ગાંધીનગર: (Gandhinagar) પૂર્વ ભારત તરફથી ગુજરાત તરફ સરકીને આવી રહેલી લો પ્રેશર સિસ્ટમની અસર હેઠળ હવે ગુજરાતમાં ચોમાસાની (Monsoon) ધમાકેદાર એન્ટ્રી થઈ છે. આજે સોમવારે રાત્રીના ૮ વાગ્યા સુધીમાં રાજયમાં 147 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ (Rain) થયો છે. ખાસ કરીને વલસાડ , ખેડા , મોરબી ,અમદાવાદ તથા સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ થયો છે. વલસાડના ઉમરગામમાં સવા પાંચ ઈંચ વરસાદ થયો છે. આ ઉપરાંત ખેડાના મહેમદાવાદમાં સાડા ચાર ઈંચ વરસાદ થયો છે. વલસાડ સિવાય આજે ખેડા જિલ્લામાં નદી નાળા છલકાઈ જાય તેટલો ભારે વરસાદ થયો છે. ખેડા આણંદ તથા વડોદરામાં પણ ભરે વરસાદ થયો છે.
- રાજ્યનાં 147 તાલુકાઓમાં હળવોથી ભારે વરસાદ, 72 કલાકમાં ભારે વરસાદની ચેતવણી
- વલસાડ , ખેડા , મોરબી ,અમદાવાદ તથા સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ
ખેડાના નડિયાદમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. નડિયાદની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ થયો હતો. વરસાદથી રસ્તા પર પાણી ભરાયા હતા. ભારે ઉકળાટ અને ગરમી પછી વરસાદથી લોકોને રાહત મળી હતી. રાજયમાં ભારે વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોએ જણાવ્યા મુજબ આગામી 72 કલાકમાં રાજયમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. જયારે આગામી તા.૨૯મી જૂન સુધી ભારે વરસાદની ચેતવણી ઈશ્યુ કરાઈ છે.
અમદાવાદમાં સવારે ભારે વરસાદ બાદ બપોરે 2 વાગ્યાથી ફરી ભારે વરસાદ શરૂ થયો હતો. બપોર બાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સરખેજ, મકરબા, વેજલપુર, મકતમપુરા પાલડી, જોધપુર, ટાગોર હોલ, વાસણા, જમાલપુર, માધુપુરા વિસ્તારમાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. રાજ્યના અન્ય જિલ્લાઓ પણ પહેલાં જ વરસાદમાં જળબંબાકાર થયા હતા. 28 તાલુકાઓમાં 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.
આજે રાત્રે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે ઉમરગામમાં સાવ પાંચ ઈંચ , મહેમદાવાદમાં સવા ચાર ઈંચ , ખેડાના નડીયાદમાં ૪.૪ ઈંચ , મોરબીમાં ૩.૩ ઈંચ , સુરેન્દ્રનદરના વઢવાણમાં ૩ ઈંચ , વાપીમાં ૨.૭ ઈંચ , ધૂંધૂકામાં ૨.૪ ઈંચ , લીંબડીમાં ૨.૩ ઈંચ , આણંદમાં ૨.૨ ઈંચ , અંજારમાં સવા બે ઈંચ , મહૂધામાં સવા બે ઈંચ , ગળતેશ્વરમાં સવા બે ઈંચ , ટંકારામાં પોણા બે ઈઁચ, વસોમાં પોણા બે ઈંચ , ભાણવડમાં અને કપરાડામાં ૧.૬ ઈંચ , ખેડામાં ૧.૪ ઈંચ વરસાદ થોય હતો. એકંદરે રાજયમાં ૨૮ તાલુકાઓ એવા છે કે જયા ૧થી ૫ ઈંચ જેટલો ભારે વરસાદ થયો છે.