Gujarat

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં વરસાદ, જુનાગઢમાં બે ઈંચ, જામનગરમાં 1.6 ઈંચ

ગાંધીનગર: (Gandhinagar) વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના (Western Disturbance) કારણે રાજ્યમાં ફરી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજકોટ, જૂનાગઢ, અમરેલી સહિતના જિલ્લામાં વાદળછાયા વાતાવરણ સાથે મેઘરાજાની (Rain) ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. આજે રાજ્યમાં દિવસભર તીવ્ર ગરમી (Hot) અનુભવાઈ હતી.

  • નવરાત્રી પૂર્વે મેઘાની જમાવટ, જુનાગઢમાં બે ઈંચ, જામનગરમાં 1.6 ઈંચ વરસાદ ઝીંક્યો
  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 9 તાલુકામાં વરસાદ: રાજ્યમાં અન્યત્ર દેહ દઝાડતી ગરમી
  • સુરત સહિત અનેક શહેરોમાં 38 ડિગ્રી તાપમાને તોબા પોકારાવી
  • વરસાદ હવે નવરાત્રીના રંગમાં ભંગ પાડે તેવી આશંકા
  • રાજ્યમાં આગામી તા. 16મી ઓકટો. સુધીમાં હળવો વરસાદ થઈ શકે છે

રાજકોટ જિલ્લાના ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા પડ્યાં હતાં. ગોંડલ શહેરમાં જુદાજુદા વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. માર્કેટ યાર્ડમાં ભારે વરસાદને લઈને ખુલ્લામાં પડેલી મગફળી પલળી ગઇ હતી. રાજકોટ તાલુકાના મોવિયા સહિતના અનેક ગામોમાં વરસાદ વરસ્યો હતો. ગોંડલ પંથકમાં વરસાદને લઈને કપાસ અને મગફળી સહિતના પાકને નુકસાન થયું છે. રાજકોટના મવડી રોડ, કાલાવડ રોડ અને ગોંડલ રોડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.

નવરાત્રી પહેલા વરસાદના માહોલે જમાવટ કરતાં નવરાત્રિમાં પણ વરસાદ મજા બગાડે તેવી સંભાવના રહેલી છે. જેતપુરમાં પણ વરસાદ થયો હતો. જ્યારે ગઈકાલથી જુનાગઢમાં પણ વરસાદ થયો હતો. એકલા જુનાગઢ તાલુકા અને જુનાગઢ સીટીમાં 2 ઈંચ જેટલો વરસાદ થયો હતો. જામનગરના કાલાવડમાં 1.6 ઈંચ જેટલો વરસાદ થયો હતો. એકંદરે છેલ્લા 24 કલાકમાં 9 તાલુકામાં વરસાદ થયો હતો.

હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ, રાજ્યમાં આગામી તા. 16મી ઓકટો. સુધીમાં હળવો વરસાદ થઈ શકે છે. જેમાં સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠામાં વરસાદ થઈ શકે છે.
રાજ્યમાં આજે ગરમીનો પારો 38 ડિગ્રીએ પહોચી ગયો હતો. જેના પગલે શહેરીજનો તથા ગ્રામીણ લોકો પણ ત્રાહિમામ પોકારી ગયા હતા.

રાજ્યના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 37 ડિે.સે., ડીસામાં 37 ડિે.સે., ગાંધીનગરમાં 36 ડિે.સે., વલ્લભ વિદ્યાનગરમાં 37 ડિે.સે., વડોદરામાં 36 ડિે.સે., સુરતમાં 38 ડિે.સે., વલસાડમાં 36 ડિે.સે., ભૂજમાં 37 ડિે.સે.,નલિયામાં 34 ડિે.સે., કંડલા એરપોર્ટ પર 37 ડિે.સે., અમરેલીમાં 36 ડિે.સે., ભાવનગરમાં 36 ડિે.સે., રાજકોટમાં 37 ડિે.સે. અને સુરેન્દ્રનગરમાં 38 ડિે.સે. મહત્તમ તાપમાન નોંધાયુ હતું.

Most Popular

To Top