Gujarat

ગાજવીજ સાથે રાજયના 131 તાલુકામાં વરસાદ, 8 જૂન સુધી તોફાની વરસાદની વકી

ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) જાણે કે વહેલું ચોમાસુ બેસી ગયું હોય તે રીતે આજરોજ રવિવારે વહેલી સવારે રાજયમાં ભારે ગાજવીજ સાથે વરસાદ (Rain) તૂટી પડયો હતો. ઘણી જગ્યાઓ પર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. મીની વાવાઝોડા (Cyclone) સાથે રાજયમાં વહેલી સવારે તોફાની વરસાદની ઈનીંગ શરૂ થઈ હતી. રવિવારે રાજયમાં દિવસ દરમ્યાન ૧૩૧ તાલુકાઓમાં વરસાદ થયો હતો. ખેડાના મહેમદાવાદમાં સવા બે ઈંચ, મહીસાગરના લુણાવાડામાં સવા બે ઈંચ અને નડીયાદમાં બે ઈંચ વરસાદ થયો હતો. ભરૂચના નેત્રંગમાં પોણા બે ઈંચ, બનાસકાંઠાના લાખણીમાં દોઢ ઈંચ ,મહુધામાં દોઢ ઈંચ, બાલાસિનોરમાં દોઢ ઈંચ, મોડાસામાં સવા ઈંચ, આણંદ તથા જાબુંઘોડામાં સવા ઈંચ , પાટણમાં સવા ઈંચ , ડાંગ આહવામાં સવા ઈંચ વરસાદ થયો છે.

ગાંધીનગરમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર , રાજયમાં આજે રવિવારે દિવસ દરમ્યાન ૧૩૧ તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં ૨૨ તાલુકાઓમાં એકથી સવા બે ઈંચ વરસાદ થયો છે. ખેડા મહીસાગર, ભરૂચ, બનાસકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, પાટણ, દાહોદ, ડાંગ, મહેસાણા, સુરત, વડોદરા સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ થયો છે.

સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી પાંચ દિવસ દરમિયાન ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આની સીધી અસર અમદાવાદ શહેર પર પણ જોવા મળી રહી છે. જેમાં આજે રવિવારે વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ ગયા હતા. આ દરમિયાન વીજળીના કડાકા સાથે ભારે પવન ફુંકાવવાનું શરૂ થઈ ગયું હતું. જેના પગલે અમદાવાદ તથા ગાંધીનગરમાં વહેલી સવારે ગાજવીજ સાથે ભારે વરાસદ થયો છે. બન્ને શહેરોમાં ૬ વાગ્યાથી ૮.૩૦ વાગ્યા સુધી ભારે વરાસદ થયો હતો. ભારે વરાસદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયુ હતું.

તો બીજી તરફ ગુજરાતમાં આજે ગરમી વધી હતી. ખાસ કરીને સુરેન્દ્રનગર , અમરેલી અને રાજકોટમાં ૪૧ ડિગ્રી ગરમી નોંધાવવા પામી હતી. રાજયમાં આગામી ૮મી જૂન સુધી ગાજવીજ સાથે વરસાદની સંભાવના રહેલી હોવાની ચેતવણી આપી છે. ખાસ કરીને રાજયમાં સૌરાષ્ટ્ર સહિત તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના રહેલી છે. આ ઉપરાંત પ્રતિ કલાકના ૩૦થી ૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ રીતે મીની વાવાઝોડા સાથે તા.૮મી જૂન સુધી તોફાની વરાસદની વકી રહેલી છે.

અમદાવાદના એરપોર્ટના કેમ્પસમાં આવેલી હવામાન વિભાગની ઓફિસના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે , રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં ૩૯ ડિ.સે.,ડીસામાં ૩8 ડિ.સે., ગાંધીનગરમાં ૪૦ ડિ.સે., વલ્લ્ભ વિદ્યાનગરમાં ૩૯ ડિ.સે,વડોદરામાં ૩૯ ડિ.સે.,સુરતમાં ૩૫ ડિ.સે.,વલસાડમાં ૩૫ ડિ.સે.,ભૂજમાં ૪૦ ડિ.સે.,નલિયામાં ૩૬ ડિ.સે.,કંડલા એરપોર્ટ પર ૪૦ ડિ.સે.,અમરેલીમાં ૪૧ ડિ.સે.,ભાવનગરમાં ૩૬ ડિ.સે.,રાજકોટમાં ૪૧ ડિ.સે.,સુરેન્દ્રનગરમાં ૪૧ ડિ.સે., અને કેશોદમાં ૩૭ ડિ.સે., મહત્તમ તાપમાન નોંધાયુ હતું.

અરબી સમુદ્રમાં વાવાઝોડુ : ચારે બાજુથી ગુજરાત હવે ચક્રવાતી હવાના દબાણની સિસ્ટમ વચ્ચે ઘેરાયેલું છે
હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ , અરબી સમુદ્રમાં 5મી જૂને વાવાઝોડું આકાર પામશે, તે પછી ગુજરાત પર લો પ્રેશર સિસ્ટમનું દબાણ વધવાની સંભાવના છે. અન્ય એક ચક્રવાતી હવાના દબાણની સિસ્ટમ બંગાળના અખાત પર છે. ઝારખંડ તથા છત્તીસગઢ ઉપર એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે. અન્ય વધુ એક સિસ્ટમ છત્તીસગઢ તથા તેલંગાણા ઉપર સ્થિર થયેલી છે. દક્ષિણ – પશ્વિમ રાજસ્થાન ઉપર પણ એક ચક્રવાતી હવાના દબાણની સિસ્ટમ સક્રિય છે. આમ ચારે બાજુથી ગુજરાત હવે ચક્રવાતી હવાના દબાણની સિસ્ટમ વચ્ચે ઘેરાયેલું છે.
આગામી તા.૭મી જૂન સુધીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું આકાર પામે તો તે ગુજરાત તેમજ મહારાષ્ટ્ર માટે ખતરો બને તેવી સંભાવના છે. ખાસ કરીને જૂનના પ્રથમ સપ્તાહમાં અરબી સમુદ્રમાં વાવાઝોડુ આકાર પામે તેવી સંભાવના જોવાઈ રહી છે. આ ઉપરાંત ચક્રવાતી હવાના દબાણની જુદી જુદી ત્રણેક સિસ્ટમ સક્રિય થયેલી છે. જેના પગલે ગુજરાત પણ તેના પ્રભાવ ક્ષેત્ર હેઠળ આવી ગયું છે. એક સિસ્ટમ પશ્વિમી હિમાલય પરથી પસાર થઈ રહી છે. બીજી સિસ્ટમ દક્ષિણ – પશ્વિમ રાજસ્થાન પર ગુજરાતને અડીને આવેલી છે. અન્ય એક સિસ્ટમ ઓરિસ્સા ઉપર છે. આ ઉપરાંત વધુ એક ચોથી સિસ્ટમ બંગાળના અખાતમાં પૂર્વ – મધ્ય ભાગમાં આવેલી છે.

Most Popular

To Top