માપવામાં આવી હતી.
સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે હૈદરાબાદમાં નેશનલ જિયોફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સિસ્મોલોજી વિભાગના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. એન. પૂર્ણ ચંદ્ર રાવે ચેતવણી આપી છે કે ભારતના ઉત્તરાખંડ પ્રદેશ અને પશ્ચિમ નેપાળના ભાગમાં તુર્કી જેવો ભયાનક ભૂકંપ આવી શકે છે. જણાવી દઈએ કે હાલ તુર્કીમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે 45000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ડૉ. રાવના જણાવ્યા અનુસાર ભારતમાં ખાસ કરીને ઉત્તરાખંડનો હિમાલય પ્રદેશ જે પશ્ચિમ નેપાળને અડીને આવેલો છે તે સિસ્મિક ઝોન 4ની શ્રેણીમાં આવે છે. જમીનની અંદર થઈ રહેલા ફેરફારોને કારણે તૂર્કીમાં આવેલા ભૂકંપ જેવો જ ભૂકંપ આવવાનું નિશ્ચિત છે, પરંતુ તેની તારીખ કે સમય મર્યાદા કહી શકાતી નથી. ગુજરાતમાં આવી રહેલા આ ભૂકંપના કારણે સામાન્ય લોકોમાં હાલ ચિંતાનો વિષય ઉભો કર્યો છે. આ ઉપરાંત લોકો એવી ઘારણા કરી રહ્યાં છે કે આ કોઈ મોટી ઘટનાની આગાહી છે.