Gujarat

ઠગ કિરણ પટેલ કેસ બાદ હિતેષ પંડ્યાના સીએમઓમાંથી એક્ઝિટ થવાના ભણકારા

ગાંધીનગર : મહાઠગ ડૉ . કિરણ પટેલ ઉર્ફે બંસી પટેલની વિરુદ્ધની તપાસ વધુ સઘન બની છે. કાશ્મીર પોલીસે (Police) પીએમઓનું નકલી આઈકાર્ડ (ID Card) બનાવવાના મામલે મણિનગરમાં (Maninagar) તપાસ હાથ ધરી છે. ત્યારે હવે કાશ્મીર પોલીસ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તથા એટીએસની સંયુકત તપાસ ત્રણ અન્ય શખ્સો પર સ્થિર થયેલી છે. આ ત્રણેય હજુ પૂછપરછ માટે પોલીસ સમક્ષ હાજર થયા નથી. મહાઠગ અને મિ. નટવરલાલ એવા કિરણ પટેલ જયારે શ્રીનગર પહોચ્યા ત્યારે પોતાની સાથે ત્રણ શખ્સોની ઓળખ તેમણે પીએમઓના કર્મચારી તરીકે આપી હતી. આ ત્રિપુટી પણ હોટેલ લલિત પેલેસમાં કિરણ પટેલ સાથે જ હતી. કાશ્મીર પોલીસે આ ત્રણેયની પ્રાથમિક પૂછપરછ કરીને તેમને જવા દીધા હતા. હવે ફરીથી કાશ્મીર પોલીસ આ ત્રણેયને શોધી રહી છે. ત્રણ પૈકી એક સીએમઓના અધિકારી હિતેશ પંડ્યાના પુત્ર અમીત પંડ્યા છે.

ગાંધીનગરમાં સચિવાલયના ટોચના સૂત્રોએ કહ્યું હતુ કે , ‘આ સમગ્ર પ્રકરણમાં કાયદો કાયદાનું કામ કરશે, પીએમઓના નકલી અધિક ડાયરેકટરની સાથે જે લોકો પોતે પીએમઓના કર્મચારીઓ હોવાનો સ્વાંગ રચીને કાશ્મીરમાં જોડે ફર્યા છે, એટલે તેઓને કર્મોનું ફળ તો ભોગવવું જ પડશે. હિતેશ પંડ્યાની સીએમઓમાંથી એક્ઝિટ થાય તેવું કાઉન્ટ ડાઉન ચાલી રહયુ છે.’ ગમે તે ઘડીયે હવે હિતેશ પંડ્યાની નિમણૂક રદ થાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.

પંડ્યા અગાઉ રાજકોટના એક અખબારમાં પત્રકાર રહી ચૂકયા છે. 2002 દરમિયાન પંડ્યાનો હિન્દુત્વ તરફી ઝુકાવ હોવાના કારણોસર તેમને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સીએમ બંગલો ખાતે પીઆરઓની પોસ્ટ આપી હતી. જો કે હવે મોદી પીએમ તરીકે દિલ્હી જતાં રહેતાં સીએમઓ પંડ્યાને યથાવત રાખવાના મૂડમાં નથી તો તેમને બચાવવાવાળું પણ કોઇ નથી.
સીએમ ઓફિસ સમગ્ર કેસની વિગતો તપાસ એજન્સીઓ પાસેથી મેળવી રહી છે. આ બાબત એટલા માટે ગંભીર છે કે તેમાં પીએમઓ તથા સીએમઓની સિક્યુરિટી ક્રોપ્રોમાઈઝ થઈ છે. મહાઠગ કિરણ પટેલ દ્વારા પીએમઓની નકલી અધિકારી હોવા છતાં ગુજરાતમાં કરોડોની ઠગાઈ કરી હોવાની વિગતો બહાર આવી રહી છે. હવે કેટલાય લોકો ખુલ્લીને ફરિયાદ કરી રહ્યાં છે.

કાશ્મીર પોલીસ મહાઠગ કિરણ પટેલ સાથે આવેલા બીજા ત્રણ નકલી કર્મચારીઓને શોધી રહી છે જેમાં અમિત પંડ્યા, જય સિતાપરા અને ત્રિલોકસિંહનો સમાવેશ થાય છે. આ લોકોને પણ ઝેડ પ્લસ સિક્યોરિટી અને બુલેટ પ્રુફ કાર આપવામાં આવી હતી. કિરણ પટેલે કાશ્મીરમાં સૌથી વધુ સંવેદનશીલ મનાતી ઉરી બોર્ડરની મુલાકાત પણ લીધી હતી, જ્યાં ભારતીય લશ્કરના સિનિયર અધિકારીઓ સિવાય કોઇને જવા દેવામાં આવતા નથી.

તપાસ એજન્સીઓ સિક્યુરિટી ભંગ સિવાય પણ આર્થિક બાબતોને લગતા વ્યવહારોની પણ તપાસ કરી રહી છે, કારણ કે કિરણ પટેલે કાશ્મીરના કેટલાક આઇપીએસ અધિકારીઓને સારૂ પોસ્ટિંગ અપાવવાનું પ્રોમિસ કર્યું હતું. એટલું જ નહીં, કેસરની લે-વેચ કરતા વેપારીઓ સાથે પણ બેઠકો કરી હતી. ગાંધીનગરમાં પણ સિનિયર આઇએએસ અને આઇપીએસ આ મહાઠગની જાળમાં ફસાયેલા હોવાથી તેની પણ તપાસ ચાલી રહી છે.

Most Popular

To Top