Dakshin Gujarat

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે પાણીની કેનાલ બંધ કરી દેવાતા ખેડૂતોને મુશ્કેલીમા

નવસારી(Navsari) : બુલેટ ટ્રેન (Bullet train) પ્રોજેક્ટને (Project) પગલે એલ એન્ડ ટી (L&T) કંપનીએ નવસારીના કછોલ ગામ પાસે આવેલી પાણીની કેનાલ 6 મહિના અગાઉ બંધ કરી દેતા ગામના ખેડૂતોને (Farmers) મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે. જેથી ગ્રામજનોએ રજુઆતો કરી હતી. પરંતુ એલ એન્ડ ટી કંપનીના કર્મચારીઓ સાંભળતા નહીં હોવાથી ગ્રામજનોએ ઉગ્ર રજુઆત કરી હતી. જેથી તેઓએ અઠવાડિયામાં પાણી શરૂ કરવાની બાંહેધરી આપી છે.

કેન્દ્ર સરકારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહી છે. બુલેટ ટ્રેન નવસારી તાલુકામાં આવેલા કેટલાક ગામોમાંથી પસાર થવાની છે. જેનું કામ એલ એન્ડ ટી કંપનીને સોંપવામાં આવ્યું છે અને તેની કામગીરી પણ હાલ પુરજોશમાં ચાલી રહી છે. એક તરફ સરકાર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ શરૂ કરી સપનું સાકાર કરવાની રાહે છે. ત્યારે નવસારીમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામને લઈ સમસ્યાઓ ઉભી થઈ રહી છે. નવસારી તાલુકાના અડદા ગામ પાસે આવેલા કછોલ ગામ પાસેથી પાણીની કેનાલ પસાર થાય છે. જે પાણીની કેનાલ વાડા ગામ સુધી લંબાયેલી છે. જે પાણીની કેનાલ દ્વારા આજુબાજુના ગામોના લોકો પીવા અર્થે તેમજ ખેડૂતો કેનાલનું પાણી ખેતીમાં ઉપયોગ કરતા છે. જ્યારે કછોલ ગમે આવેલા તળાવમાં પણ કેનાલનું પાણી ભેગું થાય છે. પરંતુ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ શરૂ થતા તે ગામોના ખેડૂતોને મુશ્કેલી ઉભી થઇ છે.

કલેક્ટરનો કેનાલ શરૂ કરવાનો હુકમ છતાં કંપનીના કર્મચારીઓ હુકમને કાગળનો ટુકડો સમજી બેઠા

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ શરૂ થતા એલ એન્ડ ટી કંપનીએ કછોલ ગામ પાસે આવેલી પાણીની કેનાલ 6 મહિના અગાઉ બંધ કરી દીધી હતી. જેથી ખેડૂતોને ખેતીમાં સિંચાઈ માટે કેનાલનું પાણી મળવાનું બંધ થયું હતું. તેમજ પીવાના પાણીની પણ તંગી પડી રહી હતી. આ બાબતે ગામના ખેડૂતોએ નવસારી જિલ્લા કલેક્ટર, મામલતદાર અને નહેર વિભાગને લેખિતમાં રજૂઆતો કરી હતી. જેથી કલેક્ટરે કેનાલ શરૂ કરવા માટે હુકમ પણ કર્યો હતો. તે છતાં એલ એન્ડ ટી કંપનીના કર્મચારીઓ તંત્ર તેમના હુકમને માત્ર કાગળનો ટુકડો સમજી બેઠા હોય તેમ કેનાલ શરૂ કરી હતી. એક તરફ ખેડૂતો કમોસમી વરસાદ, વાદળછાયુ વાતાવરણ, વાવાઝોડા સહિતની કુદરતી આફતથી લડતા આવ્યા છે. અને તેના કારણે ખેડૂતોનો પાક બગડતા નુકસાની પણ થઈ છે. ત્યારે હવે કેનાલ બંધ કરતા પાણી મળવાનું બંધ થયું છે. જેથી ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો.

કલેક્ટરનો હુકમ છતાં પણ કોઈ વ્યવસ્થા નથી કરી : કિરીટ પટેલ

કછોલ ગામના માજી સરપંચ કિરીટ પટેલે જણાવ્યું હતું કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ શરૂ થયું છે ત્યારથી ગામની કેનાલ બંધ કરી દેવામાં આવી છે. જેથી પીવાના પાણી સાથે ખેતરમાં પાણીની તંગી વર્તાઈ રહી છે. આ બાબતે કલેક્ટરને રજુઆત કરતા તેમને ગામના લોકોને પાણી મળે તે રીતની વ્યવસ્થા કરવાનો હુકમ કર્યો હતો. તે છતાં પણ એલ એન્ડ ટી વાળાઓએ કઈ કર્યું નથી. અમે જ્યારે તેમને કહેવા જઈએ તો તેઓ જુદા-જુદા સાહેબોને મળવાનું કહે છે.

Most Popular

To Top