Gujarat

શહીદ પોલીસ જવાનોના પરિવારને ગાંધીનગરમાં ધરણાં પર પણ બેસવા નહીં દેવાયા, મહિલાઓ રડી પડી

ગાંધીનગર: ફરજ દરમિયાન શહીદ થયેલા પોલીસ કર્મચારીઓના પરિવારમાંથી કોઈ એક સભ્યને રહેમરાહે નોકરી આપવા સહિતની વિવિધ પડતર માંગણીને મામલે આજે ગાંધીનગરની (GandhiNagar) સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં ભેગા થઈ પોલીસ પરિવારો (Police Familly) દ્વારા ધરણાં (Protest) કરવામાં આવ્યા હતા. આ ધરણાં પ્રદર્શન કાર્યક્રમમાં LRD ઉમેદવારો પણ જોડાયા હતા.

  • સત્યાગ્રહ છાવણીમાં મોટી સંખ્યામાં પોલીસ પરિવાર અને LRD ઉમેદવારો ભેગા થયા
  • પડતર માંગણીઓને મામલે ધરણાં પ્રદર્શન કરવા એકત્ર થયા
  • પોલીસે આંદોલનકારીઓને ટીંગાટોળી કરી ખસેડ્યા
  • પોલીસ દ્વારા 60 પ્રદર્શનકારીઓની અટકાયત
  • ગાંધીનગર પોલીસે મહિલાઓ પર અત્યાચાર ગુજાર્યો હોવાનો આક્ષેપ

આંદોલનકારીઓને રોકવા પહોંચેલી પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. પોલીસે 60 જેટલાં આંદોલનકારીઓને ટીંગાટોળી કરી આંદોલનમાં લીધા હતા. દરમિયાન પુરુષ પોલીસ કર્મચારીઓએ મહિલા આંદોલનકારીઓ પર હાથ ઉપાડ્યો હોવાના આક્ષેપો થયા છે. ગાંધીનગરના પીઆઈ ચૌહાણ વિરુદ્ધ એક મહિલા આંદોલનકારીએ બળાપો કાઢયો છે. તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પોલીસ દ્વારા કરાયેલા દમનના લીધે મહિલાઓ રડી પડી હતી.

એક મહિલા આંદોલનકારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ મહિલા સતત 2 મિનીટ સુધી બળાપો કાઢી રહી છે. તે કોઈ વાહનમાં જઈ રહી છે. રડતાં રડતાં તે પીઆઈ ચૌહાણ પર આક્ષેપો કરી રહી છે. આ મામલે સેક્ટર 7ના પીઆઈ પી.બી. ચૌહાણે કહ્યું કે, આંદોલનકારીઓના આક્ષેપો પાયાવિહોણા છે. વિધાનસભા સત્ર્ ચાલી રહ્યું છે. આવા સમયે ધરણાં કરવા પહોંચેલા પોલીસ પરિવારો અને LRD ઉમેદવારો પૈકી 60ની અટકાયત કરવામાં આવી છે.

શું છે આખો મામલો?
ગાંધીનગરમાં પોલીસ પરિવારો દ્વારા લાંબા સમયની પડતર માંગણીઓ મામલે આંદોલન શરૂ કરાયું છે. પોલીસ પરિવારના સભ્યોને વર્ગ 3 અને 4માં રહેમરાહે નોકરી આપવાની માંગ આ આંદોલનકારીઓ કરી રહ્યાં છે. તે ઉપરાંત 5-7-2011નો ઠરાવ રદ કરવા માંગ કરાઈ છે. ગુજરાત પોલીસમાં 1985થી 2017 સુધીમાં શહીદ થયા હોય તેવા પોલીસ કર્મચારીઓના પરિવારોને ન્યાયની માંગણી આંદોલનકારીઓ કરી રહ્યાં છે.

તમને જણાવી દઈએ કે લાંબા સમયથી ગુજરાતના પોલીસ મહેકમમાં આંદોલનનો જુવાળ જાગ્યો છે. ગ્રેડ પે, LRD ઉમેદવારોને નોકરી તથા શહીદોના પરિવારને રહેમરાહે નોકરી સહિતના અનેક મુદ્દે છેલ્લાં એક વર્ષમાં આંદોલનો થયા છે. ગ્રેડ પેનો મુદ્દો સરકારે ઉકેલી દીધો છે, પરંતુ અન્ય સમસ્યા હજુ ઉકેલાઈ નહીં હોવાથી આંદોલનો થઈ રહ્યાં છે.

Most Popular

To Top