ગાંધીનગર: (Gandhinagar) બંગાળના ખાડીમાં (Bay of Bangal) સક્રિય થયેલું ગુલાબ વાવાઝોડું (Gulab Cyclone) બંગાળની ખાડીથી આગળ વધ્યું છે. આ વાવાઝોડું આગામી 24 કલાક દરમિયાન ગુજરાત સુધી પહોંચવાની શક્યતા છે. જેને કારણે સર્જાનારી સાઇક્લોનિક સરક્યુલેશનની અસરથી 24 કલાકમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ વાવાઝોડાની અસરથી રાજ્યમાં 40થી 60 કિલોમીટરની ગતિની પવન ફૂંકાવાની સાથે ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ (heavy rainfall in Gujarat) પડવાની શક્યતા છે. વાવાઝોડાની અસરના કારણે 28-29 અને 30 સપ્ટેમ્બર અતિભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં (South Gujarat, Saurashtra) આ વાવાઝોડાના કારણે ભારે વરસાદ વરસી શકે છે. આમ 27મી સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી છે.
હાલ બંગાળમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે ઓરિસ્સા અને બંગાળમાં ભારે વરસાદ પડી રહ્યો છે. તેની અસર સમગ્ર દેશના વાતાવરણ પર પડશે. સમુદ્રમાં ઉંચા મોજા ઉછળવા, તોફાની વરસાદ પડવો વગેરે જેવી સ્થિતિ ગુજરાતમાં પણ સર્જાશે. સપ્ટેમ્બર 28-29 દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં 8-10 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ભરૂચ, મધ્યગુજરાત, પૂર્વ ગુજરાત, પંચમહાલ વગેરે ભાગોમાં વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને અરવલ્લી, બનાસકાંઠા, પાટણ, મહેસાણાના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
કચ્છ અને સૌરાષ્ટ્ર ભાગોમાં પણ વરસાદની શક્યતા છે. 28-29-30-1 ઓક્ટોબર સુધી રાજ્યનાં મોટા ભાગનાં વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. હાથી નક્ષત્ર હોવાનાં કારણે વરસાદ ગાજશે પણ અને ધોધમાર વરસશે પણ. જો કે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહ બાદ ધીરે ધીરે ચોમાસુ વિદાય લેશે. જો કે હાલ ખેડૂતો વાવણી કરી રહ્યા હોવાથી આ વરસાદના કારણે ખેતીને નુકસાન થશે. ધાન્ય પાકો, કપાસ, શેરડી, મગફળી, કઠોળ અને તલ જેવા અનેક પાકોને ભારે નુકસાન થવાની શક્યતા છે.
બીજી તરફ અંબાલાલ પટેલે કરી આગાહી અનુસાર સપ્ટેમ્બર માસમાં ભારે વરસાદનું કારણ દક્ષિણ ભારતમાં સાગરમાં પ્રવર્તતી સાનુકુળ સ્થિતિ છે. બંગાળના ઉપસાગરમાં સાનુકુળ સ્થિતિના કારણે વરસાદ ભારેથી અતિભારે થઈ શકે છે. એક પછી એક લો પ્રેશર સર્જાવાને કારણે ગુજરાતમાં ભારે વરસાદનું વાતાવરણ તૈયાર થઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં 8-10 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે.